દરેડમાં દબાણકારોને જેલભેગા કરવા તંત સજ્જ: તપાસનો ધમધમાટ શરૂ કરતાં કલેકટર

સરકારી જમીન પરના ગેરકાયદે દબાણોની તપાસ શરૂ કરતા કલેકટર

લેન્ડ ગ્રેબીંગ અંગેની ૧૩ ફરિયાદો મળી: બે સુઓમોટો

દરેડમાં સરકારી જમીન પરના ગેરકાયદે દબાણો સાત દિવસમાં હટાવી લેવા અને જમીન ખુલ્લી કરી દેવા કલેકટર રવિશંકરે દબાણકર્તાઓને તાકીદ કરી છે. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત લેન્ડ ગ્રેબિંગ(પ્રોહીબીશન) એક્ટ-૨૦૨૦ પસાર કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ ગેરકાયદેસર સરકારી જમીન પચાવી પાડવા અથવા તો કોઈ વ્યક્તિગત માલિકીની જમીન ગેરકાયદેસર પચાવી પાડવાની પ્રવૃત્તિને કાયદાકીય રીતે અટકાવવામાં આવશે. જે નવા કાયદાના અનુસંધાને જામનગર નજીકના દરેડ માં જમીન દબાણ અંગેની ૧૩ અરજી મળતાં જિલ્લા કલેકટર-એસપી. સહિતના અધિકારીઓએ સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું, જ્યાં દબાણ થયું હોવાનું ધ્યાનમાં આવતાં તમામ આસામીઓને સાત દિવસમાં જગ્યા ખાલી કરી આપવા અલ્ટિમેટમ અપાયું છે, ત્યાર પછી તેઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે, તેવી પણ ચીમકી અપાઇ છે. જેને લઇને દબાણ કરનારાઓ માં ભારે ભાગદોડ મચી ગઇ છે.

આ અંગે જામનગર કલેકટર દ્વારા જમીન દબાણ કરનાર લોકોને દબાણ હટાવવાની અને જે કોઈ ત્રાહિત વ્યક્તિ હોય તેને પણ અરજી કરવા અંગે જણાવવામાં આવ્યું હતું. દરેડના મસીતીયા મેઈન રોડ વિસ્તારના રોડ પર સરવે નં.૧૩૧ અને ૧૩૨માં ખૂબ મોટા પાયે ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ કરવામાં આવેલા છે, તેને આ હેઠળ આવરીને કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક અને અધિક નિવાસી કલેકટર દ્વારા તે વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટર રવિશંકરે જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ-૨૦૨૦ અંતર્ગત જામનગર વહીવટીતંત્રને જનતા પાસેથી ૧૩ અરજીઓ મળી છે. આ બાબતે વહીવટી અધિકારીઓની તપાસ અર્થે  નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ સુઓમોટો અંતર્ગત બે અરજીઓ મળી છે. જેમાં દરેડ વિસ્તારના ૧૩૧ અને ૧૩૨ સર્વે નંબર જે જુના સર્વે નંબર ૨૬/૧ જે સરકારી જમીન હતી અને હાલમાં ખૂબ મોટા પાયે તેના પર અજાણ્યા ઇસમો દ્વારા લેન્ડ ગ્રેબિંગ કરીને ભાડુઆતો રાખવામાં આવે છે, તે જમીન પર નિરીક્ષણ કરવામાં આવ્યું. આ માટે સરકારી આધારો અનુસાર સંપૂર્ણ ખરાઈ કરવામાં આવી છે અને તંત્ર દ્વારા તે જમીન પર રહેતા લોકોને ત્યાંથી હટી જવા માટે જણાવવામાં આવે છે. આ માટે સાત દિવસ બાદ જો લોકો ત્યાંથી દબાણ નહીં હટાવે તો તે અંગે કાયદાકીય કાર્યવાહી થશે. તે સાથે જ સર્વે નંબર ૧૫માં ગૌશાળા આવેલી છે જેને પણ ત્યાંથી ગૌશાળા હટાવી લેવા એક તક આપવામાં આવે છે. ત્યારબાદ જરૂરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમ કલેકટરે ઉમેર્યું હતું.

બેડી વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

જામનગરમાં બેડી બંદર રોડ પર જંકશન પાસે સરકારી જગ્યામાં એક મોટી કેબીન તથા એક ઓરડી સહિતનું બાંધકામ ખડકી દેવાયું હતું. જે બાંધકામને જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ની ટીમે પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવામાં આવ્યું હતું, અને રસ્તો ખુલ્લો કરી તાત્કાલિક અસરથી ડામર રોડ બનાવી દેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. બેડી બંદર રોડ પર જંકશન પાસે એક આસામી દ્વારા એક મોટી કેબીન ખડકી દેવામાં આવી હતી, સાથોસાથ બાજુમાં ઓરડી પણ બનાવી લેવામાં આવી હતી. જે બાંધકામ લોકડાઉન પહેલા અગાઉ દુર કરાયું હતું પરંતુ ફરીથી જગ્યા પર દબાણ કરી દેવાયું હતું. ઉપરોકત સ્થળે જામનગર મહાનગરપાલિકા દ્વારા સર્કલ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જામ્યુકોની દબાણ હટાવ ની ટીમે સીટી બી. ડિવિઝનના પોલીસ સ્ટાફની મદદથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી અને કેબીન તથા ઓરડી સહિતનું બાંધકામ ખુલ્લુ કરી દબાણ હટાવી લેવાયું હતું. ઉપરાંત તે સ્થળે જેસીબીની મદદથી જમીન સમથળ કરી લેવામાં આવી છે અને ત્યાં ડામર રોડ પણ બનાવવાનો શરૂ કરી દેવાયો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા ઉપરોકત સ્થળે સર્કલ અને જંકશન બનાવવાની પ્રક્રિયા પણ હાથ ધરી લેવામાં આવી છે.

Loading...