Abtak Media Google News

૧લી એપ્રિલથી રાશનકાર્ડ ધરાવતા લોકોને નિ:શુલ્ક ખાદ્ય સામગ્રી આપશે સરકાર

કોરોનાના પ્રકોપે લોકોના માનસ પટ ઉપર ખુબ જ ગંભીર છાપ છોડી છે. ૨૧ દિવસના લોકડાઉન પીરીયડ જાહેર થતાની સાથે જ લોકોને ઘણી ખરી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી ભીતિ પણ સર્જાય છે. આ તકે ગુજરાત રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આશ્ર્વાસન આપતા જણાવ્યું છે કે, ૧લી એપ્રિલથી રાજયનાં ૬૦ લાખ લોકોને એક મહિનાનું રાશન પુરું પાડવામાં આવશે જેમાં રાશનકાર્ડ ધરાવતા લોકોને ખાદ્ય સામગ્રી નિ:શુલ્ક પ્રાપ્ત થશે. આ સ્કિમ હેઠળ ગરીબી રેખા નીચે જીવતા લોકો કે પછી રોજનું કમાઈને રોજનું ખાનાર લોકો માટે આ યોજના અત્યંત કારગત નિવડશે. સમગ્ર દેશમાં હાલ લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ગુજરાત રાજય સરકાર દ્વારા લેવામાં આવેલો નિર્ણય અત્યંત સરાહનીય છે.

રાશનકાર્ડ ધરાવતા લોકોને ૩.૫૦ કિલો ઘઉં, દોઢ કિલો ચોખા, ૧ કિલો કઠોર, ૧ કિલો ખાંડ આપવા માટેનો નિર્ધાર કરવામાં આવ્યો છે. આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજય સરકાર દરેક ગરીબ કુટુંબો અને પરિવારો માટે ચિંતા કરી રહ્યું છે જેથી આ લોકડાઉન પીરીયડ દરમિયાન કોઈપણ પ્રકારની તકલીફનો સામનો ન કરવો પડે તે દિશામાં રાજય સરકાર હાલ તમામ પ્રકારનાં પગલાઓ લઈ રહી છે. ગરીબી રેખા હેઠળ જીવતા લોકો અને મજુરી કરતા પરીવારોને આ સમયગાળા દરમિયાન જે તકલીફનો સામનો કરવો પડે છે તે માટે સરકાર ખુબ જ ચિંતિત છે. જેના અનુસંધાને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને તાકીદ કરતા અપીલ પણ કરી છે કે, આ ૨૧ દિવસ દરમિયાન લોકો ચુસ્તપણે ઘરમાં રહી લોકડાઉનને સમર્થન આપે જેથી કોરોનાથી પૂર્ણત: બચી શકાય. ગુજરાતમાં કોરોનાના કુલ ૩૮ કેસો નોંધાયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.