ગુજરાતના યુવાનોની રગે રગમાં ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે: મુખ્યમંત્રી

અબજ કયુ થ્રી ટેક પાર્કનો મુખ્યમંત્રીના હસ્તે ઇ-શિલાન્યાસ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે ૨૫ લાખ જેટલા ટેલિવિઝનનું ઉત્પાદન કરનારા અબજ કયુ થ્રી ટેક પાર્કનો ઇ-શિલાન્યાસ ગાંધીનગર ખાતેથી વિડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવ્યો હતો.

આ તકે જણાવ્યું હતુ કે ગુજરાતના યુવાઓની રગેરગમાં ઉદ્યોગ સાહસિકતા, સૂઝ અને ધગશ પડેલા છે તેના સહારે વૈશ્વિક પડકારો ઝિલવાની ક્ષમતા સાથે યુવાશકિત આત્મનિર્ભર ભારત, મેઇક ઇન ઇન્ડીયા અને નયા ભારતના સંકલ્પો સાકાર કરશે. ગુજરાત એફ.ડી.આઇ, પ્રોડકશન અને મેન્યૂફેકચરીંગ ક્ષેત્રમાં દેશનું મોડલ બન્યું છે. હવે આ યુવાશકિતના આધુનિક વિઝન અને નવા કોન્સેપ્ટના પરિણામે ઉદ્યોગ જગતને ૩૬૦ ડિગ્રી ચેન્જની નવી ઉડાન મળી છે.

આ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને ઉદ્યોગ અધિક મુખ્ય સચિવ  એમ. કે. દાસ, ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના  પ્રકાશ વરમૌરા તેમજ આ પાર્કના સહયોગીઓ નિરવભાઇ, જુબીનભાઇ વગેરે પણ જોડાયા હતા.

તેમણે કહ્યું કે, વડાપ્રધાનએ નયા ભારતની કલ્પના આત્મનિર્ભરતાના માર્ગે યુવાઓને વાળીને આપેલી છે. યુવાઓને સ્ટાર્ટઅપ, એમએસએમઇ જેવા બહુધા ક્ષેત્રોમાં પ્રોત્સાહિત કરવા રાજ્ય સરકારે અનેક પગલાંઓ લીધા છે. પહેલાં પ્રોડકશન પછી પરમિશનનો વ્યૂહ અપનાવ્યો છે. એટલું જ નહિ, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસમાં પણ સરળતા માટે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસીમાં થ્રસ્ટ એરિયાઝને પ્રાધાન્ય આપેલું છે.

તેમણે કહ્યું કે, યુવાશકિતની ઉદ્યોગ સાહસિકતાએ ભારતની ગરીબ, અશિક્ષિત દેશની છાપ વિશ્વમાંથી દૂર કરી છે. ડાલ ડાલ પર સોનેકી ચીડીયાની સિદ્ધિ ભારતે ફરી મેળવવાની દિશા પકડી છે. ભારત માતા જગદગુરૂ બને, ભારત માતા કી જયનો જે નારો છે તે ભ્રષ્ટાચારમુકિતથી, દેશને નબળો પાડનારી તાકાતોને નશ્યત કરીને, આતંકવાદને ચેલેન્જ કરીને પરાસ્ત કરીને આપણે સાકાર કરવા છે. મુખ્યમંત્રીએ આદ્યશક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિએ થયેલો આ અબજ પાર્કનો શિલાન્યાસ ભારત માતાને જગતજનની બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.