Abtak Media Google News

ડિફેન્ડીંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા સામે ઈંગ્લેન્ડે ૮ વિકેટે મેળવી જીત: ૧૯૯૨નાં વિશ્વકપ બાદ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચતી ઈંગ્લેન્ડની ટીમ

વિશ્વકપ-૨૦૧૯નો બીજો સેમી ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને ડિફેન્ડીંગ ચેમ્પીયન ઓસ્ટ્રેલિયા સામે રમાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ઈંગ્લેન્ડે ચેમ્પીયનને સાજે તેવો દેખાવ કર્યો હતો. વિશ્વકપનાં ફાઈનલમાં આગામી મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે ત્યારે ઈંગ્લેન્ડ હાલ સૌથી વધુ પ્રબળ ટીમ માનવામાં આવી રહી છે. મેચ શરૂ થતાની પહેલાં એવું લાગી રહ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સેમીફાઈનલ જીતી ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરશે પરંતુ ઓસ્ટ્રેલિયા કુલ ૧૪ રન નોંધાવી તેની મહત્વપૂર્ણ ૩ વિકેટો ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડ ટીમ તરફથી ક્રીસ વોકસ અને આદિલ રસીદે ૩-૩ વિકેટો ઝડપી હતી ત્યારે ઈંગ્લેન્ડ ૨૨૪ રનનાં લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરતાની સાથે પ્રથમ બોલથી આક્રમક રમત રમી હતી અને માત્ર ૩૨.૧ ઓવરમાં જ મેચ જીતી ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિંચે ટોસ જીતીને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, ઈંગ્લેન્ડના ધારદાર બોલિંગ પ્રદર્શન સામે ઓસ્ટ્રેલિયા માત્ર ૨૨૩ રન જ બનાવી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાએ આપેલા આ ટાર્ગેટને ઈંગ્લેન્ડે સરળતાથી પાર પાડ્યો હતો અને ૮ વિકેટથી જીત મેળવી ૨૭ વર્ષ પછી વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચ્યું હતું. ઈંગ્લેન્ડે જીત મેળવી છે તેનો મતલબ એ થયો કે હવે તેની ટક્કર ૧૪ જુલાઈના રોજ ન્યૂઝીલેન્ડ સામે થશે. ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ આ બન્નેમાંથી કોઈપણ અત્યાર સુધીમાં વર્લ્ડકપ જીતી શક્યું નથી. જેનો મતલબ એ થયો કે ક્રિકેટ જગતને એક નવો વર્લ્ડ ચેમ્પિયન મળશે. ઈંગ્લેન્ડની ટીમ આ પહેલા ત્રણ વાર વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી ચૂક્યું હતું પરંતુ તે ખિતાબ જીતવામાં અસફળ રહ્યું હતું. આ પહેલા ઈંગ્લેન્ડ ૧૯૯૨માં વર્લ્ડકપ ફાઈનલમાં પહોંચ્યું હતું અને તેને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

પ્લેયર ઓફ ધ મેચ બનેલા વોક્સનું બોલિંગ પ્રદર્શન સૌથી શાનદાર રહ્યું હતું. વોક્સે આઠ ઓવરમાં વીસ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી. જ્યારે જોફ્રા આર્ચરે પણ તેનો બરાબરનો સાથ આપ્યો હતો. આર્ચરે દસ ઓવરમાં ૩૨ રન આપીને બે વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ તરફથી પ્લન્કેટ સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો.. પ્લન્કેટે આઠ ઓવરમાં ૪૪ રન આપ્યાં હતાં અને એકપણ વિકેટ મળી નહોતી. અબ્દુલ રાશિદે પણ શાનદાર બોલિંગ કરતાં દસ ઓવરમાં ૫૪ રન આપીને ૩ વિકેટ મેળવી હતી. ઓસ્ટ્રેલિયાએ આપેલા ૨૨૪ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમની શરુઆત શાનદાર રહી હતી. જેસન રોય અને જ્હોની બેયરસ્ટોએ ઈંગ્લેન્ડને આક્રમક શરુઆત અપાવી હતી. આ બન્નેએ ઓસ્ટ્રેલિયાના બોલર્સને બરાબરના હંફાવ્યા હતાં અને ૧૨૪ રનની પાર્ટનરશીપ કરી હતી.

ઈંગ્લેન્ડના બેટ્સમેનો સામે ઓસ્ટ્રેલિયાના બોલર્સ લાચાર સાબિત થયાં હતાં. મિશેલ સ્ટાર્ક અને પેટ કુમિન્સ જ એક-એક વિકેટ ઝડપવામાં સફળ રહ્યાં હતાં. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે ૬૫ બોલમાં ૮૫ તેમજ બેયરસ્ટોએ ૪૩ બોલમાં ૩૪ રન ફટકાર્યા હતાં. આ પછી જો રુટ અને ઈયોન મોર્ગને પણ રંગ રાખ્યો હતો. જોકે, રુટ અડધી સદીથી ચૂકી ગયો હતો. મોર્ગને પણ ૩૯ બોલમાં ૪૫ રન બનાવ્યાં હતાં. આ પહેલા ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાની શરુઆત અત્યંત ખરાબ રહી હતી અને તેણે માત્ર ૧૪ રનમાં જ ૩ વિકેટ ગુમાવી હતી. જોકે, આ પછી ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા સ્મિથે ૧૧૯ બોલમાં ૮૫ રન કરીને ઓસ્ટ્રેલિયાને સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યું હતું. વોર્નર નવ રનના અંગત સ્કોર પર વોક્સનો શિકાર બન્યો હતો. જ્યારે જોફ્રા આર્ચરે એરોન ફિંચને એલબીડબલ્યુ કરીને પેવેલિયન પરત મોકલ્યો હતો. સ્મિથે શાનદાર બેટિંગ કરીને એક છેડો સાચવી રાખતાં ૮૫ રન કર્યાં હતાં. સ્મિથ અને કેરી વચ્ચે શાનદાર ૧૦૩ રનની પાર્ટનરશીપ થઈ હતી. જેથી ઓસ્ટ્રેલિયા સન્માનજનક સ્કોર કરી શક્યું હતું. ઓસ્ટ્રેલિયાના બોલર્સનું પ્રદર્શન કંગાળ રહ્યું હતું. મિશેલ સ્ટાર્ક સૌથી ખર્ચાળ બોલર સાબિત થયો હતો. સ્ટાર્કે ૯ ઓવરમાં ૭૦ રન આપીને એક વિકેટ ઝડપી હતી. જોકે, સ્ટીવ સ્મિથે એક ઓવર નાખી હતી જેમાં પણ તેણે ૨૧ રન લૂંટાવી દીધા હતાં ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી સફળ બોલર કુમિન્સ રહ્યો હતો. જેણે સાત ઓવરમાં માત્ર ૩૪ રન જ આપ્યાં હતાં અને એક વિકેટ પણ ઝડપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.