Abtak Media Google News

પૂર્વ રાષ્ટ્રપતિ અને ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વમંત્રીઓ, ધારાસભ્યો તેમજ કોરોનામાં અવસાન પામેલ કોરોના વોરિયર્સ અને નાગરિકોને વિધાનસભા ગૃહમાં પ્રથમ દિવસે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી સહિત મંત્રીઓ અને ધારાસભ્યઓએ ભાવપૂર્વક શોકાંજલી અર્પી હતી.

વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહમાં મુખ્યમંત્રીએ પૂર્વ રાષ્ટ્રપતિ-ભારતરત્ન સ્વ. પ્રણવ મુખર્જી, ગુજરાતના પૂર્વ મંત્રી સ્વ. લીલાધરભાઇ વાઘેલા, પૂર્વ રાજ્ય મંત્રી સ્વ. ગીગાભાઇ ગોહિલ, પૂર્વ નાયબ મંત્રી સ્વ. જેશાભાઇ ગોરિયા, પૂર્વ સંસદીય સચિવ સ્વ. કૂરજીભાઇ ભેંસાણિયા, પૂર્વ સભ્ય સ્વ. નટુભાઇ ડાભી, સ્વ. વસંતભાઇ પટેલ, અને સ્વ. મણીલાલ ગાંધીને અવસાન અંગે શ્રદ્ધાંજલિ આપીને તેમને કરેલા સામાજિક સેવાના કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગૃહમાં કહ્યું હતું કે, વર્ષ ૧૯૮૧થી ૬ વર્ષ રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનાર પૂર્વ રાષ્ટ્રપતિ સ્વર્ગસ્થ પ્રણવ મુખર્જીનું રાજકીય-સામાજિક સેવા ક્ષેત્રમાં ખૂબ મહત્વનું યોગદાન રહ્યું હતું. રાષ્ટ્રપતિ માટે મહામહિમ શબ્દની પ્રથાને સમાપ્ત કરવાનો તેઓએ ઐતિહાસિક નિર્ણય કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભુતકાળમાં કદી ના જોયેલી આ એક એવી ઐતિહાસિક લડાઇ છે કે જેમાં દુશ્મનને નરી આંખે જોઇ શકાતો નથી કે તેનો સંપૂર્ણ ખાત્મો બોલાવી શકાતો નથી. આ લડતમાં તબીબો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, સુરક્ષાદળ, પોલીસના જવાનો, સફાઇ કર્મચારીઓ, આંગણવાડીની બહેનો, રાત-દિવસ કવરેજ કરતાં મીડિયાકર્મીઓ, જાહેર પૂરવઠા વિતરણ સાથે સંકળાયેલ કર્મયોગીઓ અને સેવાભાવી સંસ્થાઓ આ સૌ કોરોના વોરિયર્સની ભૂમિકા મહત્વની બની રહી છે.

મુખ્યમંત્રીએ ઊંડા દુ:ખની લાગણી વ્યકત કરતાં જણાવ્યું હતું કે, આ વૈશ્વિક મહામારીના કારણે રાજ્યમાં તબીબોના અથાગ પ્રયત્નો છતાં કેટલાક કોરોના વોરિયર્સે તથા અનેક પ્રજાજનોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અવસાન પામેલા કોરોના વોરિયર્સ અને પ્રજાજનો પ્રત્યે મુખ્યમંત્રીએ સંવેદનાસભર શ્રધ્ધાંજલી અર્પી હતી. આ તમામ દિવંગતોના સ્વજનોના શોકસંતપ્ત કુટુંબીજનો ઉપર જે અસહ્ય આપત્તિ આવી પડી છે તેમના દુ:ખ અને સંવેદનમાં આપણે સૌ સહભાગી બનીએ તેમ તેમણે વિધાનસભામાં ગૃહમાં શોકાંજલિ આપતાં ઉમેર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.