Abtak Media Google News

રસી ભારતને જીત અપાવશે: વડાપ્રધાન મોદીનો લલકાર

રાજ્યની ૧૬૧ લોન્ચિંગ સેશન સાઇટ ખાતેથી ફ્રન્ટલાઇન હેલ્થ વર્કરોને રસી આપવાનું શરૂ, પ્રથમ દિવસે ૧૬ હજાર લાભાર્થીઓનું વેકસીનેશન

સૌથી મોટું અભિયાન જે ખૂબ લાંબુ ચાલશે, લોકો અફવાઓથી દૂર રહે: પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર નરેન્દ્ર મોદીએ દેશભરમાં વેક્સીનેશનનો શુભારંભ કરાવ્યો છે. આજથી રાજ્યની ૧૬૧ લોન્ચિંગ સેશન સાઇટ ખાતેથી ફ્રન્ટ લાઇન હેલ્થ વર્કરોને રસી આપવાની કામગીરીનો પ્રારંભ થઇ ગયો છે.  તમામ જિલ્લાઓના જુદા જુદા ૧૬૧ સેન્ટરો પર સાંસદ, ધારાસભ્યો, જુદા જુદા બોર્ડના ચેરમેન સહિતના નેતાઓએ અભિયાન શરૂ કરાવ્યું હતું.

અમદાવાદ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીના સંબોધન બાદ સીએમ અને ડેપ્યુટી સીએમએ સિવિલ હોસ્પિટલ ખાતેથી વેક્સીનેશનનો શુભારંભ કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ઓનલાઇન સંબોધનમાં જણાવ્યું હતું કે આજના દિવસની ઘણા સમયથી રાહ જોવાઈ રહી હતી. કોરોનાની વેક્સિન આવી ગઈ છે. કોરોનાની વેક્સિન વિકસીત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. તેમણે કહ્યું કે, આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે, માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે.

8

મેઇડ ઇન ઇન્ડિયા કોરોના વેકસીન વિશ્વાસનિય છે. આ વેકસીન બીજા કરતા સસ્તી પણ છે. અન્ય દેશની વેકસીન -૭૦ ડીગ્રી ફ્રિજમાં રાખવી પડે છે. અને તે ટ્રાન્સપોર્ટમાં પણ કઠિન છે. જ્યારે મેઇડ ઇન ઇન્ડિયા રસી તેના પ્રમાણમાં ઘણી સરળ છે. સમગ્ર દેશ આજના દિવસની રાહ જોઈ રહ્યો હતો.અંતે આજે એ દિવસ આવી ગયો છે. રસીના બે ડોઝ ખૂબ જરૂરી છે.તમામ લોકોએ આ ડોઝ લેવા જ જોઈએ. વધુમાં તેઓએ એવું પણ કહ્યું કે વેકસીનેશન બાદ પણ લોકોએ તકેદારી રાખવી ખૂબ જરૂરી જ છે. તેઓએ કહ્યું કે પ્રથમ ચરણમાં દેશમાં ૩ કરોડ લોકોનું રસીકરણ કરાશે. બાદમાં બીજા તબક્કામાં ૩૦ કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવશે.

તેઓએ ઉમેર્યું જે વૈજ્ઞાનિક અને નિષ્ણાંતની અનુમતિ બાદ જ વેકસીનેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે. એટલે લોકો અફવાઓથી દુર રહે. બાદમાં તેઓએ જુસ્સાભેર જણાવ્યું કે રસી ભારતને જીત અપાવશે. તેઓએ અંતમાં કહ્યું કે આ રસીકરણ અભિયાન ખૂબ મોટું છે. જે ખૂબ લાંબુ ચાલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.