Abtak Media Google News

Table of Contents

સૌરાષ્ટ્રભરમાં હાહાકાર મચાવતી ‘ગેડીયા ગેંગ’ના ૨૦ સામે ગુજસીટોકનો ગુનો નોંધાયો

આંતર જિલ્લા ખુંખાર ‘ગેડીયા ગેંગ’ સામે ખૂન, ફાયરિંગ, લૂંટ અને ખંડણીના અનેક ગુના

રાજયના સાત જિલ્લાની પોલીસ માટે માથાનો દુ:ખાવો બનેલી ગેંગના છ સાગરીતો ઝડપાયા: બે સુત્રધારનો અમદાવાદ સાબરમતી જેલમાંથી કબ્જો લેવાશે

સુરેન્દ્રનગર ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહ અને જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ માહિતી આપી

ગુનેગારો સામે પોલીસ દ્વારા કાયદાકીય અસરકારક કામગીરી થઇ શકે તે માટે સરકાર દ્વારા તૈયાર કરાયેલા ગુજસીટોક કાયદાનો પોલીસ દ્વારા અમલ કરવાનું શરૂ કરાતા રીઢા અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરી ગેંગમાં ફફડાટ મચી ગયો છે. રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહના માર્ગ દર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ૧૨૦ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલી ‘ગેડીયા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી છ શખ્સોને રૂા.૧ કરોડના મુદામાલ સાથે ધરપકડ કરી બે સુત્રધાર હાલ અમદાવાદ સાબરમતી જેલમાં હોવાથી તેનો કબ્જો મેળવવા તજવીજ હાથધરી છે. આ ગેંગના અન્ય બાર સાગરીતોની પોલીસે શોધખોળ હાથધરી છે.

રાજયના સુરેન્દ્રનગર, અમદાવાદ ગ્રામ્ય, રાજકોટ ગ્રામ્ય, મોરબી, બોટાદ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને જોડતા માર્ગ પર ચાલુ ટ્રકની તાલપત્રી તોડી કિંમતી માલ-સામાનની ચોરી કરતી ‘ગેડીયા ગેંગ’ સામે ખૂન, ખૂનની કોશિષ, પોલીસ પર ફાયરિંગ કરવા, લૂંટ ચલાવવી અને ખંડણી પડાવવા સહિત ૧૨૦ જેટલા ગુના નોંધાયા હોવાથી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ‘ગેડીયા ગેંગ’ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા માટે રાજકોટ રેન્જ આઇજીપી સંદિપસિંહએ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાને આપેલી સુચનાના પગલે ધ્રાંગધ્રાં ડીવાય.એસ.પી. આર.બી.દેવધાની આગેવાનીમાં ‘ગેડીયા ગેંગ’ના ૨૦ શખ્સો સામે અત્યાર સુધીમાં જુદા જુદા પોલીસ મથકમાં નોંધાયેલા ૧૨૦ જેટલા ગુનાની માહિતી એકઠી કરી ગુજસીટોક હેઠળ ગુનો નોંધી છ શખ્સોની ધરપકડ કરી તેની પાસેથી રૂા.૧ કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે.

પાટડી તાલુકાના ગેડીયા ગામના ફિરોજખાન અલીખાન જતમલેક, મહંમદખાન હુસેનખાન જતમલેક, લખતર તાલુકાના ઇગરોડી ગામના કાળુભા બળવંતસિંહ ઝાલા, અમજીતખાન રસુલખાન જતમલેક, સિરાજખાન રહીમખાન મલેક અને મહેસાણા જિલ્લાના રણછોડપુરા ગામના શબ્બીરહુસેન મીયાસાબ સૈયદ અને વસીમખાન સહિત ૨૦ જેટલા શખ્સોએ ગેંગ બનાવી પોતાની આજીવીકા માટે ચોરી, લૂંટ અને ખંડણી પડાવવા માટે સાત જિલ્લામાં અંતક મચાવી દીધો હતો એટલું જ નહી સુરેન્દ્રનગર એલસીબી સ્ટાફ પાટડી નજીક ગેંડીયા ગેંગને પકડવા ગયા ત્યારે તેના પર ફાયરિંગ કરી હત્યાની કોશિષ કરી હોવાથી પોલીસ માટે ગેંડીયા ગેંગ માથાનો દુ:ખાવો બની હતી.

ગેંડીયા ગેંગ સાથે સંકળાયેલા છ શખ્સોને સુરેન્દ્રનગર એલસીબી પી.આઇ. ડી.એમ.ઢોલ, પી.એસ.આઇ. વી.આર.જાડેજા, એએસઆઇ નરેન્દ્રસિંહ, વાજસુરભાઇ, નારણભાઇ અને રૂતુરાજસિંહ સહિતના સ્ટાફે ધરપકડ કરી તેની પાસેથી રૂા.૧ કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. આ ગેંગના મુખ્ય સુત્રધાર વસીમખાન અને ફિરોજખાન હાલ અમદાવાદ સાબરમતી જેલમાં હોવાથી તેનો ગુજસીટોકના ગુનામાં ટ્રાન્સફર વોરન્ટથી કબ્જો મેળવવા તજવીજ હાથધરી છે. જ્યારે અન્ય ૧૨ શખ્સોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા છે. ગુજસીટોકના ગુનામાં સંડોવાયેલા શખ્સોને આશરો, મદદગારી, સગવડ અને ચોરીનો મુદામાલ ખરીદનાર સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં રાજકોટ રેન્જ સંદિપસિંહ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડીયાએ માહિતી આપી હતી.

માલવણ પાસેથી પસાર થતા ટ્રકની પાછળ લોહચુંબક સાથે મોટા બોનેટવાળી જીપ જોઇન્ટ કરી જીપમાંથી કુદીને આગળ જતા ટ્રકમાં સરળતાથી પહોચી જતા ગેડીયાગેંગના સાગરિતો કિંમતી માલસામાન ચોરી કરવામાં એકસપ્ટ માનવામાં આવે છે એટલું જ નહી ચોરી કરતા અટકાવે ત્યારે તેના પર હુમલો કરવા માટે ગેડીયા ગેંગ સક્ષમ હોવાથી એમ કહેવામાં આવે છે કે, ‘ગેડીયો ખાવો સારો પણ ગેડીયા પહોચેલો ચોરીનો મુદામાલ પરત લેવા જવું નહી’

રાજકોટ રેન્જ આઇજી સંદિપસિંહે જામનગર બાદ સુરેન્દ્રનગરના ગુનેગારો પર ધોસ બોલાવી

રાજકોટ રેન્જ આજી સંદિપસિંહે ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરતી ગેંગ સામે ધોસ બોલાવવાનું શરૂ કર્યુ હોય તેમ દેવભૂમિ દ્વારકાના ભોપામઢી ખાતે રૂા.૨૦ કરોડની ખનિજ ચોરી પકડી પાડયા બાદ જામનગર જિલ્લામાં હત્યા અને ખંડણી પડાવવાના ૪૩ જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા ગેંગસ્ટર જયેશ પટેલની ગેંગના ૧૪ શખ્સો સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી ૯ શખ્સોની ધરપકડ કરી જયેશ પટેલ પર ભીસ વધાર્યા બાદ સુરેન્દ્રનગરને એપી સેન્ટર બનાવી સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં ચોરી, લૂંટ, હત્યા, હત્યાની કોશિષ અને પોલીસ પર ખૂની હુમલા સહિત ૧૨૦ ગુનામાં સંડોવાયેલા ગેંડીયા ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધતા ગુનેગારોમાં ફફડાટ મચી ગયો છે.

ઝાલાવાડના ઝીંઝુવાડા પણ ગેડીયાની જેમ પોલીસ માટે માથાનો દુ:ખાવો

ગેડીયાની જેમ સુરેન્દ્રનગરના ઝીંજુવાડા પણ એટલું જ કુખ્યાત બન્યું છે. આ વિસ્તારમાંથી સલાયા-મથુરા ઓઇલની પાઇપ લાઇન પસાર થતી હોવાથી ત્યાંના દરબારો પાઇપ લાઇનમાં પંચર કરી પેટ્રોલ-ડિઝલની ચોરી કરી રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવામાં પોલીસનો પનો ટુકો પડતો હોવાતી ઝીંજુવાડામાં હજી સુધી મોબાઇલ કંપનીઓ ટાવર ઉભા કરી શકી નથી સુરેન્દ્રનગરના ગેડીયા અને ઝીંજુવાડા ગામની હદ શરૂ થયા એટલે કાયદાની હદ પુરી અને માથાભારે-કુખ્યાત ગેંગની હદ શરૂ ગણાવામાં આવે છે.

માલવણ પાસે ગેડીયા ગેંગનું એપી સેન્ટર

ઝાલાવડ પંથકમાંથી ઉંઝા જવા માટે માલવણ જ મુખ્ય માર્ગ હોવાથી જત મલેક દ્વારા છેલ્લા ૫૦ વર્ષથી જીરૂ જેવા કિંમતી પાકની ચોરી અને લૂંટ ચલાવી ખેડુતો અને વેપારીને નિશાન બનાવતી ગેડીયા ગેંગનું એપી સેન્ટર માલવણ રહ્યું છે. માલવણથી ઉંઝા, અમદાવાદ, કચ્છ સહિતના મુખ્ય માર્ગ પસાર થતા હોવાથી ગેડીયા ગેંગ દ્વારા પોતાનો વિસ્તાર વધારી અને જીરૂ ઉપરાંતની કિંમતી ચીજવસ્તુનું તસ્કરી શરૂ કરી છે. કંડલા બંદરથી આયાત અને નિકાશ થતા કિંમતી ચીજવસ્તુ ચાલુ ટ્રકે ચોરી માલવણ વિસ્તારમાં જ થાય છે. માલવણ વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ હોવા છતાં દિલધડક રીતે ચોરી અને લૂંટ ચલાવતા જતમલેક ગેંગને જનતનસીન કરવા પોલીસે કમ્મર કસી છે.

ગેડીયા ગેંગ કઇ રીતે લૂંટ અને ચોરીને અંજામ આપે ?

ટ્રક અને જીપને લોહચુંબકની મદદથી જોઇન્ટ કરી હિન્દી ફિલ્મના સ્ટંટની જેમ જોખમ ઉઠાવી કિંમતી માલ સામાનની ગેડીયા ગેંગ તફડાવી લેતા ઝાલાવડ પંથકના કુખ્યાત જત વિસ્તારના ગેડીયા ગામની ખૂખાર ગેંગ દ્વારા હિન્દી ફિલ્મના સ્ટંટની જેમ ચાલુ વાહને જીવના જોખમે ચોરી કરતી ગેડીયા ગેંગની ગુનાની પધ્ધતી સાંભળીને પણ નવાઇ પમાડે તેવી છે. આગળ જતા ટ્રક જેવા ભારે વાહનની પાછળ જીપમાં લોહચુંબક લગાવી જીપને ટ્રક સાથે જોઇન્ટ કર્યા બાદ જીપના બોનેટ પરથી એક તસ્કર ટ્રકમાં પહોચી જતો હોય છે ત્યાર બાદ બીજો તસ્કર જીપના બોનેટ ઉપર ઉભો રહી ચાલુ ટ્રકમાંથી કિંમતી માલ સામાન હેન્ડ ટુ હેન્ડ અંબાવી જીપમાં ચોરી કરતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.