રર દિવસીય બાળક માતાને સોંપતા સર્જાયા ભાવવાહી દ્રશ્યો

જુનાગઢ પોલીસની પ્રશંસનીય કામગીરી….

બાળકને લઇ સાસરીયાઓ અમદાવાદ ભણી રવાના થયા અને અધવચ્ચે પોલીસે ઝડપી લીધા

જુનાગઢમાં પિયરીએ પ્રસૂતિ કરવા આવેલ અમદાવાદની મહિલાના માત્ર ૨૨ દિવસના બાળકને તેના સાસુ, નણંદ અને પતિ લઈને અમદાવાદ જવા નીકળી ગયા બાદ દુ:ખી થઈ ગયેલ મહિલાએ જૂનાગઢ પોલીસને જાણ કરતા, જૂનાગઢ પોલીસે સાયલા પોલીસનો સંપર્ક કરી, મહિલાના અમદાવાદના પતિ તથા બે મહિલાઓને પકડી પાડી, બાળકનો કબજો લઇને, મહિલાને  સોંપતા પોલીસ સ્ટેશનમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા.

જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં સક્કરબાગ પાસે, રામદેવપરા ખાતે રહેતી મહિલા મહેકબેન સેજાદ મહેબૂબ પઠાણની અમદાવાદ ખાતે શાદી થયેલ હતી અને તેણી  ડિલિવરી કરવા માટે જૂનાગઢ પોતાના પિયરમાં આવેલ હતી. ત્યારે ૨૨ દિવસ પહેલાં આ મહિલા એ બાળક અબરારનો જન્મ આપેલો હતો. પરંતુ આ મહિલાને પોતાના સાસરિયા સાથે મનદુ:ખ ચાલતુ હતું  તેનો પતિ સેજાદખાન પઠાણ, સાસુ મુનીબેન અને નણંદ  ફિરોઝાબેન અમદાવાદથી જૂનાગઢ ખાતે આવેલા હતા, અને પોતાના ૨૨ દિવસની ઉંમરના બાળક અબરારને બળજબરીથી જૂનાગઢ ખાતેથી અમદાવાદ લઇ જવા નીકળી ગયા હતા.

આ અંગેની  મહેકબેન દ્વારા જૂનાગઢ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ કરવામાં આવતા, આ બાબતને ગંભીરતાથી લઈને  ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ  શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, એસઓજી શાખાના પીઆઇ એચ.આઈ. ભાટી, ટેક્નિકલ સેલના પીએસઆઇ જલું તથા ટીમ દ્વારા મુસ્લિમ મહિલાની રજુઆત આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવતા, મહિલાનો પતિ, સાસુ, નણંદ, બાળક અબરારને અમદાવાદ ખાતે એસટી અથવા ટ્રાવેલ્સમાં લઈને જ ગયા હોવાના અનુમાન આધારે ટેક્નિકલ સોર્સથી માહિતી મેળવતા, તેઓ ચોટીલા અને સાયલાની વચ્ચે ડોળિયા બાઉન્ડરી નજીક પહોંચી ગયા હતા.

આ બાબતની જુનાગઢ પોલીસ દ્વારા સાયલા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ આર.બી.ગોહિલને જાણ કરી, જૂનાગઢથી આવતી એસટી બસ ચેક કરવા જણાવતા, સાયલા પોલીસની ટીમ દ્વારા જૂનાગઢ રૂટની  એસટી બસ ચેક કરતા, તેમાં બાળક, તેના પિતા, ફૈબા અને દાદીને રોકી લેવામાં આવ્યા હતા. બીજી બાજુ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હે.કો. દેવાભાઇ તથા મહિલા પો.કો. તેજલબેન સહિતની જૂનાગઢ પોલીસ ટીમ તાત્કાલિક સાયલા પહોંચી ગઈ હતી, અને બાળક અબરારનો કબ્જો મેળવી, જૂનાગઢ પરત આવી, બાળક અબરારનો કબ્જો તેની માતાને સોંપતા, માત્ર ૨૨ દિવસના માસૂમ બાળક અબરાર પરત મળતા, તેની માતા બાળક અબરારને ભેટી, ભાવ વિભોર થઇ ખુશીના ચોધાર આંસુ એ રડી પડી હતી. અને મહિલાના કુટુંબીજનો દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો. તથા જૂનાગઢ પોલીસ દ્વારા મહિલાના પતિ સેજાદખાન પઠાણ, સાસુ મુનીબેન અને નણંદ  ફિરોઝાબેન વિરુદ્ધ ક્રિમિનિલ પ્રોસીઝર એકટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.

Loading...