Abtak Media Google News

આશરે ૧૩૦ કરોડની વસ્તીમાંથી ૯૦ કરોડ મતદારો, જેમાંથી પ્રથમ વાર મતદાન કરનારા ૧૮ થી ૧૯ વર્ષની વયનાં આશરે ૧.૫ કરોડ મતદારો, આશરે ૧૦ લાખથી વધારે પોલિંગ સ્ટેશન, ૨૩ લાખથી વધારે પોલિંગ યુનિટ, ૧૬ લાખ કંટ્રોલ યુનિટ અને જીપીએસ ટ્રેકિંગથી સજ્જ ૧૭ લાખ વીવીપેટ મશીન. સાલ ૨૦૧૯ ની ભારતની લોકસભાની ચૂંટણીઓ વિશ્વની સૌથી ખર્ચાળ ચૂંટણીઓ સાબિત થશૈ.

સત્તાવાર રીતે આ તમામ ખર્ચ ભારત સરકાર ભોગવશે પણ અંતે તો આમ જનતાના ખિસ્સામાંથી જ જવાનો હોય છે. સાલ ૨૦૧૪ની ચૂંટણીઓમાં ભારત સરકારનો સત્તાવાર ખર્ચ ૩૮૭૦ કરોડ રૂપિયા થયો હતો જે આ વખતે ૪૦ ટકા જેટલો વધશે. આ આંકડો સરકારી ખર્ચનો છે. આ ઉપરાંત મતદારોને ખુશ કરવા માટે વિવિધ રાજકિય પક્ષો જે લ્હાણી કરશે તે અલગ.

આમ તો ચાર રાજ્યોની વિધાનસભા હાર્યા બાદ મોદીજીની સરકારે મતદારોને ખુશ કરવા માટે એક લાખ કરોડની યોજનાઓનો માસ્ટર પ્લાન બનાવ્યો જ હતો. આ ઉપરાંત ગ્રામિણ તથા પછાત વિસ્તારોમાં સાડી થી માંડીને સિલાઇ મશીન અને ૧૦ રૂપિયાની નોટ થી માંડીને દારૂની બોટલ સુધીની યોજનાઓ નો કુલ મળીને ૫૦૦૦૦ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ થવાનો છે. દેશમાં પોલિંગ સ્ટેશનોમાં જ પાંચ વર્ષમાં ૧૦ ટકા જેટલો વધારો થવાનું અનુમાન ચૂંટણી પંચે મુક્યુ છે.

ચૂંટણી પંચે અર્થાત સરકારે ભોગવવાના ખર્ચમાં પોલિંગ સ્ટેશનો, પોલિંગ બુથો અને મતગણતરી મથકોની સ્થાપના થી માંડીને પોલિંગ સ્ટાફ તથા મતગણતરી સ્ટાફનાં ટ્રાવેલિંગ તથા ડિયરનેસ એલાઉન્સ, વોટિંગ મશીનથી માંડીને ચૂંટણીને લગતી તમામ સામગ્રી મતદાન મથકો અને ત્યાંથી મત ગણતરી મથકો સુધી પહોંચાડવાનો ટ્રાન્સ્પોર્ટેશન ખર્ચ, મથકોએ કામચલાઉ ટેલિફોન તથા વીજળીની વ્યવસ્થા, મતદાન શાહી થી માંડીને પેપર જેવી વિશેષ વસ્તુઓની ખરીદી તથા સૌના કાયદેસર તથા ટેબલ નીચેના ચા-પાણી ના ખર્ચ..! સરકારી અંદાજ પ્રમાણે ૧૨૦ ટ્રેનનાં કુલ ૩૦૦૦ ડબ્બા ઉપરાંત ૨૦૦૦૦૦ બસો અને સંખ્યાબંધ મોટરોના કાફલા સાથે સામગ્રી પહોંચાડવાની વ્યવસ્થા કરાવાની છે.

ચૂંટણીના ખર્ચનું પણ વિશેષ ગણિત હોય છે. જો સામાન્ય લોકસભાની ચૂંટણી હોય તો તેનો ખર્ચ ભારત સરકારને ભોગવવાનો રહે છે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે જે તે રાજ્યની સરકાર ખર્ચ ભોગવે છે. એમાં યે જે રાજ્યોમાં લોકસભા તથા વિધાનસભાની ચૂંટણીઓ સાથે હોય ત્યાં ખર્ચને રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર વચ્ચે વહેંચી લેવામાં આવે છે.

સરકારી ચોપડા બોલે છે કે સાલ ૧૯૫૨ની પ્રથમ લોકસભાની ચૂંટણી વખતે સરકાર કુલ ૧૭.૩૨ કરોડ મતદારો હતા અને સરકારને એક મતદાર દિઠ ૬૦ પૈસાનો ખર્ચ આવ્યો હતો.બેશક એ સમયે ૬૦ પૈસાની કિંમત પણ ઘણી વધારે હતી. આમછતાં ૧૯૫૨ થી ૨૦૦૯ સુધીમાં ચૂંટણી ખર્ચમાં ૨૦ ગણો વધારો થયો છે.

સાલ ૨૦૧૪ની ચૂંટણીમાં મતદાર દિઠ ૪૬.૪૦ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ વખતે ખર્ચ આના કરતાં પણ વધી શકે છે.  સાલ ૨૦૧૬માં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ચૂટણી માટે કુલ ૬.૫ અબજ ડોલરનો ખર્ચ થયો હતો જ્યારે ભારતની આ ચૂંટણીઓ માં આંકડો સાત અબજ ડોલરે પહોંચશે. અને એક મતદાર દિઠ ખર્ચ ૪૦ ટકા જેટલો વધવાની ધારણા છે.

જે દેશમાં માથાદિઠ આવક ૩ ડોલર હોય તે દેશમાં ચૂંટણી ખર્ચ માથાદિઠ આઠ ડોલર થાય તે ચૂંટણી સરવાળે ખર્ચાળ સાબિત થાય તે સ્વાભાવિક છે. પણ વિશ્વની સૌથી મોટી ડેમોક્રસીમાં, લોકશાહી ઢબે ચૂંટણીઓ પાર પાડવામાં પારદર્શિતા હોવી જરૂરી છે.

આ વખતે સોશ્યિલ મિડીયાના ચૂંટણી પ્રચાર માટે રાજકિય પક્ષો ૫૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે એવી ધારણા મુકાઇ છે. જે ગત ચૂંટણીમાં માંડ ૨૫૦ કરોડ રૂપિયા હતો. ભારતની ચૂંટણીઓમાં નીચલા મધ્યમવર્ગીય મતદારોને આકર્ષવા માટે નેતાઓને કાંઇક નવું પીરસવાની ટેકનિક અપનાવાની જરૂર હોય છૈ, આ વખતે આની પાછળ પણ મોટો ખર્ચ થવાની ધારણા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.