ચૂંટણીની ભાગદોડ પૂર્ણ: નેતાઓ રિલેક્સ મૂડમાં, મતદાન પછીની રાજકોટના નેતાઓની જુઓ, આ  તસ્વીરો

ક્ષ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી અને ઉદયભાઈ કાનગડ સવારથી શહેર ભાજપ કાર્યાલયે: નીતિનભાઈ ભારદ્વાજ પણ રૂટીન કામગીરીમાં પરોવાયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારમાં વ્યસ્ત

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીનું મતદાન ગઈકાલે પૂર્ણ થતાંની સાથે જ આજે નેતાઓ ચૂંટણીલક્ષી ભાગદોડમાંથી મુક્ત બન્યા છે અને પોતાની રૂટીન કામગીરીમાં લાગી ગયા છે. છેલ્લા કેટલાંક દિવસથી રૂટીન કામગીરીમાં જે અવરોધ ઉભો થયો હતો તેને થાળે પાડવા માટે આજે સવારથી નેતાઓએ કામગીરી હાથ પર લીધી હતી.

આવતીકાલે પરિણામના દિવસે ફરી એક દિવસ માટે નેતાઓને થોડી દોડધામ રહેશે. જો કે આવતા રવિવારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી યોજાવાની હોય તેના પ્રચારની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા પણ દેખાઈ રહી છે.

પુષ્કર પટેલ બાંધકામ સાઈટે પહોંચી ગયા: શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર પોતાની ઓફિસ કામમાં વ્યસ્ત, ગાયત્રીબા વાઘેલાએ પરિવારજનો માટે રસોઈ બનાવી તો આપના પ્રમુખ રાજભા ઝાલાએ દિવસો બાદ બાળકો સાથે સમય પસાર કર્યો

છેલ્લા એક મહિનાથી ચાલતી ચૂંટણીની ભાગદોડમાંથી મુક્ત થતાંની સાથે જ આજે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી,  મ્યુનિ. ફાયનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખ ભંડેરી અને ઉદયભાઈ કાનગડ સવારથી શહેર ભાજપ કાર્યાલયે પહોંચી ગયા હતા અને ચૂંટણીના જે હિસાબ કિતાબ બાકી હતા તે પતાવ્યા હતા. દરમિયાન આવતીકાલે મત ગણતરીના દિવસે શું તૈયારી બાકી છે તેના અંગે પણ ચર્ચા વિચારણા કરી હતી.

પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે પોતાના નિવાસ સ્થાને ધર્મપત્ની વંદનાબેન ભારદ્વાજ સાથે મળીને જૂના કાગડીયાઓ વાંચી જાણી જોઈને તેનો નિકાલ કરવા સહિતની કામગીરી કરી હતી.

રાજકોટ પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણીને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટેની જવાબદારી સોંપવામાં આવી હોય તેઓ સવારથી જ ચૂંટણી પ્રચારની કામગીરી લાગી ગયા હતા. તો પૂર્વ ધારાસભ્ય અને વોર્ડ નં.૧ના ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયાએ પોતાને સોંપવામાં આવેલી અન્ય જવાબદારીને પણ સંભાળી લીધી છે. સ્ટે.કમીટીના પૂર્વ ચેરમેન પુષ્કરભાઈ પટેલ ગઈકાલથી જ જાણે રીલેક્ષ મુડમાં હોય તેવું લાગતું હતું.

ગઈકાલે તેઓ સનસીટીમાં સામૂહિક મતદાન દરમિયાન ત્યાં ગયા હતા અને પાર્કિંગમાં ક્રિકેટ પણ રમયા હતા. આજે વહેલી સવારે તેઓ પોતાની બાંધકામ સાઈટ પર નિરીક્ષણ માટે પહોંચી ગયા હતા. તો પ્રદેશ કોંગ્રેસ મહિલા સમીતીના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ આજે સવારે પતિદેવ અશોકસિંહ વાઘેલા અને બાળકો માટે નાસ્તો, ત્યારબાદ બપોરની રસોઈ બનાવી હતી અને પરિવાર સાથે લાંબો સમય પસાર કર્યો હતો.

આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ રાજભા ઝાલાએ પણ ચૂંટણીની ભાગદોડમાંથી ફ્રી થયા બાદ પોતાની પુત્રી અને પુત્ર સાથે ક્વોલીટી ટાઈમ પસાર કર્યો હતો.  કાલે ચૂંટણીનું પરિણામ ગમે તે આવે પરંતુ ચૂંટણીની ભાગદોડ પૂર્ણ થતાં જ આજે નેતાઓ રીલેક્સ મોડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે.

Loading...