Abtak Media Google News

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી પેટા ચૂંટણીનો નિર્ણય ૨૯મીએ લેવાશે

બિહાર વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ ફૂંકાઈ ગયા છે. આજે કેન્દ્રીય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં બિહાર વિધાનસભાની ચૂંટણીઓની તારીખો જાહેર કરાઈ હતી. તો બીજી તરફ આ બિહાર વિધાનસભાની ચૂંટણી સાથે જ ગુજરાત વિધાનસભાની ૮ ખાલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે. જેના વિશે કેન્દ્રિય ચૂંટણીપંચે કોઈ જાહેરાત કરી ન હતી. આ અંગે આગામી ૨૯મી સપ્ટેમ્બરે યોજાનારી બેઠકમાં નિર્ણય લેવાશે. બિહાર વિધાનસભાની ચૂંટણી કુલ ત્રણ તબક્કામાં યોજાશે. જેના પ્રથમ તબક્કામાં ૨૮ ઓકટોમ્બરે ૭૧ બેઠકો પર મતદાન થશે. જેમાં ૧૬ જિલ્લામાં ૩૧ હજાર પોલીંગ બુથ હશે જ્યારે બીજા તબક્કામાં ૩ નવેમ્બરે ૯૪ બેઠકો પર મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ૧૭ જિલ્લામાં ૪૨ હજાર પોલીંગ યુથ હશે તો ત્રીજા તબક્કામાં ૭ નવેમ્બરે ૭૮ બેઠકો પર મતદાન થશે જેમાં ૧૫ જિલ્લામાં ૩૩,૫૦૦ પોલીસ બુથ હશે. આ ચૂંટણી પરિણામો આગામી ૧૦મી નવેમ્બરે જાહેર થશે.

મુખ્યમંત્રી ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, કોરોના સંકટના કારણે દુનિયાના ૭૦ દેશોમાં ચૂંટણી ટાળી દેવાઈ છે. તેમ છતાં ભારતમાં બિહાર અને ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ અંગે સતત મંથન કરવામાં આવ્યું. કોરોનાની મહામારી વચ્ચે ભારતમાં આ સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા યોજાવા જઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, બિહારમાં કુલ ૨૪૩ બેઠકો પર ચૂંટણી યોજાશે. જેમાં સાત કરોડથી વધુ મતદાતાઓ મતદાન કરશે. આ વખતેથી વર્ષ ૨૦૨૦ની ચૂંટણીમાં એક બૂથ પર માત્ર એક હજાર મતદાતા જ હશે. કોરોના વાયરસની સામે સાવચેતીના ભાગરૂપે ચૂંટણીમાં ૬ લાખ પીપીઈ કીટ અને ૪૬ લાખ માસ્ક ચૂંટણી પંચને આપવામાં આવશે. સાત લાખ હેન્ડ સેનીટાઈઝર ફાળવવામાં આવશે. તેમજ ૬ લાખ ફેસ શિલ્ડ અપાશે. કોરોના મહામારીને કારણે આ વખતે મતદાનનો સમય પણ એક કલાક વધારી દેવામાં આવ્યો છે. નકસલ પ્રભાવિત વિસ્તારોને બાદ કરતાં સામાન્ય વિસ્તારોમાં સવારે ૭ થક્ષ સાંજે ૫ વાગ્યાની જગ્યાએ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાશે. જે લોકો કોરોનાગ્રસ્ત છે. અથવા કવોરન્ટાઈન છે તેઓ મતદાનના છેલ્લા કલાકોમાં વોટિંગ કરી શકશે. બિહાર મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે એનડીએ તરફથી નીતિશ કુમાર મેદાને ઉતર્યા છે તો આરજેડી તરફથી તેજસ્વી યાદવ મેદાને ઉતર્યા છે. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો તે અંગે પંચે કોઈ જાહેરાત કરી નથી. આ અંગે નિર્ણય માટે હવે આગામી ૨૯મી સપ્ટેમ્બરે બેઠક યોજાશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં મોટેપાયે તોડફોડ થતાં માર્ચ માસમાં પાંચ અને ત્યારબાદ ત્રણ એમ કુલ મળીને કોંગ્રેસના આઠ સભ્યોએ ચૂંટણી પહેલા રાજીનામા આપી દીધા હતા. જેના લીધે આ આઠ બેઠકો ખાલી પડી હતી. જેમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ અને અબડાસા બેઠકનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.