Abtak Media Google News

કોરોના વાયરસને ફેલાતો અટકાવવા કેન્દ્ર સરકારે અમદાવાદ સહિત રાજયનાં ૧૫ સ્થાનોને હોટસ્પોટ લિસ્ટમાં મૂકયા

વિશ્ર્વભરમાં હાહાકાર મચાવનારા કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ભારતમાં બે -ખૌફ લોકોની બેવકુફીના કારણે ધીમેધીમે વધી રહી છે. ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં છેલ્લા ચાર દિવસમાં ભારે વધારો જોવા મળી રહ્યો હોય છે. ગઈકાલે રાત્રી સુધીમાં રાજયમાં કોરોના પોઝીટીવ ધરાવતા દર્દીઓની સંખ્યા ૧૫૧ ને પાર કરી જવા પામી હતી. જેમા સૌથી વધારે કેસો અમદાવાદ શહેરમાં જોવા મળ્યા છે. મેટ્રોસીટી બનવા તરફ દોટમૂકી રહેલા અમદાવાદ હવે મુંબઈની જેમ ભીડભાડવાળુ શહેર બની ગયું હોય કોરોના વાયરસનો ચેપ ઝડપથી ફેલાય રહ્યો છે. જેની કોરોનાને ફેલાતો રોકવા અમદાવાદ મહાનગરપાલીકા તંત્ર દ્વારા જયાં કોરોના પોઝીટીવ કેસો વધુ નોંધાયા છે. તેવા આઠ વિસ્તારોને કલ્સસ્ટર તરીકે જાહેર કરીને આ કલ્સસ્ટર ઝોનમાં અનેક પ્રતિબંધો લાદી દેવામાં આવ્યા છે. ગુજરાતનાં સૌથી મોટુ શહેર અમદાવાદ સતત વિકાસના કારણે મેટ્રોસીટી સમાન બની જવા પામ્યું છે. જૂના અને નવા અમદાવાદ શહેરમાં સતત વધતી જતી વસ્તીના કારણે હાઈરાઈઝ બિલ્ડીંગો, મધ્યમવર્ગીય ચાલીઓ, ઝુંપડપટ્ટી વગેરે વિસ્તારોમાં સતત ભીડભાડ જોવા મળી રહી છે. મીની મુંબઈ બનવા જઈ રહેલા અમદાવાદમાં જે રીતે કોરોના પોઝીટીવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખીને અમદાવાદ મહાનગરપાલીકા તંત્રએ તકેદારીના ભાગરૂપે જયાંથી સૌથી વધારે કોરોના પોઝીટીવ કેસો આવ્યા છે. તેવા આઠ વિસ્તારોની ઓળખ કરીને તેને કલ્સસ્ટર જાહેર કરીને આ સમગ્ર કલ્સસ્ટર વિસ્તારને કવોરન્ટાઈન કરવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના જુના વિસ્તાર એવા જમાલપૂર, દરિયાપૂર, ખાડીયા, કાળુપૂર વગેરે ગીચ વિસ્તારોમાં તબલીધી જમાતીઓનાં સંપર્કમાં આવવાના કારરે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતભરમાં કોરોના વાયરસના કહેરવાળા ૧૫ હોટસ્પોટ નક્કી કરવામાં આવ્યા છે. અમદાવાદને તો પહેલાથી હોટસ્પોટમાં મૂકવામાં આવ્યું હતું, ત્યારબાદ સુરતમાં રાંદેર, બેગમપુરા, સચિન ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં ૧૪ હજારથી વધુ લોકો ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. અમદાવાદમાં કોરોના સંક્રમિત વિસ્તારો જેવા કે દાણીલીમડા, બાપુનગર, રખિયાલ, આંબાવાડી, જમાલપુર, દરિયાપુર, માતાવાળી પોળને ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.કાલુપુર ટાવર પાસે બલોચવાડ વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. આ વિસ્તારના લોકોની મેડિકલ તપાસ માટે ગઇ કાલે સાંજે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગની ટીમ ગઈ ત્યારે સ્થાનિક મહિલાઓએ ક્વોરન્ટીનનો વિરોધ કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતા દરિયાપુર પોલીસ, ઓસીમ, ડીસીપ આરએસએફનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.

છેલ્લા ૧ સપ્તાહમાં કોરોનાના જે કેસો સામે આવ્યા છે, તેમાંથી ૮૦ ટકા કેસ મનપાના ડોર ટુ ડોર સરવેમાં શોધી કાઢ્યા હતા. જે વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવ્યો હોય તેની આસપાસના વિસ્તારો, તેના સબંધીઓ, મિત્રોની મ્યુનિ. કોર્પોરેશનની ૭૫૦ ટીમો દ્વારા તપાસ કરાઈ રહી છે. ક્લસ્ટર ક્વોરન્ટાઇન, ગીચ વિસ્તારોમાં તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનને લઈ માર્ચ કરતા એપ્રિલમાં કોરોનાના કેસ વધ્યા હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં માર્ચ મહિનામાં ૧૩ દિવસમાં કુલ ૭૪ કેસ સામે આવ્યા હતા, જ્યારે એપ્રિલમાં માત્ર ૬ જ દિવસમાં ૭૨ પોઝિટિવ કેસો સામે આવતા હાહાકાર મચી ગયો છે. જેથી એવુ મનાય છે કે રાજયમાં કોરોના વાયરસ ત્રીજા સ્ટેજમાં પ્રવેશ કરી લીધો છે. જ્યારે મોટા શહેરોની વાત કરીએ તો તેમાં માર્ચના ૧૩ દિવસમાં ૨૩, અને એપ્રિલના ૬ દિવસમાં ૪૧ પોઝિટિવ કેસ સામે આવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ અને તાલુકામાં ૨૭ લોકોને કોરોનાથી સંક્રમિત થયા છે. ગુજરાતમાં સૌપ્રથમ ૨ કેસ ૧૯ માર્ચે નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.