Abtak Media Google News

રમતગમતની પ્રવૃત્તિથી જીવનમાં ખેલદીલી અને એકતા સાથે ટીમ ભાવનાનો વિકાસ થાય છે જે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી છે: કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવિયા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ સ્થિત માધવરાવ સિંધિયા કિક્રેટ ગ્રાઉન્ડ ખાતે આયોજીત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ડે એન્ડ નાઇટ કિક્રેટ ટુર્નામેન્ટ -૨૦૧૯નો રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસીંહ ચુડાસમાના હસ્તે  પ્રારંભ કરાયો હતો. ગુજરાતની તમામ ૮ કોર્પોરેશનો વચ્ચે રમાતી આ ટુર્નામેન્ટ તા. ૮મી જુન સુધી ચાલશે. જેમાં મેયર ઇલેવન અને કમિશ્નર ઇલેવન ટીમો ભાગ લેશે.

રમત ગમતથી જીવનમાં ઉતાર-ચઢાવ અંગે ખેલદીલી અને પારસ્પરિક એકતાનો ભાવ કેળવાય છે સાથે સાથે તન અને મનની તંદુરસ્તી સાથે સ્વાસથ્ય પણ સારૂ રહે છે તેમ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું.

શિપીંગ વિભાગના કેન્દ્રીય રાજયમંત્રી મનસુખભાઇ માંડવીયાએ આ તકે સદ્રષ્ટાંત જણાવ્યું હતું કે લોકશાહીમાં સકારાત્મક વિકાસ અને રાજયના વિકાસ અર્થે જરૂરી કૌશલ્યોના આવિર્ભાવ માટે રમતગમત જેવી પ્રવૃતી મહત્વપૂર્ણ છે. આ સાથે તેઓએ રાજકોટ  મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ટુર્નામેન્ટના આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે મુંખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પાઠવેલ દ્રશ્યશ્રાવ્ય સંદેશ પ્રસારીત કરાયો હતો. જેમાં મુખ્યમંત્રીએ આ આયોજનથી ગુજરાતની તમામ કોર્પોરેશનો વચ્ચે પારિવારીક ભાવના કેળવાશે તથા ટીમભાવના થકી વિકાસની ઝડપ વધશે તેવી શુભકામના પાઠવી હતી.

આ પ્રસંગે, ધારાસભ્યો અરવીંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, નિવાસી અધિક કલેકટર પરીમલ પંડયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી,  અગ્રણીઓ પુષ્પદાનભાઇ ગઢવી, નીતીનભાઇ ભારદ્વાજ, ભાનુબેન બાબરીયા, જુનાગઢ ,ભાવનગર, જામનગરના  મેયરો અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેનો તથા કોર્પોરેશનના વિવિધ કમીટીના ચેરમેનશ્રીઓ, કોર્પોરેટરો, ખેલાડીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહયા હતા.

આજે રાજકોટ અને ગાંધીનગર વચ્ચે ટકકર

રાજકોટની યજમાનીમાં રમાઈ રહેલી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં આજે રાજકોટ મેયર તથા કમિશનર ઈલેવન અને ગાંધીનગર મેયર તથા કમિશનર ઈલેવન વચ્ચે જંગ જામશે. ગઈકાલથી ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે જેમાં અમદાવાદ મેયર ઈલેવનનો ૮ વિકેટે શાનદાર વિજય થયો હતો. આજે ટુર્નામેન્ટનાં પ્રથમ મેચમાં બપોરે ૪ કલાકે રાજકોટ કમિશનર ઈલેવન સામે ગાંધીનગર કમિશનર ઈલેવન વચ્ચે ટકકર થશે. જયારે રાત્રે ૮ કલાકે રમાનારી અન્ય એક મેચમાં રાજકોટ મેયર ઈલેવન સામે ગાંધીનગર મેયર ઈલેવન મેદાનમાં ઉતરશે. આ મેચમાં રાજકોટને હોટ ફેવરીટ માનવામાં આવી રહ્યું છે. ગત શનિવારે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાનાં હસ્તે આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.