Abtak Media Google News

શુદ્ધબુદ્ધિ અને સ્વતંત્ર વિચારો થકી સારા-નરસા અને સાચા-ખોટાની સમજણ ધરાવી એ મુજબ વર્તનાર વ્યક્તિ શિક્ષિતની વ્યાખ્યામાં આવે છે અને ખાસ કરીને જ્યારે વાત સોશ્યલમીડિયા પર લખવા,બોલવા કે શેર કરવાની હોય ત્યારે તો એ અત્યંત જરૂરી છે કે દરેક ઘટનાને પુરી સૂઝબૂઝથી તમામ આયામને નજરમાં રાખીને વિચારે અને પછીજ એના પર કોઈપણ પ્રકારનું રિએક્શન આપે. આવા શિક્ષિત અને આગળ પડતા લોકો પોતાના વિચારો થકી  સામાન્ય સમજ ધરાવતી પ્રજાને સાચો દ્રષ્ટિકોણ અને સાચી સમજ આપે એવી આશા એમની પાસે હોય છે પરંતુ જ્યારે આવા જ લોકો કોઈપણ જાતની ખાતરી કર્યા વગર ખુદ જ ’હૈશો હૈશો’ કરવા લાગે ત્યારે એકરીતે જોતા એ દેશ માટે જોખમ જ છે.

’પુલવામા હુમલા’ને એક અઠવાડિયું પૂરું થવા આવ્યું ત્યારે આજે પણ જનતાનો રોષ શમ્યો નથી અને એ એકદમ વ્યાજબી છે. દેશની સુરક્ષા કાજે ૨૪ કલાક સીમા પર રહેતા આ જવાનોના જીવની કિંમત આટલી જ?? અરે, સામી છાતીએ લડીને માર્યા હોત તો પણ એમ થાત કે એ વીરગતિ પામ્યા પણ ના, આ તો કારસો હતો કાસળ કાઢવાનો. માતૃભૂમિની રક્ષા કાજે શહિદ થઈ જનાર એ વીર જવાનોમાંનો  કોઈ તો  પોતાના પરિવારની રક્ષાનો એકમાત્ર આધારસ્થંભ હશે એવું પણ બને. એક ઝાટકે છળકપટથી ૪૨થી વધુ જવાનોની હત્યા એ કોઈ મામુલી ઘટના નથીજ. જનતાની ચિંતા, દુ:ખ, આક્રોશ બધું જ વ્યાજબી છે. સરકાર તરફની ફરિયાદો પણ ખોટી નથી. ગામ-ગામથી મૃતકના પરિવાર માટે આર્થિક સહાયનો ધોધ વરસી રહ્યો છે એ પણ માનવતા જીવંત હોવાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જ તો છે.

આ તમામ સેવાકીય કાર્યોની સાથો સાથ છેલ્લા એક અઠવાડિયાથી આ સમગ્ર દુ:ખદ અને ગંભીર ઘટનાને ’રાજરમતનું પ્યાદુ’ બનાવી રમી રહેલા ’સરકારના ગુલામો, દલાલો કે મળતીયાઓએ સોશ્યલમીડિયા પર જે આતંક મચાવ્યો છે એ ખરેખર શરમજનક ઘટનાછે. આતંકી હુમલાખોરો સામે તો હજી પણ સંભવ છે કે સરકાર કોઈ ઠોસ પગલાં લેશે પરંતુ સોશ્યલમીડિયા પર રીતસરનો આતંક મચાવનાર આતંકીઓ માટે છે કોઈ સજા?  ફેસબુક અને ટ્વિટર પર કે તદ્દન વાહિયાત, વિચિત્ર અને હાસ્યાસ્પદ પોસ્ટ મૂકીને કે ટ્વિટ કરીને પોતાને દેશભક્ત ગણાવતા આ મનોરોગીઓ માટે છે કોઈ ઈલાજ?

છેલ્લા એક અઠવાડિયાથી આ ઘટનાને મુદ્દો બનાવી દરેક લોકો પોતાના મંતવ્યો આપી રહ્યા છે. જે પોતે પોતાના ઘરનો એક પણ નિર્ણય લેવા માટે સ્વતંત્ર નથી એ પણ દેશ માટે નિર્ણયો લે છે. ’યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે તો લોહીની આવશ્યકતા રહેશે કોણ કોણ લોહી આપવા તૈયાર છે?’ , ’સરહદ પર દુશ્મનોનો ખાતમો કરવા કોણ કોણ જવા માંગે છે?’ થી લઈને સરકારના નામના છાજીયા લેતી પોસ્ટનો મારો ચાલ્યો.

સુરતના એક ડાયમન્ડ એસોસિએશનના હેડની પુત્રીના લગ્નમાં તમામ ધામધૂમ મોકૂફ રાખી તદ્દન સામાન્ય રીતે લગ્નવિધિ સંપન્ન કરી એ ધામધૂમમાં થનાર તમામ ખર્ચ શહીદોના પરિવારને આપવામાં આવશે એવી પણ એક પત્રિકા ફેસબુક પર ફરતી થઈ અને કોઈપણ જાતની ખરાઈ કર્યા વગર શિક્ષિત અને સમજદાર લોકો પણ એ પત્રિકાઓ શેર કરી એ પરિવારને ધન્યવાદ આપવા લાગ્યા. એવા વિડિઓ પણ ફરતા થયા અને સમજદાર લોકો દ્વારા શેર પણ થયા કે જેમાં કોઈ તથ્ય જ ન હતું અને શહીદોના નામે કોઈપણ વ્યક્તિ આવા વિડિઓ બનાવી વાઇરલ કરવા લાગી અને સિમ્પથી મેળવવા જાણે કે હોડ લાગી.

શુભ આશયથી જ કદાચ આવી પત્રિકા ફેરવવામાં આવી હોય શકે કે આ જુઠી પત્રિકા જોઈને પણ કોઈ ખરેખર આવું કંઈ ઉમદા પગલું ભરે અને એ રીતે આપણે શહીદોના પરિવારને એના દુ:ખમાં સહભાગી થઈએ પરંતુ મૃતકના નામ પર કે એ ઘટનાને મુદ્દો બનાવી આવી વિકૃતિ બતાવવી એ માણસાઈ છે?  ધર્મ,જાતિ, પક્ષ આ તમામ વાડાઓથી દેશના રક્ષકો તો પર છે તો પછી એમની શહીદીને આ તમામ વાડામાં શા માટે ખેંચી લાવવામાં આવે છે? શું માનવતા મરી પરવારી છે? શું વિશારશક્તિ કુંઠિત થઈ ગઈ છે? બુદ્ધિ બહેર મારી ગઈ છે? કે પછી વિકૃતિ રગેરગમાં પ્રવેશી ગઈ છે? કઈ દિશામાં જઇ રહ્યો છે કહેવાતો શિક્ષિત વર્ગ?

વાત નવજોતસિંહ સિદ્ધુની હોય, અભિનેત્રી પ્રિયંકા ચોપડાની હોય, કે કાજલ ઓઝાએ આપેલ ઇન્ટરવ્યૂની હોય, શિક્ષિત લોકો પણ એક શબ્દનો મુદ્દો બનાવી પોતાને મહાજ્ઞાની સાબિત કરવા મથી રહ્યા હોય એવું લાગી રહ્યું છે. બીજી તરફ ઉદ્યોગપતિ અને રિલાયન્સના ચેરપર્સન નીતા અંબાણીની જાહેરાતો તથા કથાકાર શ્રી. મોરારીબાપુની જાહેરાતોથી એમના પર અભિનંદન અને શાબાશીનો ધોધ વરસી રહ્યો છે. બન્ને ઘટનામાં ખરાઈ કેટલી? શુ? ક્યારે? ખરેખર સચ્ચાઈ છે કે કેમ? આ બધું સમયને નક્કી કરવા દીધા વગર આવેગમાં આવીને બોલતા એક એક વાક્યને તોલ મોલ કરી કાજીની ભૂમિકા ભજવવા દરેક વ્યક્તિ તૈયાર છે.

જનતાને થતી ચિંતા,રોષ અને દુ:ખ તદ્દન વ્યાજબી છે અને એનો ઉકેલ પણ લાવવો જ રહ્યો પરંતુ એ માટે ટોળાનો હિસ્સો બનીને હૈશો હૈશો કરવું કેટલું વ્યાજબી? રાજકારણના રોટલા શેકવા કેટલા યોગ્ય? કોઈપણ પક્ષની તરફેણ કે વિરોધ કરનાર સામાન્ય જનતા એ ભૂલી રહી છે કે જે બન્ને પક્ષ માટે એ લોકો ફેસબુક પર લડી રહ્યા છે એ બન્ને પક્ષને તમારી આ ’ફેસબુકીયા આક્રમણથી’ કોઈ લેવાદેવા નથી.

સરકારે સત્તા પર આવવા અને લોકોનો વિશ્વાસ જીતવા માટે પણ ઠોસ પગલું લેવું જ રહ્યું. માત્ર આર્થિક સહાય કરીને મૃતકના પરિવાર તરફની એમની કે આપણી જવાબદારી પૂરી નથી જ થતી પરંતુ પ્રજા આ સિવાય કશું કરી શકે એમ નથી અને સરકાર પાસે સત્તા હોવા છતાં જે બની રહ્યું છે એ જોતાં લાગે છે કે એ કશું કરવા નથી માંગતી. વારંવારના આવા આતંકી હુમલા મનમાં હજારો સવાલો જન્માવે છે. સરકારે સમગ્ર ઘટનાને અત્યંત ગંભીરતાથી લઈને આતંકીઓને જવાબ આપવો જ રહ્યો.

લોકોનો લોકશાહી પરથી વિશ્વાસ ન ઉઠે, સરકાર તરફ આશંકા જન્મતી અટકે અને આપણાં સુરક્ષાકર્મીઓને પણ સાથસહકાર અને ન્યાય મળે એ અત્યંત જરૂરી છે. જનતા સત્તા અપાવી શકે છે તો ખેંચી પણ શકે છે. જનતાએ પણ જે આક્રોશ અને જે વેદના સોશ્યલમીડિયા પર બતાવી છે એ ચૂંટણી સમયે મતદાન વખતે યોગ્ય ઉમેદવારને પસંદ કરવામાં બતાવવી જોઈએ.

દેશના સમજુ અને શિક્ષિત નાગરિક તરીકે આપણી એ ફરજ છે કે સોશ્યલમીડિયનો ખુબ સમજણપૂર્વક ઉપયોગ કરીએ અને આતંકી હુમલા જેવી ઘટનાને ટાર્ગેટ કરી કોઈપણ અર્થહીન કે વાહિયાત સ્ટેટમેન્ટ કરી કે એવા કોઈ સ્ટેટમેન્ટમાં હામી ભરી ગાડરિયા પ્રવાહનો હિસ્સો ન બનીએ. લાગણી કે ગુસ્સાના આવેગમાં આવી જઈને અફવા કે ગેરસમજણ ન ફેલાવવી અને ફેલાતી જણાય ત્યાં અટકાવવી એ પણ દેશસેવા જ છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.