આર્થિક ‘ગરીબ’ પણ ‘દિલથી અમીર’ એવા ખમીરવંતા ઝૂપડાવાસીઓ

કોઇની આશ નહીં કે અપેક્ષા નહીં, જાતમહેનતે ખુમારીથી જીવતા ઝૂપડપટીના રહેવાસીઓ

સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાઆ ઉક્તિ આપણે સૌએ એકથી વધુ વાર સાંભળી હશે પણ તેનું ખરું ઉદાહરણ શું ? તેનું ખરું ઉદાહરણ મળ્યું રાજકોટ શહેરમાં આવેલી ઝુપ્પડપટ્ટીમાં. ઝુપ્પડપટ્ટીમાં રહેતા લોકો ચોક્કસ ગરીબ છે પણ ફકીર નથી તે બાબત અબતકના અહેવાલમાં સ્પષ્ટ સામે આવી હતી. દિવાળી અને નૂતન વર્ષ પર્વની ઉજવણી સૌ કોઈ ઉત્સાહભેર કરતા હોય છે. પર્વની ખાસિયત જ એ હોય છે કે તમામ વર્ગ તેમની સમસ્યાઓ, તકલીફો ભૂલીને પરીવાર સાથે ખુશીની પળ માણતા હોય છે. રહીશોના પર્વની ઉજવણી તો સૌ કોઈ જોતા હોય છે જેમાં મોંઘીદાટ વસ્તુઓ ધ્યાને પડતી હોય છે પણ ગરીબોના પર્વની ઉજવણી ભાગ્યે જ જોવા મળતી હોય છે.

અમીરોના મહેલમાં થતી ઉજવણી ચોક્કસ સારી પણ ગરીબોના ઝૂંપડાની રોનક પણ કમ નથી. દિવાળી અને નવા વર્ષના પર્વની ઉજવણી ગરીબો તેમના ઝુંપડામાં કેવી રીતે થાય છે તે જોવું પણ ખૂબ રસપ્રદ છે. આ વર્ષે રાજકોટ શહેરના સલ્મ વિસ્તાર જેમ કે, છોટુનગર, લક્ષ્મીનગર ઝુપ્પડપટ્ટીના રહેવાસીઓએ કેવી રીતે દિવાળીની ઉજવણી કરી તે અંગે અબતક દ્વારા અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે સૌના મગજમાં ગ્રંથિઓ રહેલી હોય છે કે, જ્યાં સુધી કોઈ રહીશ ગરીબની વ્હારે આવીને સહાય ન કરે ત્યાં સુધી ગરીબોની ઝૂંપડામાં રોનક ન આવે પણ આ વાત બિલકુલ ખોટી ઠરી છે. ગરીબ હોય એનો મતલબ એવો નથી કે ફકીર છે. ગરીબીમાં પણ ખુમારી જીવંત હોય તેવું ચોક્કસ બની શકે છે. આવી જ કઈક ખુમારી આ ઝુપ્પડપટ્ટીના રહેવાસીઓમાં જીવ મળી છે. ગરીબોએ કાળી મજૂરી કરીને દિવાળી અને નવા વર્ષના પર્વની ઉજવણી કરી છે. પરિવારની તમામ જરૂરિયાતો વતા ઓછા અંશે પુરી કરી છે.કોઈકે દાન આપેલી મીઠાઈ નહીં પરંતુ જાત મહેનતે કરેલી કમાણીમાંથી લીધેલી મીઠાઈ પોતાના પરિવારને આ ગરીબોએ ખવડાવી છે. પરિવાર હોય તો ચોક્કસ બાબત છે કે, નાના બાળકો હોય. નાના બાળકો કોઈ અન્ય બાળક પાસે કંઈક વસ્તુ જુવે તો સ્વાભાવિક છે કે તેની માંગણી કરે જ. તે વેળાએ આ ગરીબ પરિવારોએ નાના બાળકોની જરૂરિયાત પણ વતા ઓછા અંશે કરી જ છે. આ બધી જોતા ચોક્કસ કહેવાનુ મન થાય કે, આ છે સોરઠની ખમીરવંતી પ્રજા.

ટીવીએ ફટાકડાની પાબંધીમાં મનોરંજન પીરસ્યું!!!

દિવાળીમાં ફટાકડા ઉપર ક્યાંક તંત્રની તો ક્યાંક અર્થતંત્રની પાબંધી લાગી હતી. ફટાકડા ફોડવાનો રોમાંચ અનેક લોકો માણી શક્યા નહોતા. હજારો ઘરના બાળકો એવા હતા કે જેમને ફટાકડા ફોડવાની ઈચ્છા તો હતી પરંતુ આર્થિક દ્રષ્ટિએ સધ્ધર નહતા. આવા સમયે ગરીબ મધ્યમ કે અમીર વર્ગ માટે મનોરંજનનું સાધન ગણાતા ટીવીએ ફટાકડાની પાબંધીનો ખાલીપો દૂર કર્યો હતો.

જે સમસ્યા આવે તેની સામે લડી લેવાનું, વટથી જીવવાનું: મનુભાઈ

નવા વર્ષની ઉજવણી અંગે ઝુપ્પડપટ્ટીના રહેવાસી મનુભાઈએ કહ્યું હતું કે, અમે જાત મહેનતે નાનો મોટો ધધો જેમકે, શાકભાજી વેંચવા સહિતના કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતાં હોઈએ છીએ. સંકટ છે, તકલીફ છે પણ તેનું વારંવાર રટણ કરીને કંઈ નિવેડો આવવાનો નથી તો શા માટે રટણ કરવું. જે કંઈ થવાનું હશે તે થશે એટલે ચિંતા કર્યા વિના જે થાય તેની સામે લડી લેવાનું અને પરિવાર સાથે જલસા કરવાના. અમારા પરિવારમાં કુલ ૧૨ બાળકો છે. દિવાળી પર્વમાં બાળકોને જોઈતા ફટાકડા, મીઠાઈ બધુ જાત મહેનતે કમાણી કરીને લઈ આવીએ છીએ. તેમણે કહ્યું હતું કે, લોકો એવું વિચારતાં હોય છે કે, અમને કોઈ કરીયાણું ન આપે તો અમે ભૂખ્યા રહી જાય અથવા તો પૈસા ન આપે તો અમે પર્વ ન ઉજવી શકીએ આ વાત બિલકુલ ખોટી છે. કોઈ અમને કંઈ જ સહાય આપવા આવતું નથી તેમ છતાં અમે વટ અને સ્વમાનથી જીવીએ છીએ અને એ જ અમારી મૂડી છે.

ભગવાન ભૂખ્યો ઉઠાડે છે જરૂર પરંતુ ભૂખ્યો સુવડાવતો નથી: જગુભાઈ

અન્ય એક સ્થાનિક જગુભાઈએ કહ્યું હતું કે, હાથે મજૂરી કરીને જીવીએ છીએ. કોઈની આશા કે અપેક્ષા રાખતા નથી. મનથી ધંધો કરીએ છીએ અને વટથી જીવન જીવીએ છીએ. આ વર્ષે કોરોના સંકટમાં પણ અમે ખૂબ સારી દિવાળી ઉજવી છે. અમીરોના બંગલામાં જેવી દિવાળી ન ઉજવાય તેવી ઉજવણી અમે અમારા ઝૂંપડામાં કરી છે. બાળકો માટે ફટાકડા, કપડાં અને મીઠાઈ લાવ્યા. પરિવાર સાથે બારે ફરવા પણ ગયા. હાથ મજૂરી કરીને અમે અમારા પરિવારનું પેટ ભરવા સક્ષમ છીએ. ભગવાન ભૂખ્યો ઉઠાડે છે જરૂર પણ ભૂખ્યો સુવડાવતો નથી. કોઈની મદદની જરૂર નથી અમે અમારી રીતે જ બધું કરવા સક્ષમ છીએ.

Loading...