ગીરનાર રોપ-વે પ્રોજેકટનું ૨૪મીએ વડાપ્રધાન મોદીના હસ્તે ઈ-લોકાર્પણ

ગરવો ગીરનાર સર કરવા ભાવિકોને પગ નહીં ઘસવા પડે !!

લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રહેશે ઉપસ્થિત: રોપ-વે પ્રોજેકટથી દર વર્ષે ભાવિકોની સંખ્યા બમણી થવાની આશા

હવે ગરવો ગીરનાર સર કરવા માટે ભાવિકોને પગ ઘસવા નહીં પડે. કારણકે રોપ-વે પ્રોજેકટ હવે ખુલ્લો મુકાવા માટે સજજ થઈ ગયો છે. ગીરનાર રોપ-વે પ્રોજેકટનું ૨૪મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઈ-લોકાર્પણ થવાનું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હાજરી આપવાના છે.

ગીરનાર રોપ-વેની વિગતો આપતા પ્રદિપભાઈ ખીમાણીએ જણાવ્યું છે કે, તા.૧-૫-૨૦૨૦ના રોજ તત્કાલિન મુખ્યમંત્રી તથા હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ રોપ-વે યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બસ કરતા પણ મોટી બે ટ્રોલી લગાવવાની યોજના હતી પરંતુ નવી ટેકનોલોજી ઉપલબ્ધ થતા હવે ૮ પેસેન્જરવાળી ૨૫ ટ્રોલી લગાડાશે. ટ્રોલીમાં માઈક્રોફોન, લાઉડ સ્પીકર તથા હવાબારીની વ્યવસ્થા હશે. ધીમે ધીમે ટ્રોલીની સંખ્યા ૩૧ કરાશે. અત્યારે જુનાગઢમાં દર વર્ષે ૪૦ લાખ યાત્રિકો આવે છે જે સંખ્યા રોપ-વે બન્યા બાદ બમણી એટલે કે ૮૦ લાખ થશે તેમ પણ પ્રદિપભાઈ ખીમાણીએ જણાવેલ છે.

પ્રદિપભાઈ ખીમાણીએ રોપ-વે યોજનાની વધુ વિગત આપતા જણાવ્યું છે કે પુરા ભારતમાં રોપ-વેની એક કેબિનમાં ૪ કે ૬ યાત્રિકો બેસી શકે તેવી કેબીનો ઘણા સ્થળે કાર્યરત છે પરંતુ એક કેબીનમાં ૮ યાત્રિકો બેસી શકે તેવો દેશનો આધુનિક ટેકનોલોજીવાળો એક માત્ર રોપ-વે ગિરનાર રોપ-વે હશે. નવી મોનો કેબલ ટેકનોલોજીમાં રોપ-વેની ટ્રોલીઓની ડિઝાઈન પવનની ઝડપનો સામનો કરી શકે તેવી એરોડાઈનેમીક પ્રકારની હશે. ઓસ્ટ્રીયા અને ઈટાલી જેવા દેશોમાંથી બે શીપમેન્ટ દ્વારા મશીનરી મંગાવવામાં આવી છે. જેસીબી જેવા મહાકાય સાધનોને અંબાજી મંદિર સુધી પહોંચાડી ગિરનાર રોપ-વે તૈયાર થઈ છે.

ગિરનાર રોપ-વે યોજનાની કામગીરી જે કંપનીને સોંપવામાં આવી છે તે ઉષા બ્રેકો લીમીટેડ ૧૯૬૯માં અસ્તિત્વમાં આવી છે જે એક સંયુકત સાહસ છે. જે ઉષા માર્ટીન લિમિટેડ (ભારત) તથા બ્રિટીશ રોપ-વે એન્જીનીયરીંગ કંપની (બેક્રો) (યુનાઈટેડ ક્ધિગડમ)નું સંયુકત સાહસ છે. ઉષા બ્રેકો કંપની હાલમાં ભારતમાં પાંચ જગ્યાએ રોપ-વેનું સંચાલન કરે છે.

લોઅર અને અપર સ્ટેશન વચ્ચેનું અંતર ૨૧૨૬.૪૦ મીટર રહેશે. આ રોપ-વે દ્વારા દર કલાકે ૮૦૦ પેસેન્જરોનું પરિવહન કરી શકાશે. રોપ-વે માટે મોનોકેબલ ડેટાકેબલ ગ્રીપ ટાઈપ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવશે. રોપ-વે પરની ટ્રોલી એક સેક્ધડમાં પાંચ મીટરની ઝડપે ચાલશે અને લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોંચવામાં તથા અપર સ્ટેશનથી લોઅર સ્ટેશન સુધી પહોંચવામાં ૭:૨૮ મિનિટનો સમય લાગશે.

પ્રદિપભાઈ ખીમાણીએ વધુમાં જણાવ્યું છે કે, શરૂઆતમાં ચાર પેસેન્જરો બેસી શકે તેવી ટ્રોલી ચલાવવાનો વિચાર થયો હતો પરંતુ ગિરનાર પર્વત પર પવનની ઝડપ (વીન્ડ વેલોસીટી) ખુબ જ હોવાથી (એક કલાકના ૧૮૦ કિમી)ની ઝડપ હોવાથી ૮૦ યાત્રિકો બેસી શકે તેવી બસ કરતા પણ મોટી કેબીન બનાવવાનો વિચાર થયો હતો. પરંતુ ફરીથી નવી ટેકનોલોજી ઉપલબ્ધ બનતા હવે ૮ પેસેન્જરો બેસી શકે તેવી ટ્રોલીની ડિઝાઈન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિરનાર પર્વત પવનની ઝડપ ખુબ જ છે ત્યાં રોપ-વેની ટ્રોલીનું બેલેન્સ જાળવવા માટે અતિ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થનાર હોવાનું જાણવા મળ્યું છે. રોપ-વેની કેબીનમાં માઈક્રોફોન, લાઉડ સ્પીકર વગેરે પણ હશે.

ગિરનાર રોપ-વે યોજનાનું લોઅર સ્ટેશન ગિરનાર તળેટીમાં રહેશે. જયારે અપર સ્ટેશન અંબાજી મંદિર રહેશે. લોઅર સ્ટેશન જુનાગઢથી ૩.૪ કિલોમીટરના અંતરે છે. જયારે રેલવે સ્ટેશનથી લોઅર સ્ટેશનનું અંતર ૫ કિલોમીટર છે. ગિરનાર રોપ-વેના કારણે દેશ-વિદેશથી જુનાગઢ આવતા યાત્રિકોની સંખ્યામાં વાર્ષિક ૪૦ લાખ યાત્રિકોનો વધારો થશે. આમ ગિરનાર રોપ-વે થવાથી માત્ર જુનાગઢ કે સોરઠ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતને ફાયદો થશે. રોજગારીની નવી અનેક તકો ઉભી થશે.

ગીરનાર રોપવેની ડિઝાઈન સૌથી અલગ, ઓસ્ટ્રિયાની કંપની પાસે છે કોન્ટ્રાકટ

ગીરનાર રોપ વે યોજનાની ડીઝાઈન ઓસ્ટ્રિયામાં બની છે. એશીયાની આ સૌથી મોટી રોપ-વેની ડિઝાઈન ડોપલમયર કંપની દ્વારા તૈયાર કરાઈ છે. ગીરનાર રોપ-વેની ડીઝાઈન સમગ્ર ભારતમાં અત્યાર સુધી તૈયાર કરવામાં આવેલ ડિઝાઈન કરતા અલગ જ હશે. ડોપલમાયર કંપનીની વિશ્ર્વના ૩૩ દેશોમાં બ્રાન્ચો છે. આ કંપનીનું વડુ મથક લાનામાં છે.

રોપ-વેમાં હાલ ૮ પેસેન્જર વાળી ૨૫ ટ્રોલી, આગામી દિવસોમાં વધુ ૬ ટ્રોલી ઉમેરાશે

ગીરનાર રોપવેમાં હાલ ૮ પેસેન્જર વાળી ૨૫ ટ્રોલી છે અત્યાર સુધી દેશમાં ૮ પેસેન્જર વાળી ટ્રોલી કયાય લગાવવામાં આવી નથી. આવી ટ્રોલી માત્ર ગીરનાર રોપ-વેમાં જ જોવા મળશે. આગામી દિવસોમાં વધુ ૬ ટ્રોલી ઉમેરવાનું આયોજન કરાયું છે ઉલ્લેખનીય છે કે શરૂઆતમાં ૮૦ પેસેન્જરોની ક્ષમતાવાળી બસ કરતા પણ મોટી બે ટ્રોલી લગાવવાની યોજના હતી. પરંતુ તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો.

રોપ-વે પ્રોજેકટની ખાસીયત

 • ૮ યાત્રિકો બેસીશકે તેવી ગ્લાસ ફલોરીંગ વાળી ૨૫ ટ્રોલી
 • એશીયાનો સૌથી લાંબો રોપવે.. રોપવેની લંબાઈ ૨.૧૩ કીલોમીટર
 • ટ્રોલીની ઝડપ એક સેક્ધડના પાંચ મીટર
 • બે ટ્રોલી વચ્ચે ૩૬ સેક્ધડનું અંતર
 • એક ટ્રોલી લોઅર સ્ટેશનથી નીકળ્યા પછી ૨૧૬ મીટર આગળ જશે પછી બીજી ટ્રોલી રવાના થશે.
 • એક કલાકમાં ૮૦૦ યાત્રિકોનું વહન
 • લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધી પહોચતા ૭.૪૩ મિનિટ
 • રોપવે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળશે.
 • ઝડપથી ફૂંકાતા પવન વચ્ચે ટ્રોલીનું બેલેન્સ જળવાઈ રહે તે માટે વજનદાર ટ્રોલી બનાવવામાં આવી છે.
 • રોપ વેના કુલ નવ ટાવર છે. જેની ઉંચાઈ ૭ થી ૮ માળના બિલ્ડીંગ જેટલી છે.
 • રોપવેનું લોઅર સ્ટેશનથી અપર સ્ટેશન સુધીનું અંતર ૨૧૨૬.૪૦ મીટર છે.
 • રોપવે થયા બાદ જૂનાગઢ આવતા યાત્રિકોની સંખ્યામાં વાર્ષિક ૪૦ લાખ જેટલો વધારો થશે.

પ્રોજેકટનો શરૂઆતનો ખર્ચ અંદાજીત રૂ.૯ કરોડ હતો, હવે રૂ.૧૩૦ કરોડ

રોપ-વે પ્રોજેકટનો શરૂઆતી ખર્ચ અગાઉ રૂ.૯ કરોડ અંદાજવામાં આવ્યો હતો. ત્યારે મર્યાદામાં સુવિધાઓ વિકસાવવાનું આયોજન હતુ પરંતુ આ પ્રોજેકટની મહત્વતા વધુ હોય સરકારે પણ પૂરૂ ધ્યાન આપ્યું અને પ્રોજેકટમાં કોઈ કસર ન રહે તેની તકેદારી રાખી હતી. પરિણામે હાલ આ પ્રોજેકટનો ખર્ચ અંદાજે રૂ.૧૩૦ કરોડે પહોચ્યો છે.