Abtak Media Google News

૮૯૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓમાંથી ૮૭૮૩૪ (૯૭ ટકા) અરજીઓ મંજૂર

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોવિડ-૧૯ કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી સ્થિતીમાં MSME એકમોને પૂન: ચેતનવંતા કરવાના કરેલા બહુવિધ આયોજનની ફલશ્રુતિ રૂપે રાજ્યના ૮૭૮૩૪ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કસને લોન-સહાય માટે કરેલી અરજીઓ માત્ર ૧પ દિવસના વિક્રમ સમયમાં મંજૂર થઇ ગઇ છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગત તા.૩૦મી મે ના એક વિડીયો કોન્ફરન્સ બેઠક યોજીને રાષ્ટ્રિયકૃત બેન્કસ અને MSME સહિતના વેપાર ઊદ્યોગ અગ્રણીઓ સાથે ઘડેલી કાર્યનીતિનો ઉત્સાહપ્રેરક પ્રતિસાદ મળતાં માત્ર ૧પ જ દિવસમાં આવા MSME એકમોને રૂ. ર૪ર૮.૧૯ કરોડની લોન સહાયની રકમનું વિતરણ થયું છે. મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસે આ સિદ્ધિની વિગતો આપી હતી.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ તા. ૩૦મી મેના ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લા મથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું.

તદઅનુસાર, સમગ્ર રાજ્યમાંથી ૮૯૭૬૭ MSME એકમોએ વિવિધ રાષ્ટ્રિયકૃત બેન્કમાં લોન સહાય માટે કરેલી અરજીઓ પૈકી ૮૭૮૩૪ એટલે કે ૯૭ ટકા અરજીઓ માત્ર ૧પ દિવસમાં જ મંજૂર કરવામાં આવી છે.

મુખ્યમંત્રીએ રાજ્યમાં ૩૩ લાખથી વધુ MSME એકમો દોઢ કરોડથી વધુ લોકોને રોજગારી આપે છે તેને ધ્યાને લેતાં કોવિડ-૧૯ પછીની સ્થિતીમાં આ ઊદ્યોગો ફરી ધમધમતા થાય અને રોજગારીની તકો ફરી પ્રાપ્ત થાય તેવા સંવેદનાત્મક અભિગમ સાથે બેન્કોને લોન-સહાય ત્વરાએ મંજૂર કરવા બેઠકમાં અપિલ કરી હતી.

આ સંદર્ભમાં બેન્કોએ માત્ર ૧પ દિવસમાં જ પ૩૭૩ કરોડ રૂપિયા ૮૭૮૩૪ MSME ને મંજૂર કરીને રૂ. ર૪ર૮ કરોડ તો ૩૧ હજાર જેટલા MSME એકમોને વિતરણ પણ કરી આપ્યા છે.

આ અરજીઓમાં સૌથી વધુ અરજીઓ બેન્ક ઓફ બરોડાએ ૩૩૧૪૧, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયાએ ૧૮૦૪૭, યુનિયન બેન્ક ઓફ ઇન્ડીયાએ ૧૫૮૬૬ મંજૂર કરી છે.

આ બેન્કો દ્વારા ૩૩ જિલ્લાઓના MSME એકમોને કુલ રૂ. ર૪ર૮ કરોડ લોન સહાયનું જે વિતરણ થયું છે તે અન્વયે મુખ્યત્વે અમદાવાદમાં રૂ. પ૬૯.ર૧ કરોડ, સુરતમાં રૂ. ૩૬૯.પ૯ કરોડ, વડોદરામાં રૂ. ર૪૦.૪પ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે.

રાજ્યના ૩૩ જિલ્લાઓમાં મુખ્યમંત્રીના દિશાનિર્દેશનમાં MSME એકમોની લોન-સહાયના ત્વરિત નિકાલ અને ફોલોઅપ સહિતની કામગીરી માટે દરેક જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં એક સમિતિ રચવામાં આવી છે. જિલ્લા ઊદ્યોગ કેન્દ્રના અધિકારી, લીડ બેન્ક ઓફિસર તેમજ ચેમ્બર ઓફ કોમર્સના અને MSME એકમોના સંગઠનના પદાધિકારીનો આ સમિતિના સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે આ સમગ્ર કાર્યવાહિનું સંકલન અને મોનિટરીંગ રાજ્યકક્ષાએ મુખ્યમંત્રીના અગ્ર સચિવ અને ઊદ્યોગ અગ્ર સચિવ એમ. કે. દાસના માર્ગદર્શનમાં MSME એકમો કમિશનરેટ અને સિંગલ વિન્ડો સિસ્ટમ દ્વારા પારદર્શીતાથી કરવામાં આવે છે.

આ MSME લોન-સહાયમાં હવે HDFC અને ICICI જેવી ખાનગી ક્ષેત્રની બેન્કોએ પણ જોડાવાની તત્પરતા દર્શાવતાં વધુ ને વધુ MSME એકમોને સરળતાએ લોન-સહાય મળતી થશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.