Abtak Media Google News

વિધાયકે પ્રથમ ફોન કરી ફોજદારને ડફેરોને જામીન ઉપર છોડવા કહેતા ડાઢ નહી ગળતા તેમણે પોલીસવડાને તે વ્યવસ્થા કરવા કહ્યું અને…”

જીવો જીવસ્ય જીવનમ્

ગ્રામ્ય વિસ્તારમાં વ્યવસાય મુખ્યત્વે ખેતી અને પશુપાલન નો જ હોય છે બંને વ્યવસાય આમતો કુદરતી રીતે એક બીજાના પુરક હતા. પણ સમયાંતરે પરિવર્તન થતા અને વૈશ્વીકરણની અસર અને નાણાંકીય ગણતરીઓ થવા લાગતા પહેલા સ્પર્ધા પછી તિવ્ર સ્પર્ધા પછી ઈર્ષાનો ઉમેરો અને તેથી છેલ્લે વ્યવહારમાં ઘર્ષણો થવા લાગ્યા સમાચાર પત્રોમાં પણ વાંચવા મળે છે કે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડુતો અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ અને પછી પોલીસ ફરિયાદોઅને પછી રાજકીય આંદોલનો થતા બંને પક્ષો પડખે સ્થાનિક રાજકારણીઓ ચડી જતા મામલો વધુ દોઢે ચડતો હોય છે.

ખરેખર આવા પ્રશ્નોનું સમાજના હિત ખાતર અને શાંતિમય સહ અસ્તિત્વની દ્રષ્ટીએ જે નિરાકરણ સમાધાનથી કરાવવું જોઈએ તેને બદલે રાજકારણીઓ મતની લાલસામા આવુ સમાધાનકારી વલણ અખત્યાર કરતા નથી અને  ઈચ્છતા પણ નથી હોતા ઘણી વખત આ રીતે રાજકિય ચંચુપાતને કારણે પ્રમાણમાં ઓછી વસ્તીવાળી જ્ઞાતિના લોકોને અન્યાય કર્યાનો અને બહુમતી વસ્તી વાળી જનતાની ફેવર થયાના આક્ષેપો અને આંદોલનો પણ થતા હોય છે.

આ અગાઉ ખેડુતો અને માલધારીઓનાં આવા કિસ્સા અંગે બે પ્રકરણો નં. ૩૭ ‘ભય વગર પ્રિતિ નહિ’ અને નંબર ૧૩૩ ‘આગ વરસો વરસ’માં વિગતે ઉલ્લેખ કરેલ છે.પરંતુ કેટલાક સધ્ધર ગામડાના ખેડુતો ભાડાનાં‘ટોયા’ પણ રાખે છે. આ ટોયાઓ વાડી ખેતર સીમ વગડાનું રખોપું તો રાખે છે. પણ આ સાથે સાથે આ ટોયાઓ પાસે પરોક્ષ રીતે જંગલી અને રાની પ્રાણીઓ જે અસહ્ય રંજાડતા હોય તેવાનો ત્રાસ પણ કાયમી ધોરણે દૂર થાય તેવી વ્યવસ્થા કરાવતા હોય છે.

ડફેરોને તો આને કારણે અનેક ફાયદા થતા હતા. એક તો આ ટોયા પણા ના કરારના જે નાણા મળે તે પણ વધુમાં તો જેતે ગામ તથા આજુબાજુનાં વિસ્તારમાં જે જંગલી રોઝડા નીલગાય જંગલી ભૂડ,હરણ કે ઘેટા બકરા જે પશુ મળે તેને હલાલ કરી તેના માંસને આજુબાજુનાં શહેરો કે જયાં આવા જંગલી પશુના મટનની મોટી ડીમાન્ડ હોય છે. વળી આવા જંગલી પ્રાણીઓમાં મટન પણ વજનમાં વધારે જથ્થામાં મળતુ હોય તેના નાણા પણ પુષ્કળ મળતા હોય છે. જેતે વિસ્તારમાં નાનો મોટો ખેતીના માલ ઉપર હાથ પણ અજમાવતા હોય છે. અને જે તે ગામની સીમમાં રહી જે તે વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતિથી પણ માહિતગાર થઈ જતા હોય છે. જે ભવિષ્યના આયોજન રૂપે હોય છે.

એ હકિકત પણ શોચનીય અને સત્ય હતી કે જંગલી રોઝ કે ભુંડનું એક ટોળુ ખેડુતની વાડી કે ખેતરમાં પડે એટલે બે ત્રણ કલાકમાં જ પાકનો નાશ કરી મોટી આર્થિક નુકશાની કરી આખા વર્ષની કમાણી ડુબાડી દેતુ હોય છે. વળી આવા રાની અને જંગલી પશુઓનો ત્રાસ દૂર કરવા કે રોકવા અંગે સરકારી તંત્ર દ્વારા તો કોઈ વ્યવસ્થા પણ નથી આથી ખેડુતો પણ પોતાની રીતે ટુંકા અને સલામતીના રસ્તા શોધે તે પણ સહજ છે.

આમ જીવનના અસ્તિત્વને ટકાવી રાખવા માટેના પેલા વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિનના ઉત્કાંતીવાદ “Mighty Can Servive મુજબ સંઘર્ષ શરૂ થાય અને સક્ષમ હોય તે બચી જાય અને બીજા નાશ પામી જાય. આમ ખેડુતો પેલા ભારતીય સુત્ર ‘જીવો જીવસ્ય જીવનમ’ મુજબ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે અન્ય માણસો કે જંગલી પ્રાણીઓ દ્વારા થતા ભેલાણ ને ગમે તે ભોગે આરીતે ડફેરોથી શિકાર કરાવીને પણ અટકાવવુ જ રહ્યું જો ખેડુત માલધારીઓ સાથે અથડામણમાં આવે તો શારીરીક રીતે તો ખેડુત જ ખોટમાં હોય તેથી ખેડુતો પણ ભેલાણ કરનારાના માથા ભાંગે તેવા ડફેરો ને ભાડે લાવતા હતા.

આ ડફેરો જે ગામમાં ટોયા પણ માટે જાય તેઓ તે ગામમાં નહિ રહેતા તેની સીમમાં એવી જગ્યાએ ડેરા તાણે છે કે જયાં માણસોની અવર જવર ઓછી હોય અને નદીના કોતરો કે પહાડની ઓથમાં એવી રીતે દંગા બનાવે છે કે જલ્દી કોઈના ધ્યાને ચડાય નહિ અને પોતાની પ્રવૃત્તિ તથા આવન જાવન પણ ખાનગી રહે આવન જાવના એટલામાટે કે ડફેરો જે ગામનું ટોયાપણુ રાખે તે સમાચાર સમગ્ર સૌરાષ્ટ્રઅને છેક વિરમગામ અને સાણંદ બાજુનાં ડફેરોને પણ ખબર પડે એટલે તેઓ પણ મેમાન ગતીએ આવે અને આજુબાજુનાં વિસ્તારમાં તેમની કળા કરતા જાય આથી જેતે વિસ્તારની પોલીસ દોડતી રહે પણ કયાંના કયાં આવી કળા કરી ગયા તે ખબર જ કેવી રીતે પડે ?

દામનગર પોલીસ સ્ટેશનનું શાખપર ગામ ભાવનગર જિલ્લાનાં ગારીયાધાર અને લીલીયા તાલુકાના સીમાડે છેલ્લુ આવેલુ ગામ હતુ આ ગામ ખેતી માં તો ઠીક પણ સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલું હોય આર્થિક રીતે પણ સધ્ધર હતુ.જયારે જયદેવ દામનગર થાણામાં હતો ત્યાં સુધી તો શાખપરમાં ડફેરો લાવવામાં આવેલા નહિ પરંતુ શાખપરનાં માણસો સુરતમાં હીરા ઉદ્યોગમાં વધુ રોકાયેલા હોય આવિસ્તારમાં જંગલી પશુઓથી રક્ષણ માટે ડફેરોને જ ટોયા પણુ આપવાનું સુચન કોઈ કે કર્યું હશે અને ગામ ના ખેડુતો એ ડફેરો ને ટોયા પણુ આપતા ડફેરોએ ગારીયાધાર રોડ ઉપર મંદિર વાળા ડુંગરના પડખામાં પડાવ નાખ્યા અને તેમની મલ્ટીપલ એકટીવીટીઝ ચાલુ કરી દીધી.

આ સમયે ફોજદાર જયદેવ લાઠી પોલીસ સ્ટેશનમાં હતો. દરમ્યાન ગુજરાત રાજયનાં પોલીસ વડાએ રાજયમાં બનેલ કોઈક બનાવ અન્વયે સમ્રગ રાજયમાં આવેલા ડફેરોના દંગાઓ ચેક કરવા અને અમુક નામચીન અને લાંબા સમયથી વોન્ટેડ ગુનેગાર ડફેરોને પકડવા કોમ્બીંગ નાઈટ રાઉન્ડ ગોઠવવા માટે વાયરલેસ દ્વારા હુકમ રાજયનાં તમામ જિલ્લાઓનાં પોલીસ વડાઓને પાઠવ્યો. અમરેલી જિલ્લા પોલીસ વડાએ આ હુકમ લોકલ ક્રાઈમ બ્રાંચ અને જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશનોને પાઠવી દંગાઓ ચેક કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે જણાવ્યું લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં તો કોઈ ડફેરનાંદંગા હતા નહિ તેથી ચેક કરવાનો કોઈ પ્રશ્ન ન હતો.

પરંતુ પોલીસ વડાએ ટેલીફોન કરી જયદેવને ખાસ કહ્યું કે તમે દામનગર પોલીસની મદદમાં રહી શાખપરનાં ડુંગરોમાં રહેલા ડફેરનાં દંગાઓ ચેક કરવા આથી જયદેવે દામનગરનાં ફોજદાર સાથે ટેલીફોનથી વાત કરી દામનગર ફોજદારે કહ્યું કે તમે કહો તે પ્રમાણે આયોજન કરીએ જયદેવે કહ્યું પહેલા તો આ દંગા કઈ જગ્યાએ કઈ રીતે આવેલા છે. જીપો કેટલે સુધી જાય તેમ છે. કેટલુ ચાલવું પડે વિગેરે બાબતની ખાત્રી કરાઈ કરવી જોઈએ આથી તે માટે જયદેવે લાઠીથી જમાદાર વિરસીંગને દામનગર મોકલી આપ્યા વિરસીંગ તથા દામનગ પોલીસે સાદા કપડામાં શાખપર જઈ જે જગ્યાએ ડફેરો પડયા હતા. તે જગ્યાની ભૌગોલીક સ્થિતિ જોઈ વિરસીંગે જીપો રાત્રીનાં સમયે કઈ જગ્યાએ ઉભી રાખવી તે જગ્યા પણ નકકી કરી લીધી.

કોમ્બીંગ નાઈટ રાઉન્ડ દરમ્યાન જયદેવ રાત્રીનાં ત્રણ વાગ્યા સુધી લાઠી વિસ્તારમાં જીપ લઈને પેટ્રોલીંગ ફર્યો અને રાત્રીનાં ત્રણ વાગ્યે પોતાની જીપમાં પોતાના સ્ટાફના વિરસીંગ, રાજયગુરૂ, મનજી, નનુસીંગ જેવા ચકોર અને સક્ષમ જવાનો ને ટોર્ચ તથા રાયફલો ૩૦૩ તેના કાર્ટીસ સાથે લઈને દામનગર આવ્યો જયદેવે પોતાની સાથે વોકીટોકી વાયરલેસ સેટ રાખ્યો હતો.

દામનગર ફોજદાર પણ નાઈટ રાઉન્ડમાં હતા તેમને પોલીસ સ્ટેશનમાં બોલાવી તેમને પણ દોડાદોડી કરી શકે તેવો ચુનંદો સ્ટાફ સાથે લેવા જણાવ્યું આથી દામનગર ફોજદારે કહ્યું ‘આ ડફૂલાતો હવે ચોકીદાર થઈ ગયા છે તેમનામાં હવે ગુન્હા કરવાની કે પોલીસ સામે થવાનો જોશ જ કયાં રહ્યો છે?’ આથી જયદેવે કહ્યું છતા આતો રાત્રીનો સમય છે. તેથી પુરી તૈયારી સાથે જવું જોઈએ તો સારૂ કહેવાય. આથી તેણે પણ તેના ત્રણેક જવાનોને હથીયાર સાથે તેની જીપમાં લીધા દામનગર ફોજદારે જયદેવને કહ્યું ‘આતો રાજયના પોલીસ વડાનો વાયરલેસથી હુકમ છે. બાકી હવે આ ડફેરોને ચેક કરવાની જરૂર જ નથી કેમકે તેઓએ ચોરી લૂંટફાટ મૂકીને હવે ચોકીદારો થઈ ગયા છે કયાંય કોઈ ગુના કરતા નથી આ ટોયા પણામાં પણ જાજો રૂપીયો મળે છે. હજુ ગઈકાલે સાંજે જ આ ડફેરોનો આગેવાન મામદ દામનગર આવ્યો હતો અને તે ખેરસલ્લા કહીને ગયો છે. અને તેણે કહ્યું છેકે શાખપરતો શું શેઢા પડોશી ગામોમાંથી પણ આ રોઝડા, નીલગાયો કે જંગલી ભૂંડની જો ભેલાણની ફરિયાદો આવે તો મને કહેજો.

હંસીને જયદેવે કહ્યું સાચી વાત છે રોઝડા તો ડફેરની વાસથી જ ભાગવા લાગે પણ હકિકત તો અગાઉ જણાવ્યા પ્રમાણે જીવો જીવસ્ય જીવનમની હતી આ પ્રાણીઓ માનવીનું જીવન (ખોરાક) બની જતા હતા. પછી ગંભીર બનીને જયદેવે કહ્યું ‘કદાચ તમે કહો તેમ હોય છતા તેઓ ગામમાં નથી રહેતા અને સીમમાં પણ દૂર વખંભર જગ્યાઓએ રહે છે. તો કાંઈક તો શંકાસ્પદ વાત કહેવાય જ ! આમ વાતો કરતા કરતા શાખપર વટીને ખોડીયારની ધાર આવી ગઈ. જયદેવે જીપોને રોડ ઉપર જ એક બાજુ ઉભી રખાવી ને ડ્રાઈવરો ને પણ અહીની બીજી હીલચાલ ઉપર નજર રાખવા જરૂરી સુચનાઓ કરી અને સાથેના જવાનોને બને ત્યાં સુધી ટોર્ચનો ઉપયોગ દંગા ઉપર પહોચ્યા પહેલા કોઈ પણ સંજોગોમાં નહિ કરવા કહીને સીંગલ કુચ કોલમમાં જવા રવાના થયા.

વહેલી સવારના પાંચ વાગવા આવ્યા હતા પોફાટવાની અણી ઉપર હતો પડતર જમીનમાં ઉગી નીકળેલા ઝાડી ઝાંખરાની વચ્ચેથી કુચ ચાલુ હતી ડાબી તરફ ડુંગર ઉપર માતાજીના મંદિર ઉપર ઈલેકટ્રીક બલ્બ ને કારણે મંદિરનો આછો આકાર દ્રશ્યમાન થતો હતો ઠંડો મધુર માહોલ પણ શાંતિમાં કયાંક કયાંક કોઈક ચકોર પક્ષીઓ બોલી ને અટકી જતા હતા રોડથી એકાદ કિલોમીટર સુધી ડુંગરની ધારની પડખે પડખે ચાલતા જતા એક વોંકળાના કાંઠે છુટા છવાયા ત્રણ દંગા હતા દામનગર ફોજદાર ને હવે જમણી બાજુ આવળ બાવળની વચ્ચે થઈ દંગાની પાછળ જઈ થોડે દૂર લાઈન બંધ ગોઠવાઈ જવા સુચના કરી અને જો કોઈ ભાગી ને આવે તો પકડી લેવા જણાવ્યું અને તેઓ ગયા પછી પાંચેક મીનીટ પછી જયદેવે પોતાના જવાનો સાથે હથીયારો લોડ કરી તમામ લાઈન ફોર્મેશનમાં સાવચેત નજરે ધીરે ધીરે દંગા તરફ આગળ વધ્યા.

ડફેરો આખી રાત શિકારની શોધમાં સીમ વગડે રખડતા હોય છે. અને વહેલી સવારે ખેડુતોની હીલચાલ થાય તે પહેલા પોતાના દંગે પહોચી જતા હોય છે. આ વાતની જયદેવને ખબર હતી તેથી જ અડધી રાત્રે દંગા ઉપર નહિ ખાબકતા વહેલી સવાર નો જ કાર્યક્રમ રાખેલો કે તમામ ટોયા શિકારીઓ પોતાના દંગા ઉપર પાછા આવી ગયા હોય અને આરામ ફરમાવતા હોય છે.

દંગા નજીક જતા જ દેશી કુતરાઓએ ભસવાનું અને દોડાદોડી કરવાનું ચાલુ કર્યું પરંતુ ઠંડો પ્રહર, રાખી રાતની રઝળપાટ અને પહેલી નિંદરમાં પોલીસે ઝડપ કરીને પાંચેક પુરૂષ ડફેરોને પકડી લીધા અને બે ત્રણ નાસી છૂટવામાં સફળ થયા જયદેવને નવાઈ એ વાતની લાગી કે દામનગર ફોજદાર તો બે ત્રણ ડફેરની હોવાનું કહેતા હતા આતો સાત આઠ નીકળી પડયા પાછળથી દામનગરનાં ફોજદાર પણ તેમના જવાનો લઈને આવી ગયા. દંગાની ઝડતી તપાસ કરતા તેમાંથી પરવાના વગરની ત્રણ મજલ લોડ દેશી બંદૂકો, તેમાં ભરવાનું દારૂખાનું અને છરા પણ મળી આવ્યા આ સિવાય અન્ય તિક્ષણ હથીયારો પણ મળી આવ્યા જયદેવે વોકી ટોકી સેટથી વાયરલેસ દ્વારા લાઠી જીપને સંદેશો આપી દંગા નજીકમા બોલાવી લીધા બંને જીપોમાં આ પાંચેયને આડા અવળા ખીચોખીચ ભરી લઈને કબ્જે કરેલ હથીયારો સાથે દામનગર પોલીસ સ્ટેશને આવ્યા.

ડફેરોને પૂછપરછ કરતા ત્રણતો શાખપર સીમના ટોયા હતા પણ બાકીના બે પૈકી એક ડફેર વઢવાણ તાલુકાના ખોડુ ગામની સીમનો અને બીજો ધંધૂકા તાલુકાના બાજરડા ગામની સીમનો રહીશ હતો. નાસી ગયેલા ઈસમો અંગે પૂછતા તેઓ કાંઈ જાણતા નહિ હોવાનું રટણ ચાલુ રાખ્યું સહજ છે. ધંધાદારી ગુનેગારો સહતહોમતદારોના નામ બને ત્યાં સુધી આપે નહિ પંચનામા કરી દામનગર આવ્યા.

સવારના સાત વાગવા આવ્યા હતા ચા-પાણી પીને પોલીસ અધિકારીઓએ તમામ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી ત્રણ ટોયા ડફેરો સામે ઈન્ડીયન આર્મ્સ એકટની કલમ ૨૫ (૧અ) મુજબ ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં મજલ લોડ બંદૂકો અને તેનો દારૂ ગોળો રાખવા અંગેની એફ.આઈ.આર. દાખલ કરવા તથા બહારના અન્ય બે જણા વિરૂધ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટના હથીયારબંધી જાહેરનામા ભંગ બદલ મુંબઈ પોલીસ એકટની કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવાનું હજુ ચાલુ જ હતુ ત્યાં શાખપરથી એક મોટર સાયકલ પોલીસ સ્ટેશનમાં આવ્યું જેના ઉપર બે અગ્રણી ખેડુતો હતા. તેમણે દામનગરનાં ફોજદારને વાત કરી કે ડફેરો વિરૂધ્ધ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવી નહિ.

બન્યુ એમ હતુ કે ડફેરોના દંગા ઉપરથી પોલીસ રવાના થયા પછી ડફેર મહિલાઓએ શાખપર ગામમાં જઈ ખેડુત આગેવાનોને ફરિયાદ કરી કે તેમના પૂરૂષોને પોલીસ ઉપાડી ગઈ છે. આથી આ બંને આગેવાનો દામનગર ફોજદર પાસે વિનંતી કરવા આવેલી કે ડફેરો તેમના ચોકીયાત છે. તો જવાદો. પણ દામનગર ફોજદારે કહ્યું કે કાયદેસર કાર્યવાહી ચાલુ થઈ છે. આ હુકમતો અમદાવાદ અને અમરેલીથી આવ્યો હતો વળી આ રેઈડમાં હું એકલો જ નથી બહારથી પણ પોલીસ અધિકારી આવેલ છે. આથી બંને ખેડુત આગેવાનો પોલીસ સ્ટેશનથી તો ચાલ્યા ગયા.

પણ બંનેઆગેવાનો એ ટેલીફોન પીસીઓમાંથી લાઠીના વિધાયક સાથે વાતચીત કરી ડફેરોને કહેવા છતા દામનગર પોલીસે પૂરી દે છે. તેમ ફરિયાદ જ કરી દીધી અને કહ્યું કે હજુ એફઆઈઆરો તૈયાર થઈ રહી છે. તમે કહો તો કામ થઈ જાય. આથી લાઠી ધારાસભ્યએ દામનગર ફોજદાર સાથે ટેલીફોનથી વાત કરી કહ્યું કે આ ડફેરો કયાં ગુના કરે છે તેતો રખોપીયા છે તેને જવાદો. આથી દામનગર ફોજદારે તેમને કહ્યું કે આ કાર્યવાહીમાં હું એકલો જ નથી. લાઠી ફોજદાર તથા તેમના જવાનો પણ છે. આથી વિધાયકે કહ્યું કે ફોન આપો લાઠી ફોજદારને આથી જયદેવે ફોન લીધો અને વિધાયક કે એજ કેસેટ વગાડી કે આતો રખોપીયા છે. ગુનેગાર નથી માટે જવાદો. આથી જયદેવે વિનમ્રતાથી કહ્યું કે ‘ત્રણ બંદૂકો મળી છે તે આર્મ્સ એકટ મુજબ ગુન્હો બને છે. અને બહારના બે ડફેરો પણ પકડાયા છે. તેઓ આંતર જિલ્લા વોન્ટેડ ગુનેગારો પણ જણાય છે તે તો રખોપીયા નથી વળી પંચનામા થઈ ગયા છે.તેથી હવે કાયદેસરની કાર્યવાહી તો કરવી જ પડશે તેઓને સાવ એમ જ જવા દેવાય નહિ‘.

આ એજ વિધાયક હતા જેમણે જયદેવનો કોડીનારથી લાઠી પોલીસ સ્ટેશનનો હુકમ કરવાનું અમરેલી પોલીસ વડાને લાઠીના અગ્રણી માસાભાઈ આહિરના કહેવાથી કહ્યું હતુ પણ તેઓ જાણતા હતા કે આ જયદેવ કાયદેસરની બાબતમાં તો બાંધછોડ નહિ કરે છતા તેમણે તેમના રાજકીય ગણીત મુજબ કહ્યું કે ખેડુતોની સલામતી ખાતર જવાદો તો સારૂ પણ જયદેવે કહ્યું જુઓ સાહેબ ખેડુતો એટલે તમામ ખેડુતો પછી તે ગારીયાધારના હોય કે લીલીયા કે બાબરાના હોય, મારા માટે તમામ ખેડુતો અગત્યના અને સમાન છે. આ જે બહારનાં ગૂનેગાર ડફેરો પકડાયા છે. તેમનું તારગેટ નજીકનો કોઈ પણ તાલુકો હોઈ શકે પછી તે ભલે તમારા મતદારો કે ટેકેદારો ન હોય પણ ખેડુતોતો આપણા જ ગણાય ને ? વળી આજે રખોપીયા ટોયા છે.તે પણ આખી જીંદગી અહી રહેવાના નથી બીજે ગયા પછી આ દામનગર વિસ્તારની ભૌગોલીક પરિસ્થિતિથી માહિતગાર હોય ભવિષ્યેઅહી પણ કળા કરવા આવવાના જ આથી આ વિસ્તારનાં ભવિષ્યના હિત ખાતર પણ જે થયું છે તે બરાબર થયું છે. વિધાયકને તો હાલમાં જે શાખપરના આગેવાનો આવ્યા હતા તેમને ભલુ બનાવવાનું હતુ (મત માટે કે ટેકા માટે) તેમને જયદેવની આ પધ્ધતિ અને ફીલોસોફીમાં કોઈ રસ નહતો.

આથી નારાજ વિધાયકે ફોન કાપી નાખીને બીજો ફોન અમરેલી જિલ્લા પોલીસવડાને લગાડયો અને કહ્યું કે દામનગરાં પકડેલ રખોપીયાને તાત્કાલીક છોડી મૂકવા હુકમ કરો. આથી પોલીસ વડાએ જયદેવને જ ફોન કરીને કહ્યું કે આને પોલીસ સ્ટેશનમાં જ જામીન ઉપર છોડી દો’ પણ જયદેવે કહ્યું ‘સાહેબ આર્મ્સ એકટ મુજબના ગુન્હા જામીન લાયક નથી વળી બીજા બે બહારગામનાં આરોપીઓ કોઈક ગંભીર ગુન્હા લૂંટ, ધાડ અને ખૂન ખરાબામાં સંડોવાઈ ને વોન્ટેડ પણ હોઈ શકે તેથી તેને થાણામાં જ જામીન ઉપર છોડી શકાય નહિ. આથી પોલીસ વડાએ કાંઈક નારાજગીથી અને કાંઈક કરડાઈથી કહ્યું તો તમે જ આરોપીઓના જામીન કોર્ટમાં થાય તે માટે તમામ વ્યવસ્થા કરો !

જયદેવને મગજમાં જબ્બરદસ્ત આંચકો લાગ્યો કે એક બાજુથી પકડવા કોમ્બીંગ નાઈટ ગોઠવી આદેશ કરવો અને પકડયા પછી આવા હાર્ડકોર ગુનેગારોના જામીનની વ્યવસ્થા પોલીસ કરે તેવી અપેક્ષા એ કેટલુ વરવું રાજકીય તુષ્ટિકરણ ? જયદેવે તો આવું કયાંય સાંભળેલું પણ નહિ હા પોલીસ પકડીનેપુરી દે અને હુબહુ તો કોર્ટમાં થોડા વહેલા રજૂ કરે તે સિવાય કાંઈ કરવાનું હોતુ નથી. પણ સત્તા આગળ શાણપણ નકામુ તેમ માની જયદેવે વચલો રસ્તો યુકત પૂર્વક કાઢ્યો શાખપરનાં આગેવાનોને જ બોલાવીને આરોપીઓનાં જામીન થવાનું કહેતા આગેવાનો જાણકાર અને અનુભવી હોય તેમણે જયદેવને પુછયું કે સાહેબ આ લોકો બીજી જગ્યાએ ગંભીર ગુન્હામાં સંડોવાયેલા હોય અને પછી અહી જામીન ઉપર છૂટે પછી પાછા આવે? જયદેવે કહ્યું તે વિષય તો તમારે વિચારવાનો છે. પણ આ લોકો નાસી ગયા પછી જામીનદારની જામીનની રકમ કોર્ટ વસુલ કરે જ છે. તેવું હુ કહી શકું’

આથી આરોપીઓનાં કોઈ જામીન થયા નહિને આરોપીઓ અમરેલી મધ્યસ્થ જેલમાં ગયા. જયદેવે આ ડફેરો પકડાયાનો વિગતવારનો વારલેસ મેસેજ સમગ્ર ગુજરાતનાં પોલીસ સ્ટેશનોને મોકલ્યો આથી બીજા દિવસથી જ અનેક જિલ્લાની પોલીસ આ આરોપીઓના ટ્રાન્સફર વોરંટ લઈને દામનગર, લાઠી અમરેલી દોડવા લાગી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.