Abtak Media Google News

હેરીટેજ સ્માર્ટ સિટીની માત્ર વાતો જ

પાલિકાએ નવીનીકરણનો ઠરાવ કર્યા પછી કોઈ કામગીરી નહીં!!

દ્વારકામાં ગાયકવાડ સરકારના સમયનું સાર્વજનિક પુસ્તકાલય મૃત પ્રાય: હાલતમાં આવી ગયું છે. પાલિકા સત્તાધીશોએ નવીનીકરણનો ઠરાવ કર્યો પણ એ ઠરાવ કાગળ પર જ રહ્યો છે ને કોઈ કામગીરી આગળ વધી ન હોય વાંચનપ્રેમીઓમાં નિરાશા વ્યાપી છે. યાત્રાધામ દ્વારકાને હેરીટેજ સીટીનો દરજજો આપ્યો પરંતુ હેરીટેજ સીટી માટેની ગ્રાન્ટની જ્યાં જરૂરિયાત છે ત્યાં વપરાતી ન હોવાને કારણે દ્વારકા હેરીટેજ સીટી હોવાનું માત્ર કાગળ ઉપર જ જણાઈ રહયું છે જેની પ્રતિતિ કરાવતો ઉત્કૃષ્ટ નમૂનો હાલમાં ધ્યાને આવ્યો છે. દ્વારકાના સિધ્ધનાથ મંદિર રોડ પર આવેલ ગાયકવાડ સરકારના સમયની પુસ્તકાલની પરિસ્થિતિ હાલમાં સદંતર બિસ્માર થઈ ગઈ છે. જેના કારણે શહેરના હજારો વાંચનના રસીયાઓમાં નિરાશાની લાગણી ફેલાઈ છે.

યાત્રાધામ દ્વારકામાં આવેલ અતિ પ્રાચીન પુસ્તકાલય હાલમાં મૃતપ્રાય: હાલતમાં જોવા મળી રહી છે. ૧૪૭ વર્ષ જુની આ લાયબ્રેરીની હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે આ દ્રશ્ય સ્માર્ટ અને હેરીટેજ દ્વારકા સીટીનું નથી, યાત્રાધામ દ્વારકાને હેરીટેજ સ્માર્ટ સીટીનો દરજજો આપ્યો છે. આ દરજજો માત્ર કહેવા પુરતો હોય તેવું લાગી રહયું છે. જ્યારથી ગાયકવાડ સરકાર હતી તે સમયમાં દ્વારકામાં સાર્વજનિક પુસ્તકાલય ઉભુ કરાયું હતું. આ પુસ્તકાલયમાં એક સમય એવો હતો કે ધાર્મિક, સામાજીક, લેખન, કાવ્યસંગ્રહ, ક્રાઈમ સ્ટોરી વગેરે જેવા અવનવા પુસ્તકોના વાંચન માટે સ્થાનિક લોકોમાં પડાપડી થતી હતી. પરંતુ વાંચન માટેનો જેમ જેમ ટેકનીકલ યુગ આવતો ગયો તેમ તેમ આ પુસ્તકાલયની હાલત કથળવા લાગી. હાલમાં દ્વારકામાં વિકાસ માટે કરોડો રૂપિયા સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટોમાંથી ખર્ચ કરાય છે ત્યારે હાલમાં અતિ પ્રાચીન પુસ્તકાલયનું નવીનીકરણ કરવા માટે નગરપાલિકામાં અગાઉના સમયમાં ઠરાવ કરાવામાં આવ્યો હતો છતાં પણ હાલમાં જાણે તંત્રને પુસ્તકાલય ફરી પાછી ઉભી કરવા માટે રસ ન હોય તેવું લાગી રહયું છે.

Img 20201122 Wa0024

પુસ્તકાલયમાંથી વર્ષો પહેલા આ પુસ્તકો લઈને પુસ્તકો વાંચીને અનેક સારી સારી પોસ્ટ ઉપર નોકરીમાં નિમણુંક પામ્યાના દાખલાઓ મોજુદ છે અને આજ પુસ્તકાલયમાં મહારાષ્ટ્ર, મલયાલમ, હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, રામાયણ, મહાભારત જેવા અતિ પૌરાણિક પુસ્તકોનો ભંડાર ભરેલો છે. હાલમાં આ પુસ્તકાલય અત્યંત જર્જરીત હાલતમાં હોય આ પુસ્તકાલયને નવીનીકરણ કરવા માટે દ્વારકાના જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત લેખિત-મૌખિક રજુઆત કરવામાં આવી હોવા છતાં પણ જાણે તંત્રને કોઈ રસ જ ન હોય તેવી રીતે હાલમાં પુસ્તકાલય મૃત હાલતમાં જોવા મળી રહી છે. દ્વારકાના જાગૃત નાગરીકો દ્વારા આ પુસ્તકાલય ફરીથી ઉભી થાય અને અગાઉના સમયમાં જે પુસ્તકાલય ધમધમતી હતી તેવી જ પુસ્તકાલય ફરી પાછી ધમધમે તેવું દ્વારકાના જાગૃત નાગરિકો કહી રહયા છે.

સિનિયર સીટીઝનનું સાથી પુસ્તકાલય ખુદ વૃધ્ધાવસ્થામાં

દ્વારકામાં આવેલ ગાયકવાડ સરકારના સમયની પુસ્તકાલય ૬૦ વટાવી ચુકેલા સિનિયર સીટીઝનો માટે સાથીમિત્ર તરીકેની ફરજો અદા કરતું આવેલ છે ત્યારે હાલમાં આ જુનું પુસ્તકાલય ખુદ વૃધ્ધાવસ્થામાં જીવતું હોય તેવું દેખાઈ રહયું છે. પુસ્તકાલયની અત્યારની હાલત ખુબજ દયનીય છે. આ પ્રાચીન પુસ્તકાલયની હાલત સ્થિતિ જોતા કેટલાય વૃધ્ધો કે જે નિયમીત રીતે આ પુસ્તકાલયમાં ખ્યાતિ પ્રાપ્ત ધાર્મિક, સામાજીક, સાંસારીક પુસ્તકોના વાંચન માટે જતા હતા તેઓને હાલની પુસ્તકાલયની હાલત વિશે પુછતા તેમની આંખોમાંથી અશ્રુઓ વહી પડયા હતા. હેરીટેજ સ્માર્ટ સીટીની ગુલબાંગો પોકારતી પાલિકા આ સાર્વજનિક પુસ્તકાલય માટે ભંડોળ વાપરશે કે કેમ? તે તો આવનારો સમય જ કહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.