Abtak Media Google News

શ્રીજીને વસંતપંચમીથી ફુલડોલ સુધી અબિલ ગુલાલની પોટલી ધરી રંગે રમાડાય છે: ૧૩મીએ ફુલડોલ ઉત્સવ ઉજવાશે

તીર્થધામ દ્વારકામાં દ્વારકાધીશજીને વસંત ઋતુના આગમનના વધામણા રૂપે રોજ શ્રૃંગાર આરતી તથા સંધ્યા આરતીમાં કાળિયા ઠાકોરજીને અબીલ-ગુલાલના છાંટણા કરી રંગ રમાડવાનો ભાવ વ્યકત કરાય છે. શ્રીજીને અબીલ-ગુલાલની પોટલી ધરી તેમાંથી દર્શનાર્થીઓને રંગ રમાડાય છે.વસંત પંચમીથી ફુલડોલ (ધુળેટી) સુધી વસંતોત્સવ ઉજવાય છે. ખાસ કરીને હોળી અગાઉના આઠ દિવસ જે હોળાષ્ટક કહેવાય છે તેમાં બંને આરતીઓમાં દર્શનાર્થીઓને ઠાકોરજીના પ્રસાદ‚પે રંગોથી રમાડાય છે. આગામી ૧૩મીએ મંદિર પરીસરમાં ભવ્ય ફુલડોલ ઉત્સવ ઉજવાશે. જેમાં ભાગ લેવા પદયાત્રીઓ સૌરાષ્ટ્રભરમાંથી દ્વારકાભણી ઉમટી રહ્યા છે. દ્વારકાધીશના મંદિરના નેતાજી પુજારીએ વિશેષમાં જણાવ્યું કે શ્રીજીને વસંત પંચમીથી હોળાષ્ટક સુધી સવારની શ્રૃંગાર આરતી તેમજ સાંજની સંધ્યા આરતીમાં પ્રભુના લલાટે તથા ગાલે અબીલ ગુલાલ વગેરે રંગો વસંતના આગમનની ખુશીમાં લગાડવામાં આવે છે. હોળી સુધી શ્રીજીને બન્ને આરતીમાં શ્રીહસ્તમાં અબીલ ગુલાલના રંગથી પોટલી ધરાવવામાં આવે છે અને સેવકો તેમજ દર્શનાર્થીઓ ભકતો પણ આ ઋતુને વધાવે છે.

આ ઉત્સવ આરતી દરમ્યાન ફરીથી શ્રીજીના હસ્તમાં રંગોની પોટલી ધરાવવામાં આવે છે. તેમજ ચાંદીની પીચકારીમાં કેસુડાના રંગ અને કેસરનું પાણી ભરી શ્રીજીને હોળી રમાડવામાં આવે છે. તેમજ આજ હસ્ત પોટલામાં અને પીચકારીના રંગોથી દર્શનાર્થી સૌ ભકતોને રંગ ઉડાડવામાં આવે છે. આ ફુલડોલ ઉત્સવ મનાવવા દૂર દૂરથી પદયાત્રીઓ ચાલીને આવતા હોય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉત્સવની ઉજવણી કરવા દ્વારકા પધારે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.