Abtak Media Google News

“મૃત્યુ પહેલા વ્યક્તિ ભાનમાં હોય તો ત્યારે તે દુનિયાના તમામ હોદ્દાઓ, માન મરતબો અને દુનિયાદારી પડતી મુકી નિર્દોષ વ્યક્તિ બની જાય છે”

ફોજદાર જયદેવને મુળી પોલીસ સ્ટેશન કે જે સજાનું થાણુ હતુ ત્યાં અઢી વર્ષ જેવો સમય થઈ ગયો હતો જયદેવની ખાતાની કામગીરી બેનમુન હતી. ગુનેગારો, ગુનાહીત માનસ વાળા રાજકારણીઓ તથા કર્મચારી અને કુટેવો વાળા પોલીસ જવાનો પણ કોઈ જાતના નાત જાતનાં ભેદભાવ વગર જયદેવથી ડરતા હતા. જીલ્લાનાં પોલીસ દળમાં તેની ગણતરી માર્શલ અધિકારી તરીકે થતી હતી. પરંતુ જયદેવની પક્ષપાત (સત્તાધારી કે વિપક્ષ) રહીત કામગીરી સત્તાધારી પક્ષને પસંદ નહતી. તેમની ઈચ્છા તેમને વધુ પ્રાધાન્ય આપવાની અને તેમના અંટાગંટા ચલાવીલેવાની હોય છે. પછી સત્તાધારી પક્ષ ભલે ને કોઈ પણ હોય ! તેતો ઠીક પરંતુ વધારામાં વિપક્ષના રાજકારણીનું સાચુ અને કાયદેસરનું કામ પણ ન થવું જોઈએ તેથી ખોટી અપેક્ષા હોય છે.

પરંતુ જયદેવ લોકશાહીના સિધ્ધાંત અને કાયદા મુજબ જ દરેક કામ ‘સત્યમેવજયતે’ મુજબ કરતો જે મુળી તાલુકા પંચાયત પ્રમુખ ને તો પ્રથમથી જ પસંદ ન હતુ જેથી તેમની જયદેવ વિરૂધ્ધની ફરિયાદો વિવિધ સ્તરે અને સ્થળે સતત રહેતી આથી નવા આવેલા પોલીસ વડા એવું માની ગયેલા કે જયદેવ સત્તાધારી પક્ષનો વિરોધી છે જે તેમની ગેરમાન્યતા હોય અથવા જયદેવના બીજા સમકક્ષ અધિકારીએ પોતાના હીત ખાતર પોલીસ વડાને એવું માનવા પ્રેર્યા હોય તેવું બની શકે.

તે જે હોય તે પોલીસ વડા એ તો ‘એક કાંકરે બે પક્ષી મારવા’ માટે જયદેવનો નિમણુંક હુકમ બજાણા પોલીસ સ્ટેશનનો કરેલો પરંતુ જયદેવે બજાણાના નિષ્ઠાવાન, લાયક અને સજજન અધિકારી જાડેજાને બદલાવી ને ત્યાં જવાની નમ્રતા પૂર્વક ના પાડેલી તેથી પોલીસ વડાએ કહેલ કે ઠીક જોઈશું. પોલીસ દળમાં નાનામાં નાના કર્મચારીને પણ એ વાતની ખબર હોય જ છે કે જિલ્લાનું પોલીસ ખાતાનું તંત્ર કઈ રીતે ચાલે છે. પોલીસ વડા કોની સલાહ શા માટે લે છે તેનો પણ ખ્યાલ હોય છે. જયદેવને ખ્યાલ આવી ગયો કે હવે પોતાને હેડ ઓફીસની કોઈ બીન અગત્યની અને ઓફીસ વહીવટી કામગીરીની રીડર શાખા કે એમ.ઓ.બી.માં બેસાડી દેવાનો તખ્તો તૈયાર થઈ રહ્યો છે.

દરમ્યાન રાજયના પોલીસ વડાનો એક પત્ર આવ્યો કે ફોજદાર કક્ષાના જે અધિકારીઓ સ્વેચ્છાએ હૈદરાબાદ ખાતે ત્રણ મહિનાના ‘ડીટેકટીવ’ ટ્રેનીંગમાં જવા માગતા હોય તેમના રીપોર્ટ મોકલી આપવા આ ટ્રેનીંગ ‘સાયન્ટીફીક એઈડઝ ટુક્રાઈમ ઈન્વેસ્ટીગેશન’ને લગતી હતી અને તેનું સંચાલન કેન્દ્ર સરકારના ગૃહ ખાતા નવીદિલ્હી દ્વારા હૈદરાબાદ ખાતે આવેલ ‘સેન્ટ્રલ ડીટેકટીવ ટ્રેનીંગ સ્કુલ’માં થતું. આ તાલીમ ગુન્હાઓની વૈજ્ઞાનિક ઢબે અને વૈજ્ઞાનીક ઉપકરણો દ્વારા થતી તપાસ અંગેની હતી જેનું કાયદાકીય રીતે કોર્ટમાં પુરાવામાં ખુબજ મહત્વનું સ્થાન અને ઉપયોગીતા છે. આ તાલીમનું માધ્યમ ઈગ્લીશમાં અને ત્રણ મહિનાનો સમયગાળો હતો તેથી સામાન્ય રીતે કોઈ અધિકારી ગુજરાત છોડી હૈદરાબાદ જવાનું પસંદ કરતા નહિ અને વળી ત્રણ મહિનાની લાંબી ટ્રેનીંગ હોય લગભગ બદલી પણ થઈ જતી જયદેવ પોતે સાયંસ ગ્રેજયુએટ હતો અને તેની ઈગ્લીશ ભાષા ઉપર પકકડ પણ સારી હતીપણ તેને માટે સૌથી વધારે અગત્યની બાબત એ હતી કે જો પોતે આ ‘ડીટેકટીવ’ ટ્રેનીંગ લઈ આવે તો ક્રાઈમના નિષ્ણાંત તરીકે તેને કોઈ ખૂણે ખાંચરે કોઈ બ્રાંચમાં મુકતા પેલા નીતિમતાના ધોરણે અધિકારીઓ કાંઈક વિચારે ! આથી જયદેવે હૈદરાબાદ ત્રણ મહિનાની તાલીમમાં જવાની સહમતી આપી અને તે હૈદરાબાદ રમન્થાપુરમાં આવેલ ટ્રેનીંગ સેન્ટરમાં હાજર પણ થઈ ગયો.

અહી ભારતના જુદા જુદા રાજયોમાંથી તથા સીબીઆઈ સીઆઈએસએફ અને અન્ય દેશો શ્રીલંકા, માલદીવ અને બર્મા હાલના મ્યાનમારથી કુલ પચ્ચીસેક અધિકારીઓ આવેલ હતા જેમાં ગુજરાતમાંથી જયદેવ ઉપરાંત રાજકોટ શહેરના ફોજદાર વાઘેલા પણ આવ્યા હતા જેથી તેને એક સારી કંપની મળી ગઈ.

અહિં કુલ પપ (પંચાવન) જેટલા વિષયોની ક્રાઈમ ઈન્વેસ્ટ્રીગેશન ને લગતી મૌખીક, લેખીત, અને પ્રાયોગીક તાલીમ આપવામાં આવતી હતી જે વિષયોમાં ખાસ કરીને માનવના વિવિધ પ્રકારના મૃત્યુ અંગે મેડીકલ જયુરીસપ્રુડન્સ, પોસ્ટ મોર્ટમ સર્ચ અને સીઝર, હેન્ડલીંગ લેબલીંગ પેકીંગ, ફુટ અને ફિંગર પ્રિન્ટ ગુન્હાવાળી જગ્યાનું નિરીક્ષણ, બેલેસ્ટીક સાયન્સ (અગ્નીશસ્ત્રો), એક્ષ્પ્લોજીવ્સ (વિસ્ફોટકો), ગુન્હાની મોડસ ઓપરેન્ડી (પધ્ધતિઓ) ઈન્ટ્રોગેશન (પૂછપરછ) ખાસ કેસોની તપાસો જેવા કે બેંક ઉચાપત બળાત્કાર, ટ્રાફીક એકસીડેન્ટ, આગથી બીગાડના ગુન્હા (આર્સનકેસ) રેલવે સબોટેજ (રેલવે ભાંગફોડ) પોલીસની નિતિમત્તા, ત્રાસવાદ, નક્ષલવાદ, દાણચોરી જાલી નોટો અને ઈન્ટરપોલ વિગેરે ખાસ વિષયો હતા.

તાલીમમાં અર્ધો દિવસ પ્રવચનો અને અર્ધો દિવસ પ્રાયોગીક તાલીમ રહેતી અઠવાડીયે એક દિવસ તાલીમને આનુસંગીક જગ્યા પોસ્ટ મોર્ટમ રુમ (હોસ્પિટલ) ટંકશાળ, ફોરેન્સીક સાયન્સ લેબોરેટરી વિગેરે જગ્યાની મુલાકાત રહેતી એકંદરે આ તાલીમ ગુન્હા શોધન અને પુરાવાકીય રીતે ખૂબજ ઉપયોગી અને સઘન તાલીમ હતી.

કવિ નર્મદની પેલી કવિતા છે કે ‘જયાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત’ મુજબનો અનુભવ હૈદરાબાદમાં થયો ત્યાં રાજકોટનો એક દાણીધારીયા પરિવાર રાજકોટની મશીનરી વેચાણ માટે સ્થાયી થયેલ હતો. તે પરિવારે ગુજરાત અને રાજકોટના નાતે ત્રણે ત્રણે મહિના શનિ-રવિ માટે ફોજદાર વાઘેલા અને જયદેવને પુરી મહેમાનગતી કરાવી હૈદરાબાદ તથા આંધ્રના જોવા લાયક સ્થળો દર્શાવ્યા તથા તિરુપતિની જાત્રા પણ કરી આવ્યા તેજ રીતે બન્ને ફોજદારો મદ્રાસ હાલના ચેન્નાઈ ગયા હતા. ત્યાં મશીનરીનાં વેપારી ભુપતભાઈ શાહના એક અઠવાડીયું મહેમાન થયા તેમણે મદ્રાસ તથા આજુબાજુનાં વિસ્તારોમાં તો ફેરવ્યા પણ બેંગ્લોર અને મૈસુરમાં પણ ફરવા રોકાવાની વ્યવસ્થા કરી દીધી. ખરેખર ગુજરાત બહાર જઈએ ત્યારે ખબર પડે કે ગુજરાતી શું છે અને તેમની મહેમાનગતી શું છે.

ત્રણ મહિનાની ડીટેકટીવ ટ્રેનીંગ પુરી થતા લેખીત અને પ્રાયોગીક પરિક્ષાઓ પૂર્ણ થતા તમામ તાલીમાર્થીઓ ભવિષ્યમાં જીવનમાં કયારેય મળવાના (એક જ રાજયના હોય તો અપવાદ) નહિ હોવા છતા તમામ એકબીજાના નામ-સરનામાની આપલે કરી છૂટા પડયા.

જયદેવ તથા વાઘેલા ગુજરાતમાં પરત આવ્યા જયદેવે અગાઉ જે અનુમાન કરેંલું તે સાચુ હતુ તે હાજર થયો એટલે તુરત પોલીસ વડાએ તેની નિમણુંક હેડ ઓફીસમાં તેની લાયકાત અને ત્રણ મહિનાની લીધેલી ક્રાઈમ ડીટેકશનની ટ્રેનીંગની વિરુધ્ધની કચેરી એલ.આઈ.બીમાં કરી દીધી આમ તો સાદા કપડામાં કામ કરતી આ ઈન્ટેલીજન્સ બ્રાંચનુ અમેરીકા તથા યુરોપમાં બહુ જ મહત્વ છે તે દેશના વડાઓ વિદેશમાં મુલાકાતે જાય ત્યાં તેમના દેશની આઈ.બી.ના અધિકારીઓને અવશ્ય સાથે લઈ જાય છે. આમ તે દેશોમાં ઈન્ટેલીજન્સ શાખા પ્રતિષ્ઠિત ગણાય છે. પણ આ શાખા જયદેવના સ્વભાવ અને લાયકાત અને કેન્દ્ર સરકારે છેલ્લે જે ત્રણ મહિનાની ટ્રેનીંગ આપી તે ભુલાવવા માટેના સ્થાન સમાન ગણી શકાય. અનુભવે એવું જણાવ્યું છે કે જવલ્લે જ નિમણુંક વખતે લાયકાતના પાસાનો ઉપયોગ કરવામાં આવે છે. મોટાભાગે રાજકીય તૃષ્ટિગુણ સંતોષવા કે અમુક જ્ઞાતિને ધ્યાને રાખીને કે નિમણુંક અધિકારીના પોતાના હેતુ માટે ના દ્રષ્ટીકોણથી જ નિમણુંકો થતી હોય છે.જેનું ઈચ્છીત પરિણામ જે તે વ્યકિત કે સંસ્થા મેળવે છે. અને તેના ખરાબ પરિણામ જનતા ભોગવતી હોય છે. (દેશની લોકશાહી ભોગવતી હોય છે)

આ કિસ્સામાં જયદેવની લાયકાત ક્રાઈમ ડીટેકશન પબ્લીક ડીલીંગ ક્રાઈમ ઈન્વેસ્ટીગેશન અને તેની ત્રણ મહિના લીધેલી ખાસ ડીટેકટીવ ટ્રેનીંગ અને વહીવટી લાયકાતને અવગણીને નિમણુંક રાજકીય તૃષ્ટીગુણ અને નિમણુંક અધિકારી પોલીસ ખાતાએ પોતાનો વ્યકિતગત આત્મ સંતોષ પોષવા મુળીથી બદલી કરી સુરેન્દ્રનગર ઓફીસમાં એલ.આઈ.બી.માં મુકયો જયદેવ બદલી વાળી જગ્યાએ તુરત હાજર થઈ ગયો. આઈ.બી. એટલે એવી ખુફીયા એજન્સી કે જેની સક્ષમતા અને માહિતી ઉપર સરકારો ચાલતી હોય છે. આ બાબતનું એક સરસ ઉદાહરણ જયદેવને એક પીઢ અને અનુભવી પોલીસ અધિકારી અને તે સમયના હોમ પોલીસ ઈન્સ્પેકટર ભદોરીયાએ સને ૧૯૭૬નું કટોકટી કાળનું આપેલ.

તે મુજબ તે સમયે કટોકટી કાળના અનુશાસન અને તેના પરિણામો તથા જનતા નો દ્રષ્ટીબીંદુ જાણવા આ ઈન્ટેલીજન્સ શાખાને સમાજમાંથી જનતાના પ્રતિભાવો જાણી સરકારને માહિતી આપવાની હતી. જેથી વડાપ્રધાન શ્રીમતી ઈન્દીરા ગાંધી લોકસભાની ચૂંટણી જાહરે કરી શકે. દિલ્હીથી છૂટેલો આદેશ વાયરલેસ રુપે સમગ્ર દેશમાં આ માહિતી એકત્રીત કરાવવા તમામ રાજયોનાં જિલ્લાઓ અને તાલુકા પોલીસ મથકો સુધી પહોચી ગયો અને ઈન્ટેલીજન્સ બ્રાંચના અધિકારીઓ કામે વળગી ગયા.

તે સમયે પ્રેસ સેન્સરશીપ હતી તથા રેડીયો કે દુરવાણી સરકાર હસ્તકના હતા તેથી તમામ માહિતીઓ અને જે સમાચારો પ્રસારીત થતા તે સરકારી આદેશ મુજબ ચાલુ સરકારના ગુણગાનગાવાના અને પ્રશંસા કરવાના જ પ્રસારીત થતા હતા. એક પક્ષીય પાસુ જ રજૂ કરવામાં આવતું હતુ સહજ રીતે આ આઈ.બી.ના અધિકારીઓ પણ કાંતો ભારતની લોકશાહી પ્રિય જનતાના હૃદયમાંની સંપૂર્ણ મુકત અભિવ્યકિતની આઝાદીની ઝંખનાને જાણી શકયા નહિ અથવા તો તેમણે જાણ્યું તો અનુશાસનના નામે કે ભયથી સાચી હકિકત સરકારને જણાવી શકયા નહિ.

તમામ તંત્રો અને ખતાઓ પણ કટોકટીના ગીત ગાતા હતા. સર્વત્ર સરકારી કર્મચારીઓમાં ભયનો માહોલ હતો. પ્રથમ જિલ્લા કક્ષાએ આઈ.બી.નાં અધિકારીઓની ચર્ચા થઈ તેમાં ભયગ્રસ્ત માહોલની અસરમાં એ જ સુર વ્યકત કર્યો કે સરકાર (સત્તાધારી કોગ્રેસ પક્ષ)ના અનુશાસનના નામે મુકત અભિવ્યકિત ઉપર ના પ્રતિબંધને જનતાએ લક્ષમાં લીધેલ નથી આથી સત્તાધારી કોંગ્રેસ પક્ષનો જનતામાં જય જયકાર થઈ જબ્બર બહુમતીથી વિજય થશે. રાજયના આઈબીના વડાએ અમદાવાદ હેડ ઓફીસમાં સમગ્ર ગુજરાતનાં આઈ.બી.ના ઈન્સ્પેકટરોની મીટીંગ બોલાવી તમામનો વ્યકિતગત મૌખીક તથા લેખીત માહિતી અહેવાલ માંગ્યો એક અધિકારી સિવાય તમામે સત્તાધારી પક્ષના વિજયના ગીત ગાયા ફકત એક પોલીસ ઈન્સ્પેકટરે જનતાના વાસ્તવીક દ્રષ્ટીબિંદુથી હકિકત આપી કે હિન્દુસ્તાનનાં ઈતિહાસમાં પહેલીવાર સત્તાપલટો થશે, વિપક્ષના નેતાઓ ભલે જેલમા હોય તો પણ તેમનો વિજય થશે. તમામે આ અધિકારીની હાંસી ઉડાડી અને સરકારે તેમને તુર્ત જ આઈબીમાંથી બદલી કરીને તે સમયનાં સજાના જીલ્લામાં કચ્છ બોર્ડર ઉપર મોકલી દીધા!

કેન્દ્રમાંથી કટોકટીના પ્રત્યાઘાત ચૂંટણી ઉપર કેવા પડશે તેનો સર્વે થયોપણ આઈબીના અધિકારીઓએ પણ અનુશાસનના નામે અને ભયે સત્તાધારી પાર્ટી કોંગ્રેસનો જયજયકાર થશે તેવો ખોટો અહેવાલ આપ્યો અને જેણે કોંગ્રેસનો પરાજય થશે તેમ માહિતી આપી તે પીઆઈને કચ્છમાં મોકલી ધીધા.

આખા દેશમાંથી આઈબીના આવા સત્તાધારી કોંગ્રેસ પક્ષના જય જયકારના જ રીપોર્ટ આવ્યા આથી આઈબીનાં આ રીપોર્ટ આધારે શ્રીમતી ઈંદીરા ગાંધી એ આંશીક રીતે કટોકટી ઉઠાવી અને લોકસભાની ચૂંટણી જાહેર કરી. ત્યાર પછી તો ઈતિહાસ જાણીતો છે. જે ઈંદિરાજીએ છ જ વર્ષ પહેલા પાકિસ્તાનને ધુળ ચાટતુ કરી કારમો પરાજય આપી પાકિસ્તાનના બે ભાગલા પાડેલા અને સમગ્ર દેશ અને વિપક્ષી નેતા અટલ બિહારી બાજપાઈએ પણ તેમના વખાણ કરેલા તે જ ઈંદિરાજી લોકસભાની ચૂંટણીમાં ખુદ પોતે હારી ગયા. ભારતમાં ઐતિહાસીક રીતે મોરારજી દેસાઈની પ્રથમ બીન કોંગ્રેસી સરકાર બની આમ આઈ.બી.ના રીપોર્ટ શું કરી શકે તે અનુમાન કરી શકાય છે.

જયદેવ માટે આ કામગીરી બહુસહેલી હતી. જયદેવની બદલી મુળીથી થતા અમુક રાજકારણીઓને બાદ કરતા સમગ્ર જનતા તથા મુળીનું પોલીસ દળ ખાસ નારાજ થયુ. પરંતુ જયદેવ માટે આ એલઆઈબીની નિમણુંક ઘણી લાભદયી અને ઉપયોગી થઈ અને ભવિષ્યે તે ઉપયોગી થવાની હતી,. જયદેવને પોતાના વાંચનનો શોખ પુરો કરવાનો મોકો મળ્યો.

બીજુ આ કારમાં દુષ્કાળને કારણે ભારતના વડાપ્રધાને ગુજરાતની મુલાકાત લીધી તેમાં દોઢ દિવસ અને એકરાત્રીતો સુરેન્દ્રનગર જિલ્લાને જ ફાળવ્યા આટલા મોટા અને લાંબા બંદોબસ્તના આયોજનનો અનુભવ મળ્યો. આ બંદોબસ્તના આયોજન દરમ્યાન જ એક સજજન જ્ઞાની અધિકારી શ્રી ભુપેન્દ્ર મો.દવે જિલ્લા માહિતી અધિકારીનો પરિચય અને મિત્રાચારીનો અને સત્સંગનો અનન્ય લાભ મળ્યો જે લાભ આગળ પંચમહાલ અને રાજકોટ જિલ્લા અને નિવૃત્તિ દરમ્યાન પણ જયદેવ ને મળતો રહ્યો.

બીજો એક અનુભવ વડાપ્રધાનની આ દુષ્કાળ મુલાકાત દરમ્યાન બનેલ એક વિચિત્ર અકસ્માતનો થયો વડાપ્રધાન રાજીવ ગાંધીએ પોતાના પ્રવાસ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતનાં પહોળા અને સીધા રસ્તાઓ જોઈ જાતે ડ્રાઈવીંગ કરવાનો લહાવો લીધો લખતર વિરમગામ રોડ ઉપર કોઈ એક ગામડાના રાહત કામની વડાપ્રધાને વિજીટ કરવાની હતી સીધો રોડ એટલે તેમણે પૂર ઝડપે તેમની કાર ચલાવી દરમ્યાન વિજીટ વાળા ગામડાનો કાચો રસ્તો ડાબી બાજુ આવી જતા તેમણે તો કાર ઝડપથી વાળી લીધી પણ બીજી વીવીઆઈપી કારોએ ચપોચપ બ્રેકો મારી ટાયરો જમીન સાથે ચોટાડયા પરંતુ જેમ પોલીસ બીચારી તેમ પોલીસના વાહનો પણ બીચારા ! વડાપ્રધાનની કોન્વોયમાં સુરક્ષા જવાનો સાથે વડાપ્રધાનના તે વખતના આ પ્રેસ સચિવ એટલે ગત ગુજરાતની વિધાનસભાની ચૂંટણી સમયે ભારતના વડાપ્રધાન શ્રી મોદીને ‘નીચ’ કહી અપમાનીત કરનારા તે સમયના આઈએએસ અધિકારી (પછી કેન્દ્રીય મંત્રી) એવા મણીશંકર ઐયર હતા !

આ મણીશંકર ઐયર પત્રકારો સાથે પોલીસની ખૂલ્લી જીપમાં આગળ બેઠા હતા આ પોલીસ જીપના ડ્રાઈવરે બ્રેક તો મારી પણ બ્રેકની હાલત નબળી તેથી જીપ આગળની અન્ય વીવીઆઈપી કાર ઉપર ચડી જવાના સંજોગો સર્જાયા. આ પોલીસની જીપ પાછળ જ એમ્બેસેડરકારમાં પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારી સાથે જયદેવ પણ હતો. તેણે આગળની સીટ ઉપર બેઠા બેઠા આ જીવંત દ્રશ્ય નિહાળ્યું જીપ ડ્રાઈવરે કુશળતાપૂર્વક જીપને જમણી બાજુ વાળી આગળની કારને તો બચાવી લીધી. પણ જીપ જમણી બાજુ આવેલ એક વિચિત્ર પિલુડીના ઝાડ કે જેનું થડ થોડે ઉંચે જઈ પછી આગળ ઘોડાની પીઠ જેમ બનેલું હતુ તેની ઉપર ચડી ગઈ અને પછી પાછી ધીમેથી રોડ ઉપર આડી પટકાણી તેથી સુરક્ષા જવાનો, પત્રકારો અને પ્રેસ સચિવ સહિત ના માણસો જેમ વટાણા વેરાય તેમ વેરાણા.

પરંતુ પ્રેસ સચિવના પેટ ઉપર ઓપન જીપનો ઉભો પાઈપ દબાયો. જીપમાંથી ગબડી પડેલા વિડિયો ગ્રાફરો વાગ્યાની કે ધૂળ ખંખેરવાની પરવા કર્યા સિવાય આ દ્રશ્યની વિડીયો ગ્રાફી કરવા લાગ્યા પ્રેસ સચિવ દબાયા છે તે તરફ કોઈએ ધ્યાન આપ્યું નહિ દરમ્યાન જયદેવ દોડીને ત્યાં પહોચ્યો અને જીપનો પાઈપ ઉપર ખેંચતા જીપ થોડી ઉંચી થતા પ્રેસ સચિવ બહાર નીકળ્યા પણ પેટ ખૂબ દબાયું હોય બોલી શકતા ન હતા. પોલીસ વડા એ જયદેવને આ ઈજાગ્રસ્ત પ્રેસ સચિવને પોતાની એમ્બેસેડરમાં સુરેન્દ્રનગર સારવારમાં લઈ જવા કહ્યું. જયદેવ પ્રેસ સચિવને લઈ હોસ્પિટલ જવા રવાના થયો.

પ્રેસ સચિવને કારમાં પાછળની સીટમાં સુવાડેલા હતા દસેક મીનીટ થઈ હશે ત્યાં તેમણે હિન્દીમાં જયદેવને પૂછયું હતુ કેટલું દૂર છે? તેમને પેટમાં અતિશય દર્દ હશે અને કદાચ આવો અનુભવ જીંદગીમાં પ્રથમ વખત હશે તેથી તેમને પેટમાં લીવર બરોળ કે આંતરડા વિગેરે ફાટી ગયાનો ભય અને સાથે મૃત્યુનો પણ ભય હતો.

મૃત્યુ અમીર અને ગરીબ સર્વ માટે સમાન અને સનાતન સત્ય છે. મૃત્યુનો આભાસ અનુભવ જયદેવને ખુદને પણ થયેલો હતો. જુઓ પ્રકરણ ૧૯ ‘મૃત્યુ સાથે મુલાકાત’ જો મૃત્યુ પહેલા વ્યકિત સભાન અવસ્થામાં હોય તો તે દુનિયાના તમામ હોદાઓ , શિરપાવો, માનમરતબો, અને દુનિયાદારીના સમાજે ઉભા કરેલા નિયમો પડતા મૂકીને એક નિદોર્ષ વ્યકિત બની જાય છે. તે સમયે તે જે વિચારે છે તે બાળક જેવું અને સંપૂર્ણ સત્ય જ ભેદભાવ પૂર્વગ્રહ સિવાયનું બોલે છે. તેમાં હોદાનો કે બીજો કોઈ દંભ હોતો નથી. જો તેવા સમયે આવી વ્યકિતનો કોઈ અંગત પરિચિત વ્યકિત મળે તો પોતાની જીંદગી દરમ્યાનની તમામ કરેલ ભૂલો, રાખેલ ભેદભાવ, કરેલ અન્યાય પક્ષપાત અંગે પણ જણાવી દે છે. અને પોતાની ઈચ્છા પણ જણાવી દે છે.

જયદેવે કહ્યું બસ ફકત પાંચ દસ મીનીટ જ થશે. આ કટોકટીના સમયે વ્યકિતને દવાખાનું જ સ્વર્ગ જન્નત કે મંદિર મસ્જીદ હોય છે. દવાખાનું આવી જાય ડોકટર સારવાર ચાલુ કરી દે એટલે તેને સ્વર્ગ મળ્યાનો આનંદ થાય છે. પ્રેસ સચિવે ડોકટરને પૂછયું કે ‘હું બચી જઈશને?’ડોકટરે કહ્યું કોઈ પ્રશ્ર્ન જ નથી છતા તપાસી લઊ તેમ કહી ડોકટરે શારીરીક તપાસણી શરુ કરી પેટનો એક્ષરે કાઢીને જોઈને કહ્યું કોઈ જ તકલીફ નથી સંપૂર્ણ ભય મૂકત પરંતુ આરામ કરો.

જયારે વ્યકિત મૃત્યુથી ભય મુકત થાય એટલે દુનિયાદારીના તમામ રંગરુપ, હોદો, માભો લાગણીઓ ગમા અણગમા વિગેરે ધીમે ધીમે વ્યકિત ઉપર સવાર થાય છે. સચિવે જયદેવ ને કહ્યું મારે દિલ્હી ઘેર વાત કરવી છે. વ્યકિતમાં પ્રથમ મહત્વ પોતાના જીવનુ હોય છે.પછીના ક્રમે ઘર એટલે કે કુટુંબ કબીલો હોય છે.તેથી તેને યાદ કરે. જયદેવે સચિવ ને સીવીલ સર્જનની ચેમ્બરમાં લઈ જઈ એસ.ટી.ડી.થી દિલ્હી વાત કરાવી તેમણે પોતાના જ ઘેર તેમના ‘નવજીવન’ અંગેના સમાચાર આપ્યા. આપ્રેસ સચિવ તે વડાપ્રધાન રાજીવ ગાંધીના ખાસ વ્યકિત ગણીશંકર ઐયર (હાલના પ્રખર રાજકારણી) હતા થોડીવારમાં જ તેઓ સુરેન્દ્રનગરથી રાજકોટ થઈ પ્લેનમાં વડાપ્રધાન સાથે દિલ્હી ચાલ્યા ગયા.

પોલીસ વડા સામાન્ય રીતે જયદેવને પોતાની ચેમ્બરમાં બોલાવતા નહિ ફકત ફાઈલો મંગાવી લેતા પરંતુ આ બનાવ પછી બીજે દિવસે પોલીસવડા એ જયદેવને ચેમ્બરમાં બોલાવ્યો જયદેવને નવાઈ લાગી. તે ચેમ્બરમાં જતા જ પોલીસ વડાએ જયદેવને કહ્યું ‘બાબા તુમ્હારે લીયે દિલ્હી સે પ્રેસ સચિવ મણીશંકર ઐયરના ફોન આયા થા આપ કો બૌત બોત થેંકયુ બોલા હૈ’ બાબા તુમ્હારી પહેચાન તો બૌત બડી હો ગઈ હૈ. થોડા હમારા ભી ખ્યાલ રખના. સચિવ સાહેબને બોલા હૈ કી આપ ઉનકો દિલ્હી આકે જરુર મીલે.’ જયદેવે કહ્યું એમ? ખરેખર? પરંતુ તે પછી જયદેવે કયારેય મણીશંકર ઐયરનો સંપર્ક કર્યો. નહિ કે મળ્યો પણ નથી!

ત્યારબાદ આઠ દસ મહિનામાં જ જયદેવની બદલી સુરેન્દ્રનગર જિલ્લામાંથી સી.આઈ.ડી. ક્રાઈમ એન્ડ રેલવેઝમાં રેલવે પોલીસમાં થઈ. સાધુ ચાલતા ભલા, તેમ પોલીસ પણ ફરતી જ ભલી! જાહેરહિતમાં જ સ્તો !

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.