ડુમીયાણી પાસે ટ્રક સાથે પરપ્રાંતિય ધાડ પાડતી ગેંગને ઝડપી લેતી એલ.સી.બી.

ગુજરાતનાં હાઈવે પણ સલામત નથી રહ્યા !!!

જન્માષ્ટમી તહેવાર પૂર્વે બનાવને અંજામ આપે તે પૂર્વે રાજસ્થાન અને હરિયાણાના ૧૫ શખ્સોની ધરપકડ

છરી, દાંતરડા અને લોખંડના પાઈપ, ટ્રક અને મોબાઈલ મળી રૂા.૪૫ લાખનો મુદામાલ કબ્જે

કોરોનાની મહામારીમાં ધંધા રોજગાર ઠપ્પ થતા બેરોજગારી વધતા સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવાર પુર્વે ધાડ પાડવા આવેલી પરપ્રાંતીય ગેંગને રાજકોટ એલ.સી.બાં સ્ટાફે ઉપલેટા નજીકથી ઝડપીલીધી છે. રાજસ્થાન અને હરિયાણાના ૧૫ શખ્સોની ધરપકડ કરી ઘાતક હથિયારો અને ત્રણ ટ્રક મળી રૂા.૪૫ લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં એક સમયે હાઈવે ને નિશાન બનાવતી ચડ્ડી બનીયાન ધારી ટોળકી ફરી સક્રિય બની હોવાનું બહાર આવ્યું છે. પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પરપ્રાંતીય ધાડપાડુ ગેંગ સક્રિય હોવાની જિલ્લા પોલીસ વડા બલરામ મીણાએ આપેલી સુચનાને પગલે એલ.સી.બી.ના પી.આઈ. એમ.એન. રાણા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે ઉપલેટા પંથકમાં ગુનાખોરી આચરવા ટોળકી ઉતરી હોવાની મળેલી બાતમીનાં આધારે સ્ટાફે ડુમીયાણી પાસે વોચ ગોઠવી હતી.

વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ટ્રકમાં લોકોની હેરાફેરી કરતા ત્રણ ટ્રકને અટકાવી પુછપરછ કરતા હરિયાણાનો અકલાખ એહમદ હકમદીનખાન, શાહદ સમસુર ખાન, જુબેર મહમદ મંગલ, મહમદ ઈકરામ મહમદ શરીદ, હાકમ ઈશહાર, કુરશીદ મંગલખાન, સલીમ બશીરખાન રાજસ્થાનનો શરલખાન સુબેદીનખાન, ઈરશાદ મહમદ અસરૂદીન, જાકસુદ, ઈન્સાર જાની, મુસ્તુફા મહમદ અસરૂદીન, અમજદ હારૂન હસન, ઈસ્લામ શેરૂ સુલન ખાન, હરિયાણા સમસાબાદ અને જાહીદ જફર ખાનની ધરપકડ કરી છે.ઝડપાયેલા શખ્સોના કબ્જામાંથી છરી અને પાઈપ જેવા ઘાતક હથીયારો મળી આવ્યા છે. પોલીસે ત્રણ ટ્રક અને મોબાઈલ મળી રૂા.૪૫ લાખનો મુદામલલ કબ્જે કર્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Loading...