Abtak Media Google News
 રાજકોટ જિલ્લામાં ગૌણ ખનિજની લિઝ માટે આવેલી ૧૮૫ અરજી કલેક્ટર ડો. વિક્રાંત પાંડેએ એક ઝાટકે નામંજૂર કરી નાખી છે. ગુજરાત માઇનોર મિનરલ્સ કન્સેશન રૂલ્સ હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે, બીજી તરફ ચાલુ સ્થિતિની સાત લિઝ પણ રદ્દ કરી નાખવામાં આવી છે. સરકારી બાકી લેણા ભરપાઇ ન કરતા આ પગલું લેવામાં આવ્યું છે.
કલેક્ટર ડો. પાંડેએ જણાવ્યું હતું કે ગુજરાત ગૌણ ખનિજ નિયમો હેઠળ નવી આવેલી અરજીઓને અપરિપક્વ ગણી રદ્દ કરવામાં આવી છે. હવે, આ બ્લોક જાહેર હરરાજીથી આપવામાં આવશે.
ગોંડલ અને જેતપુરમાં રેતીના ૧૫ બ્લોકની હરરાજી માટે રાજ્ય સરકારને દરખાસ્ત કરી દેવામાં આવી છે. જ્યારે, ઉપલેટા વિસ્તારના બ્લોક માટે ટૂંક સમયમાં દરખાસ્ત કરી દેવામાં આવશે.
બાકી સરકારી લેણા ભરપાઇ ન કરવાના કારણે પણ સાત લિઝ રદ્દ કરવામાં આવી છે. જેમાં જેતપુર તાલુકાના પાંચ પીપળા, વાડસડા અને રબારિકમાં રેતી તથા કાળા પથ્થર, ઉપલેટા તાલુકાના મજેઠી (બે લિઝ) તથા ગણોદ તથા જસદણના સોમલપરમાં સાદી રેતી, કાળા પથ્થરની લિજ રદ્દ કરી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.