Abtak Media Google News

આયુર્વેદમાં સૂંઠને વિશ્વભૈષજ (વૈશ્વિક ઔષધ)ની ઉપમા આપવામાં આવી છે. આપણે ત્યાં બે બળવાનો વચ્ચે લડાઇ થાય ત્યારે કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે? તેવો પડકાર ફેંકવામાં આવે છે, પણ કોની માએ વિટામીનની ગોળીઓ ખાધી છે? તેવો પડકાર ક્યારેય ફેંકવામાં આવતો નથી. તેનું કારણ એ છે કે જે સ્ત્રી સુવાવડ બાદ સૂંઠનું સેવન કરે તેનું દૂધ પીનારું બાળક બળવાન બને છે.

ચરકસંહિતામાં લખ્યું છે કે સૂંઠ રૂચિ કરનાર, દીપન અને મૈથુનશક્તિ વધારવા માટે શ્રેષ્ઠ છે. ભાવપ્રકાશમાં લખ્યું છે કે સૂંઠ આમવાત (સાંધાના દુ:ખાવા)ને મટાડે છે. સુશ્રુતસંહિતામાં લખ્યું છે કે સૂંઠ કફ તથા વાયુને હરનાર, વીર્યને વધારનાર અને જઠરાગ્નિને પ્રદિપ્ત કરનારી છે. વૈદ્યરાજ પ્રભાશંકર બાપાના કહેવા મુજબ સૂંઠ, ગળો, આમળાં અને હરડે એ આયુર્વેદનાં ચાર અમૃતો છે.

અમદાવાદની પ્રસિદ્ધ આયુર્વેદિક સંજીવની હોસ્પિટલના વૈદ્યરાજ દેવેન્દ્ર ગોવિંદપ્રસાદ દ્વિવેદીએ સૂંઠ-વિશ્વભૈષજ નામની પુસ્તિકા લખી છે, જેમાં ૬૪ પ્રકારના રોગોમાં સૂંઠનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? તેના અનુભવસિદ્ધ પ્રયોગો વર્ણવવામાં આવ્યા છે. તેમાંથી કેટલાક હઠીલા રોગો પરના ચૂંટેલા પ્રયોગોનો સમાવેશ આ લેખમાં કરવામાં આવ્યો છે. આ લેખ વાંચ્યા પછી કોઇ પણ પ્રયોગ કરવાનું મન થાય તો પણ તે નિષ્ણાત વૈદ્યરાજના માર્ગદર્શન હેઠળ જ કરવાની ખાસ ભલામણ છે.

(૧) કસ્તુરભાઇ લાલભાઇ શેઠના કોઇ સંબંધીને ગ્રિવાસ્તંભ (ફ્રોજન શોલ્ડર) નામનો રોગ થયો હતો. તેમણે જર્મનીના કોઇ સર્જ્યન પાસે ઓપરેશન કરાવવાનું નક્કી કર્યું હતું, પણ બે મહિના પછીની તારીખ મળી હતી. દરમિયાન તેઓ રાજવૈદ્ય રસિકલાલ પરીખ પાસે સારવાર માટે આવ્યા. રાજવૈદ્યે તેમને બંને નસકોરાંમાં નલિકા વાટે સૂંઠનાં વસ્ત્રગાળ ચૂર્ણનું નસ્ય આપ્યું. તેઓ બેભાન જેવા થઇ ગયા. અડધો કલાકે તેમને કળ વળી ત્યારે તેમનો ફ્રોજન શોલ્ડર સાજો થઇ ગયો હતો.

(૨) સૂંઠનાં વસ્ત્રગાળ ચૂર્ણને બંને નસકોરાં વડે વારાફરતી છીંકણીની જેમ સૂંઘવાથી માયગ્રેન, ફ્રોજન શોલ્ડર, સ્પોન્ડિલાઇટિસ, સાયનસ, કમરનો દુ:ખાવો, શિરદર્દ, કરોડરજ્જુનું જકડાઇ જવું વગેરે રોગોમાં ચમત્કારિક પરિણામો જોવા મળે છે. એક અમેરિકન મહિલા જૈન પુરૂષને પરણી હતી. તેને ૧૭ વર્ષથી સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનું દર્દ હતું. તે સૂંઠનાં નસ્ય માટે તૈયાર નહોતી, માટે વૈદ્યરાજે તેને સૂંઠનો પાવડર છીંકણીની જેમ સૂંઘવાનું કહ્યું. ૨૧ દિવસમાં તેમનું દર્દ ગાયબ થઇ ગયું.

(૩) અમદાવાદની મિલમાં નોકરી કરતાં ભીમજીભાઇ પ્રજાપતિને ભરયુવાનીમાં છાતીમાં ચિક્કાર કફ ભરાઇ ગયો હતો. ડોક્ટરે ટી.બી.નું નિદાન કર્યું હતું. રાજવૈદ્ય રસિકલાલ પરીખે તેને તપાસીને કહ્યું કે, તને ટી.બી. નહીં પણ આમવાત થયો છે; ઉપવાસ કરો અને સૂંઠના ફાકડા મારો. ભીમજીભાઇનો આમવાત સૂંઠથી દૂર થયો. આજે ૮૭ વર્ષની ઉંમરે પણ તેઓ તંદુરસ્ત છે.

(૪) બસમાં, વિમાનમાં કે બોટમાં મુસાફરી કરતી વખતે જે ચક્કર આવે છે, તે (મોશન સિકનેસ) નાં નિવારણ માટે સૂંઠ અને ગોળની ગોળી ખાવાથી ફાયદો થાય છે. અમેરિકાના એક પ્રયોગમાં સૂંઠની કેપ્સ્યુલ ખવડાવીને વિદ્યાર્થીઓને ખુરસીમાં ગોળ ગોળ ફરવવામાં આવ્યા તો પણ તેમને ચક્કર આવ્યા નહોતા. આજે પણ અમેરિકાની અને કેનેડાની દરેક ફુડશોપમાં જિંજર કેપ્સ્યુલ વેચાય છે.

(૫) દેવોના વૈદ્યરાજ અશ્વિનીકુમારે સર્વપ્રથમ બૃહદ્ સૌભાગ્ય સૂંઠીપાક બનાવ્યો હતો. આ પાકનું સેવન કરવાથી સ્ત્રીઓના તમામ રોગો દૂર થાય છે. આ પાકથી વંધ્યત્વનું નિવારણ થાય છે. સુવાવડી સ્ત્રી આ પાકનું સેવન કરે તો તેથી આમવાતનું શમન થાય છે, પ્રસૂતિ પછી ગર્ભાશયનો દુ:ખાવો મટે છે, ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે, કમરના દુ:ખાવામાં રાહત થાય છે, ધાવણના દોષો દૂર થાય છે. આ કારણે જ સુવાવડ પછી સવા શેર સૂંઠ ખાવાની વિધિ બતાડાઇ છે.

(૬) તાકાત અને શક્તિવર્ધક ટોનિક તરીકે સૂંઠ, ગોળ અને ઘીની ગોળીનો ઉપયોગ બહુ જ ફાયદાકારક પુરવાર થયો છે. સૂંઠનું ચૂર્ણ, ગોળનો ભુક્કો અને ગાયનું શુદ્ધ ઘી મેળવીને આ ગોળી બનાવી શકાય છે. સોપારી જેવડી ગોળીનું સેવન કરવાથી મંદાગ્નિ, અરૂચિ, થાક લાગવો, દુર્બળતા, સાંધાના દુ:ખાવા, છાતીમાં શૂળ, રક્ત અલ્પતા, કફ વગેરે રોગોમાં જાદુઇ ફાયદો થાય છે.

(૭) બાલ બોધોદય નામના ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે અતિસાર (ઝાડાના) રોગમાં સૂંઠથી ચડિયાતું કોઇ ઔષધ નથી. સૂંઠ દીપન અને પાચન છે, તેથી તે જઠારાગ્નિને પ્રદિપ્ત કરે છે તેમ જ આમને પણ પકાવે છે. તે ઉપરાંત સૂંઠ ગ્રાહી પણ છે, માટે તે પાતળા મળને ઘટ્ટ બનાવે છે. મળ ઘટ્ટ બને છે એટલે ઝાડા કાચાને કાચા નીકળી શકતા નથી. સૂંઠ સ્નિગ્ધ હોવાથી પાકેલા ઝાડાને ભાંગી નાખે છે, જેને કારણે અટકી રહેલો મળ બહાર નીકળે છે. ઝાડા થયા હોય તો સૂંઠ પાણી સાથે ફાકવી જોઇએ.

(૮) સંધિવા તેમ જ કમરના દુ:ખાવામાં સૂંઠનો આ પ્રયોગ કામિયાબ થયો છે. બે ગ્રામ સૂંઠનું ચૂર્ણ ગાયના દૂધમાં મેળવીને પીવું અથવા બે તોલા સૂંઠને દોઢ રતલ પાણીમાં ઉકાળીને પીવું. દુ:ખાવો જ્યાં હોય ત્યાં સૂંઠનું પ્લાસ્ટર બનાવીને પણ લગાડી શકાય. બે તોલા સૂંઠનું ચૂર્ણ લઇને તેમાં તેટલું પાણી નાખી, ગરમ કરીને મલમ કપડાં પર ચોપડીને સાંધાના દુ:ખાવા પર તેનો પાટો બાંધવો.

(૯) વધરાવળ કે હર્નિયાના રોગમાં સૂંઠનો પ્રયોગ લાભકારક બને છે. આ પ્રયોગમાં એક કપ ગાયના દૂધમાં એક કપ પાણી ઉમેરવું. પછી તેમાં સૂંઠનો પાવડર તથા ખડી સાકરનો પાવડર એક-એક ચમચી નાખીને ધીમા તાપે ઉકાળવું. પાણીનો ભાગ બળી જાય ત્યારે તેમાં દિવેલ બે ચમચી નાખીને પીવું જોઇએ. આ પ્રયોગ રાતે સૂતા પહેલાં કે સવારે નરણા કોઠે કરવો જોઇએ. નવા રોગમાં માત્ર એક સપ્તાહમાં આરામ થાય છે. જૂનો રોગ હોય તો ૩-૪ અઠવાડિયા પ્રયોગ કરવો જોઇએ.

(૧૦) જ્ઞાનભૈષજ્યમંજરી નામના ગ્રંથમાં લખવામાં આવ્યું છે કે, કોઠું તથા સૂંઠનું ચૂર્ણ છાસ સાથે લેવાથી સંગ્રહણીનો રોગ દૂર થાય છે. કોઠાનું તથા સૂંઠનું ચૂર્ણ પાંચ-પાંચ ગ્રામ લેવું. એક ગ્લાસ છાસમાં હલાવીને પીવું. દિવસમાં બેથી ત્રણ વખત લેવાથી સંગ્રહણીમાં રાહત થાય છે.

આ ઉપરાંત સૂંઠના વિવિધ પ્રયોગોથી તાવ, શરદી, ખાંસી, વાયુના રોગો, હૃદયરોગ, અજીર્ણ, કબજિયાત, બાળકોના રોગો, કૃમિ રોગ, અમ્લપિત્ત, કોલેરા વગેરે રોગો પણ દૂર થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.