Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય કપાસના વધુ ભાવ પણ કારણભૂત

ભારત દેશ દ્વારા જે કપાસની નિકાસ કરવામાં આવે છે તે દશ વર્ષના તળીએ પહોંચ્યો છે જેનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કપાસના ભાવમાં વધારો હોવાનું પણ માનવામાં આવે છે. સાથો સાથ તેનું ઉત્પાદન પણ નિમ્ન હોવાના કારણે આ પરિસ્થિતિનો સામનો ભારત દેશ દ્વારા કરવામાં આવી રહ્યો છે. વાત કરીએ તો ભારત દેશના ગુજરાત રાજયમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ થતું જોવા મળે છે. તેમ છતાં નિકાસમાં ઘટાડો હોવાના કારણે ભારતને અનેકવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

કોટન એસોસીએશન ઓફ ઈન્ડિયાની ધારણા અનુસાર ભારત દેશ કપાસમાં ૪૭ લાખ ગાસડીઓનો નિકાસ કર્યો છે કે જે ૨૦૦૯-૧૦ની સરખામણીમાં ખુબજ ઓછો માનવામાં આવે છે. ૩૫ લાખ ગાસડીઓનો ડિફરન્સ જોવા મળી રહ્યો છે જે ખુબજ ગંભીર બાબત કહી શકાય. સુત્રોના જણાવ્યાનુસાર કપાસના નિકાસ માટે જો કાંઈ કારણભૂત હોય તો ભારતીય કપાસના ઉંચા ભાવો અને ૨૦૧૯માં કપાસનું ઉત્પાદન પણ ઓછુ માનવામાં આવી રહ્યું છે.

કોટન એસો. ઓફ ઈન્ડિયાના પ્રેસીડેન્ટ અતુલ ગણાત્રાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શંકર-૬ કે જે કપાસની એક વેરાયટી છે તે એપ્રીલ માસમાં પ્રતિ ૩૫૬ કિલો કેન્ડીનો ભાવ ૪૭૦૦૦ રાખવામાં આવ્યો હતો કે જે પાંચ હજાર પ્રતિ કેન્ડી વધુ હોવાનું પણ માનવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય બાયર માટે ભારતીય કપાસના ભાવ ખૂબજ વધુ હોવાનું માનવામાં આવે છે.

શંકર-૬ કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં ૯૦ થી ૯૨ પર પાઉન્ડ હોવાની પણ વાત સામે આવી હતી. જયારે યુએસનો કપાસ માત્ર ૮૮ થી ૮૯ સેન્ટમાં મળી જતુ હોય છે. ડિસેમ્બર ૨૦૧૮ પહેલા ભારતીય કપાસના નિકાસનું પ્રમાણ ખૂબજ સા‚ રહ્યું હતું. જયારે શંકર-૬ કપાસ ૭૦ થી ૭૧ સેન્ટ નિકાસ બજારમાં રહેવા પામ્યું હતું તેમ અમદાવાદના નિકાસકારે જણાવ્યું હતું.

વધુમાં તેમના જણાવ્યાનુસાર ડિસેમ્બર ૨૦૧૮ બાદ નિકાસમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે, ભારતીય કપાસના ભાવોમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળ્યો હતો. જયારે અન્ય દેશોની સરખામણીમાં ભારતનો કપાસ ભાવમાં પણ નિમ્ન અને ગુણવત્તામાં ઉચ્ચ હોવાનું પણ મનાઈ રહ્યું છે.

ત્યારે જો ભારત દેશ પોતાના કપાસના ભાવ પર નિયંત્રણ નહીં રાખે તો આવનારા સમયમાં દેશને જે નિકાસમાં ફટકો પડી રહ્યો છે તેમાંથી કઈ રીતે ઉગારી શકાશે તે પણ એક મોટો પ્રશ્ર્નાર્થ છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, ભારત દેશ કોટનના એટલે કે કપાસના ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરી શકે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેનું વેંચાણ કઈ રીતે વધુને વધુ મજબૂત કરી શકે, કારણ કે ભારતનો કપાસ અન્ય દેશોની સરખામણીમાં ખુબજ ગુણવત્તાસભર સાબીત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.