Abtak Media Google News

સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવાથી રાજકોટ મહાનગરપાલિકાને કરોડો રૂપિયાની બચત થતા અન્ય વિકાસ કાર્યોને વેગ મળી શકે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા જાગૃત કરવા માટે હાલ સમગ્ર શહેરમાં જબરદસ્ત જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાં શહેરના તમામ વોર્ડમાં મહાનગરપાલિકા દ્વારા ૧૧૦૦ થી વધુ કર્મચારીઓને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે અને તેઓ ઘેર ઘેર જઈને લોકોને સમજાવી રહ્યા છે. મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાનીએ સુકો અને ભીનો કચરો જુદો જુદો રાખવાથી રાજકોટ શહેરને અને મહાનગરપાલિકાને થઇ રહેલા ફાયદાઓ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. દરમ્યાન આજરોજ મ્યુનિ. કમિશ્નરએ શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત લઇ ટીપર વાન દ્વારા થઇ રહેલી કચરા એકત્રીકરણની કામગીરી નિહાળી હતી. તેમજ ટીપર વાનમાં કચરો ઠાલવવા આવતા લોકોને પણ સુકો અને ભીનો કચરો અલગ અલગ જ આપવા સમજાવ્યા હતા.

મ્યુનિ. કમિશ્નર શ્રી બંછાનિધિ પાનીએ એમ જણાવ્યું હતું કે, અગાઉ જાણકારીના અભાવે લોકો પોતપોતાના ઘરમાં એક જ કચરા ટોપલીમાં સુકો અને ભીનો કચરો રાખતા હતાં, જેના પરિણામે પ્રદૂષણ અને ચેપ જેવી સમસ્યા થતી હતી. ઉપરાંત કચરાના નિકાલની જવાબદારી સંભાળતી મહાનગરપાલિકાને આ કચરાના નિકાલ માટે ખુબ મોટી કવાયત કરવી પડતી હતી. જે તે વિસ્તારમાંથી એકત્ર થતા કચરાનો યોગ્ય સ્થળે નિકાલ કરવા માટે એક મોટું ઓપરેશન હાથ ધરવાની તંત્રને ફરજ પડતી હતી. જોકે સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખવો એ માત્ર નાગરિકોને જ નહી પરંતુ રાજકોટ મહાનગરપાલિકા અને સમગ્ર શહેરના હિતમાં છે.

Img 20181122 Wa0007મ્યુનિ.કમિશ્નરે વધુમાં કહ્યું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકઠો કરવામાં આવતા કચરાના નિકાલની પ્રક્રિયામાં કરોડો રૂપિયાની માતબર રકમ ખર્ચવામાં આવે છે. જો નાગરિકો સુકો અને ભીનો કચરો અલગ અલગ રાખે તો તેનો નિકાલ કરવામાં મહાનગરપાલિકાને આશરે ૩૦ ટકા જેવી રકમની બચત થઇ શકે છે. આ રકમમાંથી શહેરમાં આવશ્યક એવા અન્ય વિવિધ વિકાસ કાર્યો હાથ ધરી શકાય અને લોકોને વધુ ને વધુ સુવિધાઓ પ્રાપ્ત થાય.

કમિશ્નર બંછાનિધિ પાનીએ વિશેષમાં ઉમેર્યું હતું કે, સુકા અને ભીના કચરાના નિકાલ અને પ્રોસેસિંગ માટેની ટેકનોલોજી અલગ અલગ છે. સુકો અને ભીનો કચરો એકસાથે ભેગો જ હોય તો તેના પ્રોસેસિંગમાં મુશ્કેલી પડે, પરંતુ બંને કચરા જુદા જુદા હોય તો અલગ અલગ ટેકનોલોજીની મદદથી તેનું સરળ પ્રોસેસિંગ થઇ શકે છે. રાજકોટ મહાનગરપાલિકાએ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે જ મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટર (એમ.આર.એફ. સેન્ટર) કાર્યરત્ત કરેલા છે. જ્યાંથી કાગળ, પુઠ્ઠા, પ્લાસ્ટિક, કાચ, લોખંડ વગેરે જેવો કચરો વેંચવામાં આવે છે અને પ્રતિ ટન રૂ.૧૫૦૦ જેવી આવક પણ થઇ રહી છે. આવા બે મટીરિયલ રિકવરી ફેસીલીટી સેન્ટર રૈયા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન ખાતે અને ૮૦ ફૂટ રોડ પાસે કે.એસ.ડીઝલ નજીક ચલાવવામાં અઆવી રહયા છે.

આ એવો કસુકો કચરો છે જેને રીસાઈકલ કરીને પૂન: ઉપયોગમાં લઇ શકાય છે. કાગળ બનાવવા માટે વ્રુક્ષો કાપવાની જરૂર નથી રહેતી અને આ પ્રકારે પર્યાવરણની પણ કાળજી લઇ શકાય છે. એવી જ રીતે પ્લાસ્ટિક, લોખંડ અને કાચનું પણ પૂન: ઉત્પાદન સંભવ બને છે જેથી મૂળભૂત રિસોર્સની બચત થાય છે. જ્યારે ભીના કચરામાંથી ખાતર બનાવી શકાય છે. રાજકોટ મહાનગરપાલિકાએ વેસ્ટ ટુ કમ્પોસ્ટ એટલે કે, ભીના કચરામાંથી ખાતર બનાવવાના પાંચ પાંચ ટન ક્ષમતાના ત્રણ પ્લાન્ટ કાર્યરત્ત કરેલા છે જે રૈયાધાર ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન, ભાવનગર રોડ અને જ્યુબિલી ગાર્ડન ખાતે ચલાવવામાં આવી રહયા છે; જ્યાં ભીના કચરામાંથી ખાતર બનાવવામાં આવે છે.

Img 20181122 Wa0009

મ્યુનિ.કમિશ્નર વધુમાં કહે છે કે, અગાઉ મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી એકત્ર કરવામાં આવતા તમામ કચરાનો નિકાલ છેક નાકરાવાડી ખાતેની સાઈટમાં કરવામાં આવી રહયો હતો, પરંતુ જ્યારથી સુકો અને ભીનો કચરો અલગ અલગ થવા માંડ્યો છે ત્યારથી ઘણો કચરો શહેરના ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનનાં એમ.આર.એફ. સેન્ટર અને વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ ખાતેથી જ થવા લાગ્યો છે. જેના પરિણામ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકાને થતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં પણ બચત થવા લાગી છે.

કમિશ્નર એમ પણ કહ્યું હતું કે, રાજકોટ શહેરને સાફ્સુથરૂ અને સુંદર રાખવા મહાનગરપાલિકા અને નાગરિકો સંયુક્તપણે જવાબદારી નિભાવે તે હવેના સમયની પ્રબળ માંગ છે. એક હાથે તાળી નથી પડતી એમ સ્વચ્છતાની બાબતમાં સૌ કોઈએ પણ જાગૃત રહેવાની આવશ્યકતા છે. લોકો તંત્રને સહયોગ પ્રદાન કરે તેવી સૌને અમારી અપીલ છે.

Img 20181122 Wa0008

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.