દુબઈનું ‘ઈમાર ગ્રુપ’ ખેતી અને ખેતસંલગ્ન વ્યાપારમાં રૂ.૫૦ હજાર કરોડનું રોકાણ કરશે

151

કંપની કચ્છ અને ઓરંગાબાદમાં ફુડ પાર્ક ઉભા કરશે: પિયુષ ગોયલ

ભારત દેશ વિશ્વનાં અનેક દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રાખી વ્યાપાર સંધી કરી રહ્યું છે જેથી વિદેશી રોકડ ભારત દેશમાં આવતા દેશની આર્થિક સ્થિતિમાં સુધારો લાવવા કેન્દ્ર સરકાર તનતોડ મહેનત કરી રહી છે ત્યારે યુએઈનું અને દુબઈ સ્થિત ઈમાર ગ્રુપ દેશમાં આશરે રૂ.૫૦,૦૦૦ કરોડનું રોકાણ ખેતી અને ખેતસંલગ્ન વ્યાપારમાં કરશે જેમાં કંપની દ્વારા રાજયનાં કચ્છમાં ફુડ પાર્ક અને મહારાષ્ટ્રનાં ઓરંગાબાદમાં પણ ફુડ પાર્ક ઉભા કરશે. ઈમાર ગ્રુપ દુબઈનું સૌથી મોટું ગ્રુપ હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે તેઓ દેશમાં કોન્ટ્રાકટ ફાર્મીંગ, એગ્રો, કોમોડીટીઝ અને તેને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રકચરોને વિકસિત કરવા માટે દેશમાં રોકાણ કરશે. દુબઈ સ્થિત રૂ.૩૫૦૦૦ કરોડ મેગા ફુડ પાર્ક અને તેને સંલગ્ન સુવિધાઓમાં રોકાણ કરશે. જયારે રૂ.૧૪,૦૦૦ કરોડ રૂપિયા કોન્ટ્રાકટ ફાર્મીંગ, એગ્રો કોમોડીટી અને તેને સંલગ્ન ઈન્ફ્રાસ્ટ્રકચરમાં રોકાણ કરશે તેવું વાણિજય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું.

સાથોસાથ ઈમાર ગ્રુપ ભારતની કેન્દ્ર સરકાર સાથે યુએઈમાં ફુડ સિકયોરીટીને લઈ અનેકવિધ કરારો કરે તેવી સંભાવના સેવવામાં આવી રહી છે. આ અંગેની તમામ વિગતો આવનારા સમયમાં જાહેર કરાશે તેમ વાણિજય મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હતું. કંપનીનાં અધિકૃત સુત્રોનાં જણાવ્યા અનુસાર ફુડ કોરીડોર પ્રોજેકટનો વિચાર ત્યારે આવ્યો જયારે દક્ષિણ ભારત સાથે અબુધાબીની ઓઈલ કંપની એડ નોક પેટ્રોલીયમ રીઝર્વ માટેનાં કરારો કર્યા હતા જેથી યુએઈની ખેતી અને ખેતસંલગ્ન ચીજવસ્તુઓનું રીઝર્વ ભારતમાં રહે તે દિશામાં આ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. યુએઈ અને ઈમાર ગ્રુપ દ્વારા રૂ.૩૫,૦૦૦ કરોડનું રોકાણ ફુડ પાર્ક, લોજીસ્ટીક અને વેર હાઉસ હબ, ફ્રુટ, ફળ અને શાકભાજીનાં હબ સહિત અનેકવિધ દેશનાં રાજયોમાં રોકાણ કરવા માટે તૈયારી દાખવી છે અને આ કરારથી અંદાજે ૨ લાખ જેટલી રોજગારીની તકો પણ ઉભી થશે તેમ વાણિજય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું.

નકકી કરેલા પ્રોજેકટ હેઠળ મેગા ફુડ પાર્ક ગુજરાતનાં કચ્છ વિસ્તારમાં અને મહારાષ્ટ્રનાં ઓરંગાબાદમાં સ્થાપિત કરાશે જેમાં એમ.પી.નાં પવાર ખેડામાં  ફુડ પાર્ક જયારે લોજીસ્ટીક અને વેર હાઉસ એમપીનાં ઈતાર્સી ગામમાં સ્થાપિત કરાશે. જયારે નાસિકમાં ફ્રુટ અને વેજીટેબલનાં હબ ઉભા કરવામાં આવશે અને મહારાષ્ટ્રનાં ભીવન્ડી ખાતે સમગ્ર વેર હાઉસની સુવિધા ઉભી કરાશે. રીપોર્ટનાં આધારે દેશ તેના ૧૩૦ કરોડ લોકો માટે ફુડનું ઉત્પાદન કરતું હોય છે જેનાં ૩૦ ટકા જેટલી ખાદ્યસામગ્રી અને ખાદ્ય ચીજ-વસ્તુઓ ઈન્ફ્રાસ્ટ્રકચર અને યોગ્ય સુવિધાનાં અભાવે નષ્ટ થઈ જતા હોય છે ત્યારે દુબઈ સ્થિત ઈમાર ગ્રુપ સાથે કરવામાં આવેલા કરાર અનેકવિધ રીતે દેશને લાભ કરતું બની રહેશે.

Loading...