Abtak Media Google News

રોડ સેફટી કમીટીની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજાયેલી રાજકોટ શહેર રોડ સેફટી કમીટીની બેઠકમાં ૩૧મી ઓકટોબર પછી હેલ્મેટ વગરના વાહનચાલકો પર કડક પગલાં લેવા પોલીસ કમિશનરએ આરટીઓ તેમજ પોલીસ વિભાગને સુચિત કરાયા હતા. આ ઉપરાંત હેલમેટ વગર વાહનો વેંચતા ડિલરો સામે પણ કાયદાકિય કાર્યવાહિ કરવા સુચના અપાઇ હતી.

માધાપર ચોકડીથી માલીયાસણ તરફ જતાં રસ્તા પર લાઇટીંગ સુનીશ્ચીત કરવા તથા ટ્રાફીક સિગન્લો સ્પષ્ટ દેખાય તથા કાર્યરત રહે તે જોવા સંબંધીત અધિકારીઓને સુચીત કરાયા હતા.

આ મિટિંગમાં ઉપસ્થિત વિવિધ વિભાગના અધિકારીઓને રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યા અંગે વિવિધ સૂચનો કરાયા હતા. જેમાં સ્કૂલે આવતી વેન, વિદ્યાર્થીઓ તેમજ વાલીઓના વાહનો પાર્કિંગ માટે વ્યવસ્થા, નો પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ થતા વાહનો પર દંડનીય કાર્યવાહી, લાયસન્સ વગર વાહન ચલાવતા ૧૮ વર્ષથી નીચેના વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવા તેમજ વાહન વિક્રેતાઓએ હેલ્મેટ ફરજીયાત આપવા, જાહેર માર્ગો ઉપરના દબાણ હટાવવા સહિતની બાબતો પર કાર્યવાહિ કરવા સૂચના આપવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જણાવ્યું હતું કે ટ્રાફિક ઝુંબેશને કારણે ચાલુ માસમાં ગંભીર અકસ્માતમાં ઘટાડો થયો છે. હજુ વધુ ને વધુ સઘન ટ્રાફિક ઝુંબેશ ચલાવાશે.

આ બેઠકમાં પાલીસ, આર.ટી.ઓ, મહાનગરપાલિકા, એસ.ટી., આરોગ્ય, શિક્ષણ, હાઇવે ઓથોરીટી, માર્ગ અને મકાન સહિતના શહેર રોડ સેફટી કમીટીના સંબંધિત વિભાગના સભ્યો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.