દ્રવિડના ટેણીયાએ બેવડી ફટકારી

બાપ સે બેટા સવાયા…!!!

બે મહિનામાં સતત બે બેવડી સદી ફટકારી ક્રિકેટરસીકોના દિલ જીતી લીધા: સોશિયલ મીડિયામાં હિરો બન્યો

અનેક ક્ષેત્રોમાં પિતા કરતા પુત્રની આવડત સવાઈ નીકળે તેવા દાખલા જોવા મળે છે. આવો જ એક કિસ્સો રાહુલ દ્રવિડ સાથે બન્યો છે. જ્યાં તેના પુત્ર સમીત દ્રવિડે બે મહિનામાં સતત બે બેવડી સદી ફટકારી હોવાનું સામે આવ્યું છે.  સમીત દ્રવિડે પોતાની સ્કૂલ માલ્યા અદિતી ઈન્ટરનેશનલ તરફથી અન્ડર-૧૪ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ રમત દેખાડી હતી. તેણે ૧૪૬ બોલમાં ૩૩ ચોગ્ગા-છગ્ગા ફટકારી બેવડી સદી નોંધાવી હતી. સતત બીજા મહિને પણ તેણે બેવડી સદી નોંધાવતા ચકચાર થવા પામી છે. સમીત દ્રવિડની બેવડી સદીના કારણે તેની ટીમે ૫૦ ઓવરમાં ૩૭૭ રન નોંધાવ્યા હતા. સામેની ટીમ ૧૧૦ રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. પરિણામે સમીત દ્રવિડની ટીમનો ૨૬૭ રને વિજય થયો હતો.

વર્તમાન સમયે સમીત ૧૪ વર્ષનો છે અને ઓલ રાઉન્ડર ખેલાડી તરીકે ટીમમાં જાણીતો છે. ગત ડિસેમ્બર મહિનામાં સમીતે ૨૦૧ રન બનાવ્યા હતા. ઈન્ટરઝોનલ ટૂર્નામેન્ટ દરમિયાન તેણે ધુંઆધાર બેટીંગ કરી હતી તે મેચમાં ૨૫૭ દડામાં બેવડી સદી ફટકારી હતી. નોંધનીય છે કે, બીજી બેવડી ફટકાર્યા બાદ દ્વિતીય ઈનીંગમાં પણ સમીતે ૯૪ રન કર્યા હતા. તે વાઈસ પ્રેસીડેન્ટ ઈલેવનનો કેપ્ટન છે અને સતત સારા પ્રદર્શનના કારણે ક્રિકેટરસીકોમાં ચર્ચાવા લાગ્યો છે. સોશ્યલ મીડિયા પર તેના ભરપેટ વખાણ થઈ રહ્યાં છે.

Loading...