Abtak Media Google News

વોર્ડ નં.૧૩ની હાલત અતિખરાબ: મંદિરે જવા માટે પણ લોકોએ ડ્રેનેજનાં પાણી ખુંદીને જવુ પડે છે: સેલરનાં પાણી રાજમાર્ગો પર છોડાતા સ્થિતિ વણસી

ગત શનિવારે શહેરમાં પડેલા અનરાધાર ૧૫ ઈંચ વરસાદને ૪૮ કલાક વિતી ગયા છતાં શહેરીજનોની હાલાકી ઓછી થવાનું નામ લેતી નથી. સેલરોમાંથી છોડાતા પાણીનાં કારણે રોડ પર હજી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી રહી છે તો બીજી તરફ હજી શહેરનાં અનેક વિસ્તારોમાં ડ્રેનેજની લાઈન ચોકઅપ હોવાનાં કારણે લોકોએ શ્રાવણ માસમાં મંદિર જવા માટે પણ ડ્રેનેજનાં ગંધાતા અને ગોબરા પાણીમાંથી પસાર થઈને જવું પડે છે.

વોર્ડ નં.૧૩નાં કોંગી કોર્પોરેટર જાગૃતિબેન ડાંગર અને કોંગ્રી અગ્રણી પ્રભાતભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, બે દિવસથી વરસાદે વિરામ લીધો છે છતાં વોર્ડ નં.૧૩માં મોટાભાગનાં વિસ્તારોમાં ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ હોવાનાં કારણે ડ્રેનેજનાં પાણી રોડ પર વહી રહ્યા છે. અમુક ઘરોમાં તો સંડાસ બાથ‚મમાં ડ્રેનેજનાં પાણી પાછા ફરતાં લોકો ખુબ જ હેરાનગતિ ભોગવી રહ્યા છે જો સ્થિતિ તાત્કાલિક સુધરશે નહીં તો રોગચાળો ફાટી નિકળવાની પણ દહેશત છે. હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે ત્યારે લોકોએ મંદિરે જવા માટે પણ ડ્રેનેજનાં પાણીને ખુંદીને જવું પડે છે. ગટરનું પાણી રોડ ઉપર નદીની માફક વહી રહ્યું છે. આ દુર્ગંધયુકત મારતા પાણીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે છતાં તંત્રનાં પેટનું પાણી હલતું નથી. સમસ્યા તાત્કાલિક હલ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીને પણ રજુઆત કરવામાં આવી છે.

વોર્ડ નં.૧૦નાં કોંગી કોર્પોરેટર અને વિરોધ પક્ષનાં ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે, વોર્ડ નં.૧૦ કે જે મેયરનો મત વિસ્તાર છે ત્યાં ગુંજનપાર્ક મેઈન રોડ, તોરલ પાર્ક મેઈન રોડ, મહિલા આઈટીઆઈ રોડ વગેરે સ્થળો પર ડ્રેનેજ ઉભરાઈ રહી છે. સાથો સાથ મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે જે લોકો માટે ખુબ જ ધાતક છે. મોલ્સ, હાઈરાઈઝ બિલ્ડીંગનાં સેલર અને બેઝમેટનાં પાણી રસ્તાઓ ઉપર ઠાલવવામાં આવે છે જેનાં કારણે વગર વરસાદે રોડ પર પાણીની નદીઓ વહી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.