Abtak Media Google News

મોરબી ખાતે વર્ષો સુધી આંખના તજજ્ઞ તરીકે સેવા આપીને નિવૃત તબીબ ડો. કાતરીયા હાલ નર્મદા તટે આશ્રમમાં સાધુમય જીવન વિતાવે છે

દર વર્ષની ૧ જુલાઇનો દિવસ ડોકટર ડે તરીકે મનાવાય છે, પણ છેલ્લા ત્રણ મહિનાથી ભારતને કોરોનાની મહામારીએ ભરડો લીધો છે ત્યારથી સોશિયલ મીડિયામાં સરસ મેસેજ ફરે છે. આ મેસેજ એવો છે- વર્તમાન સમયમાં મંદિરો એટલે બંધ છે, કારણ કે ભગવાન પીપીઇ કીટ પહેરીને હોસ્પિટલમાં દરદીઓની સારવાર કરી રહ્યા છે. જી હા, મહામારીના સમયમાં ડોકટર કોરોના વોરિયર્સ તરીકે ભૂમિકા નિભાવી રહ્યા છે. પોતાના જીવના જોખમે પણ કોરોના સંક્રમિત દરદીઓની સારવાર કરે છે. દરદીઓની સેવા એ તબીબોનો ધર્મ છે અને સેવા કરવા માટે કોઇ ધર્મની આવશ્યકતા નથી. આપણે મધર ટેરેસા, ડો.કોટનીસ, ડો. આલ્બર્ટ સ્વાઇત્ઝર અને વીરનગરની આંખની હોસ્પિટલના આંખના તજજ્ઞ સંતપુરુષ ડો. શિવાનંદ અધ્વર્યુના નામોઆદરપૂર્વક લઇએ છીએ. તબીબી જગતમાં આવું જ આદરપૂર્વક નામ લેવાનું મન થાય એવું એક નામ એટલે ડો. વી.સી.કાતરીયા.અહીં મોરબીના નિવૃત્ત સરકારી તબીબ ડો. વી.સી.કાતરીયાની વાત કરવી છે જેમણે સેવા, સરળતા, સદ્દભાવ પૂર્ણ જીવન વ્યતિત કરી દરદીઓની સેવામાં જીવન સમર્પિત કરી દીધું. નિવૃત્તિ પછી ડો.કાતરીયા નર્મદા કિનારે આશ્રમમાં, કુદરતના ખોળે સંતસમું જીવન પસાર કરી રહ્યા છે. આજની યુવાપેઢીએ ડો. વી.સી.કાતરીયાના જીવનમાંથી પ્રેરણા લેવા જેવી છે.

સૌરાષ્ટ૨ના કાશ્મીર ગણાતા મહુવા તાલુકાના ‘ધરાઇ’ નામના ગામમાં આહિર કુટુંબમાં જન્મેલા ડો. વીરાભાઇ કાતરીયા આપબળે આંખના સર્જન બન્યા અને ૧૯૮૩માં મોરબી સિવિલ હોસ્પિટલમાં એમની નિમણૂક થઇ ત્યારથી લાગલગાટ આ જ હોસ્પિટલમાં નિવૃત્તિ સુધી સેવારત રહ્યા. અત્યાર સુધીમાં તેમણે મોતીયા અને આંખના અન્ય ઓપરેશન મળીને કુલ અઢી લાખથી વધારે સફળતાપૂર્વક ઓપરેશનો કર્યા!

છેલ્લા ૩પ વર્ષમાં કોઇ આંગળી ન ચિંધી શકે તે હદે સરકારી હોસ્પિટલમાં વિનામુલ્યે સેવાની ધૂણી ધખાવીને ડો. કાતરીયાએ પટાવાળાથી શરૂ કરીને વોર્ડ બોય, સ્ટાફ સિસ્ટર્સ, ઓ.ટી. સ્ટાફ અને આસીસ્ટન્ટ જેવા સરકારી સેવાભાવીઓ સમર્પિત કર્મચારીઆની ફોજ નિર્માણ કરી હતી.

૨ લાખ ૩૪ હજાર મોતિયાના ઓપરેશન એકલા હાથે કરવાનો રેકોર્ડ એમના નામે છે. જેમાં ૧ લાખ ૮૪ હજાર ફેકો સર્જરી દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૨ લાખ ૭પ હજારથી વધુ આંખના ઓપરેશનો તે એકલા હાથે કરી ચૂકયા છે. જેમાં તેમની નિવૃત્તિ ૩૧ માર્ચ ૨૦૨૦

સુધીમાં કુલ ૨૧.૬૦ લાખ દરદીઓ તપાસ્યા છે. જે વિશ્ર્વ રેકોર્ડ છે. ૩૮પ નેત્ર નિદાન કેમ્પોનું આયોજન કરી ૩.૭૦ લાખ દરદીઆનું નિદાન કરેલ છે. સમગ્ર ગુજરાતની રાષ્ટ૨ીય અંધત્વ નિવારણ કામગીરીમાં ૨પ ટકા કામગીરી ડો. કાતરીયાએ એકલા હાથે કરી છે. આંખના સર્જન દ્વારા એક વર્ષમાં ૭૦૦ જેટલા ઓપરેશનો કરવા અપેક્ષિત છે પણ ડોકટર કાતરીયાએ એક જ વર્ષમાં ૧પ હજારથી વધારે ઓપરેશન કર્યા હોય તેવા દાખલા છે. આ બાબત અતિશકયોૂથી ભરેલી લાગે પણ આ બધું હોસ્પિટલમાં ઓન રેકોર્ડ છે. આ બધી જ સારવાર ફ્રી, વિનામુલ્યે કરવામાં આવી છે. ડો. વીરાભાઇ કાતરીયા તબીબી જગતના સેવાઋષિ છે. તેઓ હવે વડોદરા જિલ્લાના સિનોર તાલુકાના કંજેઠા ગામ નજીક નર્મદા કિનારે આશ્રમ બનાવને સાધનામાં જીવન વિતાવી રહ્યા છે. એમણે નાની ગૌશાળા બનાવી છે અને ખેતી કરે છે. કુદરતની નજીક રહીને નિજાનંદમાં જીવન વ્યતિત કરે છે. કોઇ ડોકટર આખી જિંદગી સેવા કરે અન પછી આશ્રમમાં કુદરતના સાનિધ્યમાં જીવન ગાળે એવા તબીબને  ડોકટર દિવસે કોટિ કોટિ વંદન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.