Abtak Media Google News
ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય એકાદમી પ્રેરીત અનુદાનીત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા અનેક મહાનુભાવોને બિરદાવાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાત સરકાર સ્થાપિત અને ગુજરાત સાહિત્ય એકાદમી પ્રેરિત-અનુદાનિત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા સ્વર્ણિમ વર્ષ સ્થાપના વર્ષ નિમિત્તે ડો. બળવંત જાનીને ચારણી, સંતમ લોકસાહિત્યમાં ઉત્કૃષ્ટ પ્રદાન બદલ મોરારિબાપુની પાવન નિશ્રામાં અને કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રી પરષોત્તમ રૂપાલા, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, સાંસ્કૃતિક વિભાગ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની વિશેષ ઉપસ્થિતિમાં ગરિમાપૂર્ણ રીતે ઝવેરચંદ મેઘાણી એવોર્ડથી આજ રોજ સન્માનિત કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સૌ. યુનિ. બળવંતભાઈ જાનીને પોતાનાં જીવન પર્યત કરી રહેલાં ભાષાની સેવા, સાહિત્યનાં પ્રચાર-પ્રસાર અને સંશોધનાત્મક સમર્પણને ઝવેરચંદ મેઘાણી એવોર્ડ દ્વારા રૂ. ૧ લાખનાં ચેક, એવોર્ડ અને શાલથી બિરદાવશે.

૨૪ ઓગષ્ટ ૧૯૫૧માં જન્મેલાં બળવંતભાઈ જાનીનું મૂળ વતન કમળાપુર છે. તેમણે સૌરાષ્ટ્ર યુનિ.નાં ગુજરાતી ભાષા-સાહિત્ય ભવનમાંથી એમ.એ.નું શિક્ષણ લીધેલું છે. ૧૯૮૧માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી ડો. બળવંતભાઈ જાનીએ સંશોધન અને સંપાદન ક્ષેત્રે નોંધનીય કાર્ય કર્યું છે. ૧૯૭૯માં ગુજરાતી વિષયનાં અધ્યાપક અને ૨૦૦૨થી ૦૩ દરમિયાન પાટણની ઉત્તર ગુજરાત યુનિ.માં કુલપતિ પદ પરથી ચિર સ્મરણીય કાર્યો કર્યા છે. આ ઉપરાંત ૨૦૦૪થી ૦૭ દરમિયાન નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુ. એન.સી.સી.ઈ. વેસ્ટજોનમાં ચેરમેન તરીકે સેવા આપી છે. નિવૃત્તિ પછી પણ ડો. બળવંતભાઈ જાની સક્રિય રીતે ભાષા-સાહિત્યની સેવા અને સાધના કરી રહ્યા છે. ડો. બળવંતભાઈ જાનીએ મધ્યકાલીન ગુજરાતી, કંઠસ્થપરંપરા, ચારણી, બારોટી, વનવાસી, સંત સાહિત્ય અને ગુજરાતી વિવેચન સંસોધન જેવા વિષયોમાં ઊંડા અભ્યાસ સાથે સંશોધન-વિવેચન લેખનસંગ્રહો તેમજ મધ્યકાલીન સાહિત્ય વિષયક સંપાદનો તથા જૈન સાહિત્ય, અર્વાચીન સાહિત્ય વિષયક સંશોધનમૂલક સંપાદનો, બ્રિટીશ-ગુજરાતી, અમેરિકા-ગુજરાતી સાહિત્યનાં સંપાદનો, અનુવાદ અને અન્ય સર્જન સહિત આશરે ૧૦૦ જેટલાં પુસ્તકોનું સર્જન કર્યું છે. ડો. બળવંતભાઈ જાનીને ઝવેરચંદ એવોર્ડ પ્રાપ્ત થતા સાહિત્ય-ભાષા જગતમાં હર્ષની લાગણી જોવા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.