Abtak Media Google News

જુની અને નવી ટીમ દ્વારા કોરોના મહામારી સમયે હજારો પીપીઈ કીટ-સેનેટાઈઝરનું વિતરણ: રાજકોટ આઈ.એમ.એ.ને ૭૫ વર્ષ પુરા થતા હોય ઓર્ગન ડોનેશન વિશે લોકોને જાગૃત કરવા ખાસ ઝુંબેશ સાથે વિવિધ સેવાકિય કાર્યો હાથ ધરાશે

ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટનાં નવા વર્ષનાં પ્રમુખ તરીકે રાજકોટના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.જય ધીરવાણી અને સેક્રેટરી તરીકે ડો.રૂકેશ ઘોડાસરાની વરણી કરવામાં આવી છે. વર્તમાન કોરોના મહામારીના સમયમાં જાહેર સમારંભ રદ કરી ડો.જય ધીરવાણી અને ડો.રૂકેશ ઘોડાસરાની ટીમ દ્વારા આઈ.એમ.એ.ની કામગીરી શરૂ કરવામાં આવી છે. રાજકોટ આઈ.એમ.એ.ને ૭૫ વર્ષ પુરા થતા હોય આ વર્ષે રાજકોટ આઈ.એમ.એ. દ્વારા ઓર્ગન ડોનેશન માટે લોકોને જાગૃત કરવા સાથે વિવિધ સામાજીક કાર્યો હાથ ધરવામાં આવશે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટનાં પ્રેસીડન્ટ જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.જય ધીરવાણી અને સેક્રેટરી ડો.રૂકેશ ઘોડાસરાની યાદીમાં જણાવાયું છે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના નવા વર્ષનાં પ્રમુખ રાજકોટના જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.જય ધીરવાણી અને સેક્રેટરી તરીકે ડો.રૂકેશ ઘોડાસરાએ સંયુકત રીતે જણાવ્યું છે કે, ભારતમાં લાખો લોકો કિડનીની તકલીફનાં કારણે ડાયાલીસીસ કરાવી રહ્યા છે જેમને કિડનીની જરૂર છે, હજારો લોકો લીવર ખરાબ હોવાના કારણે તકલીફ ભોગવી રહ્યા છે જેમને લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે, હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટે હજારો લોકોનું વેઈટીંગ લીસ્ટ છે ત્યારે આવા જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા અનેક લોકો માટે એક માત્ર અનિવાર્ય સારવાર ઓર્ગેન ટ્રાનસપ્લાન્ટ છે અને માનવીના અંગોના દાન વગર આ સારવાર શકય નથી. આ ઉપરાંત ઓર્ગેન ડોનેશન-અંગ દાન પણ ખુબ જ જરૂરી છે. આઈસીયુમાં બ્રેઈન ડેડ વ્યકિતના પરિવારજનો આ દર્દીનાં અંગોનું દાન કરી શકે છે. આપણા દેશમાં મેડિકલ સારવાર ક્ષેત્રે આપણે વિશ્ર્વ સમકક્ષ છીએ. રાજકોટ સહિત ગુજરાતનાં મોટા સેન્ટરોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનાં અનેક સફળ ઓપરેશન થયા છે, અનેક લોકોને નવી જીંદગી મળી છે. હજુ પણ સમાજમાં આ બાબતે પુરતી જાણકારી નથી ત્યારે લોકો ઓર્ગન ડોનેશન માટે આગળ આવે, વધુને વધુ લોકો ઓર્ગન ડોનેશન દ્વારા અનેક લોકોને નવજીવન બક્ષે એ માટે આઈ.એમ.એ.-રાજકોટ દ્વારા આ વર્ષે વિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આઈ.એમ.એ. દ્વારા ક્રિટીકલ કેર નિષ્ણાંત ડો.સંકલ્પ વણઝારાની આગેવાની હેઠળ તબીબોની ખાસ ટીમ આ માટે બનાવવામાં આવી છે જે રાજકોટની હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ દર્દીનાં પરિવારજનોને મળી અંગદાન વિશે સમજણ આપશે.

ડો.જય ધીરવાણીએ જણાવ્યું છે કે, ભારતમાં આજે કિડની, લીવર, હૃદયના અનેક દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને અનેક દર્દીને દ્રષ્ટીહીન દશામાં જીવી રહ્યા છે ત્યારે લોકોએ જાગૃત બની અંગદાન ક્ષેત્રે આગળ આવવુ પડશે. ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટ દ્વારા ઓર્ગન ડોનેશન અંગદાન વિશે લોકોને જાગૃત કરી સમાજના અનેક દુ:ખીયારા લોકોના જીવનમાં નવા રંગ પુરવા, નવજીવન બક્ષવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને તબીબો સતત આ બાબતે પ્રયત્નશીલ રહેશે એમ ઈન્ડીયન મેડિકલ એસોસીએશન-રાજકોટના પ્રેસીડન્ટ જાણીતા બાળરોગ નિષ્ણાંત ડો.જય ધીરવાણી, સેક્રેટરી ડો.રૂકેશ ઘોડાસરા, પ્રોજેકટ ઈન્ચાર્જ ડો.સંકલ્પ વણઝારાની આગેવાની હેઠળ નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા ઓર્ગન ડોનેશન વિશે સમાજમાં જાગૃતિ લાવવા વિવિધ સામાજીક સંસ્થાઓ, કોલેજોના સહયોગથી ખાસ સેમીનારોનું આયોજન કરવામાં આવશે.

ડો.રૂકેશ ઘોડાસરાએ જણાવ્યું છે કે, વર્તમાન કોરોના મહામારીની ગંભીર પરિસ્થિતિનાં કારણે આઈ.એમ.એ-રાજકોટની નવી ટીમ દ્વારા શપથવિધિ સમારંભ યોજવાના બદલે સામાજીક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી છે અને નવી તથા જુની ટીમ દ્વારા સંયુકત રીતે હાલની પરિસ્થિતિમાં લોકોને વધુને વધુ ઉપયોગી બની કોરોના સામેની લડાઈમાં સફળતા મળે એ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આઈ.એમ.એ.ના પૂર્વ પ્રમુખ ડો.ચેતન લાલસેતા, ડો.તેજસ કરમટા અને ડો.મયંક ઠકકરની ટીમ દ્વારા કોરોનાની સારવાર સાથે સંકળાયેલા તબીબો, નર્સીંગ સ્ટાફ સહિતની મેડિકલ ટીમ માટે અત્યંત જરૂરી એવી પીપીઈ કીટનું રાજકોટમાં જ પ્રોડકશન કરાવી તબીબો સહિતનાં મેડિકલ સ્ટાફને વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સરકારને પણ હજારો કીટ આપવામાં આવી છે.  આ ઉપરાંત મેડિકલ સ્ટાફની જેમ કોરોના વોરીયર્સ તરીકે કાર્યરત રાજકોટ શહેર પોલીસ સ્ટાફ, કલેકટર ઓફિસ સ્ટાફ, જીલ્લા પંચાયત સ્ટાફ વગેરે માટે મેડિકલ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીની સારવાર વિશે હાલ પુરતી માહિતી ઉપલબ્ધ નથી ત્યારે આઈ.એમ.એ. દ્વારા ક્રિટીકલ કેર નિષ્ણાંત, ફેફસાના રોગનાં નિષ્ણાંત, એનેસ્થેટીસ્ટ સહિત વરિષ્ઠ તબીબોનો વેબીનાર યોજવામાં આવ્યો હતો અને કોરોના વિશે વિસ્તૃત માહિતી સાથેની ઈ-બુક પબ્લીશ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.