Abtak Media Google News

નેશનલ કંપનીઓ ગ્રાહકોની નાડ પારખવામાં થાપ ખાઈ ગઈ: સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરી અથવા કંપનીઓને હસ્તગત કરીને નફો કમાવાની તરકીબ

ગુજરાતના નમકિન ઉત્પાદકો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ હાંસલ કરવામાં સફળ રહ્યાં છે. વર્ષે અબજો રૂપિયાનું ટર્નઓવર કર છે. પરિણામે બહારની અનેક કંપનીઓ ગુજરાતની કંપનીઓ સાથે ભાગીદારી કરવા અથવા ખરીદવા ઈચ્છે છે. ત્યારે આર.પી.સંજીવ ગોએન્કા ગ્રુપે ગુજરાતની નામાંકિત નમકિન ઉત્પાદક કંપની ઈ-વીટાનો ૭૦ ટકા હિસ્સો ખરીદી લીધો હોવાનું જાણવા મળે છે.

આર-પી સંજીવ ગોએન્કા ગ્રુપના ચેરમેન સંજીવ ગોએન્કાએ આ સોદાની વિગતો આપતા કહ્યું હતું કે, ઈ-વીટા બ્રાન્ડ હેઠળ નમકિનનું વેચાણ કરતી કંપની એપ્રીકોટ ફુડસનો ૭૦ ટકા હિસ્સો અમે રૂ.૪૪૦ કરોડમાં હસ્તગત કર્યો છે. બાકીનો ૩૦ ટકા કંપનીના હાલના પ્રમોટર્સ પાસે જ રહેશે. ઈ-વીટા પાસે ગુજરાત અને હૈદરાબાદમાં મેન્યુફેકચરીંગ પ્લાન્ટ છે અને કંપની વર્ષે રૂ.૨૦૦ કરોડની આવક મેળવે છે. ગુજરાતમાં ઈ-વીટા ઉપરાંત બાલાજી વેફર્સ અને ગોપાલ નમકિન સહિતની અનેક કંપનીઓ બ્રાન્ડ બની ગઈ છે. બાલાજી વેફર્સની બ્રાન્ડ વેલ્યુ રૂ.૪૦૦૦ કરોડ જેટલી હોવાનો અંદાજ છે.

ગુજરાતનું નમકિન લોકોની દાઢે વળગી ગયું છે. જેથી દેશમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ નમકિન ઉત્પાદન કરતી હોવા છતાં ગ્રાહકો સ્થાનિક કંપનીઓની પ્રોડકટસનો આગ્રહ રાખે છે. સ્થાનિક કંપનીઓ નમકિનમાં અનેક પ્રકારની આઈટમો આપતી થઈ છે. લોકોનો સ્વાદ પારખી તેમાં સંશોધન કરી સમયાંતરે કંપનીઓ પ્રોડકટસ બજારમાં ઉતારે છે.

બીજી તરફ મલ્ટીનેશનલ ઉપરાંત નેશનલ કંપનીઓ ગ્રાહકોની નાડ પારખવામાં થાપ ખાઈ ગઈ છે. કંપનીઓના ઉત્પાદનોનું વેચાણ સિમિત રહ્યું છે. જેથી સ્થાનિક કંપનીઓ સાથે ભાગીદારી કરી અથવા કંપનીઓને હસ્તગત કરીને નફો કમાવાની તરકીબ નેશનલ મલ્ટીનેશનલ કંપનીઓ અજમાવી રહી છે. અલબત સ્થાનિક કંપનીઓને પણ આવા સોદાથી વિકસવાની તક મળે છે. ઈ-વીટા ઉત્પાદનો રૂ૫માં વેચાય છે. ગો એન્કા ગ્રુપ આ પ્રોડકટસના માધ્યમથી એફએમસીજી ક્ષેત્રમાં ધમાકેદાર પ્રવેશ કરવા ઈચ્છે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.