Abtak Media Google News

ભુતકાળમાં ભારત પ્રથમ મેચ હાર્યા બાદ સીરીઝ જીત્યું હોવાનું અનેકવાર બન્યું  છે: બીજી મેચ કોઈપણ પ્રકારનાં દબાણ વગર રમીશું

રાજકોટ ખાતે આગામી ગુરુવારનાં રોજ રમાનારી બાંગ્લાદેશ સામેની બીજી ટી-૨૦ મેચમાં શ્રેણી સરભર કરવાના બુલંદ ઈરાદા સાથે આજે ભારતીય ટીમે નેટ પ્રેકટીસમાં પરસેવો પાડયો હતો. નેટ પ્રેકટીસ પૂર્વે પત્રકાર પરીષદમાં ટીમ ઈન્ડિયાનાં સ્ટાર સ્પીનર યજુવેન્દ્ર ચહલે જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમે કરેલી ભુલો અમે રાજકોટનાં મેચમાં નહીં દોહરાવીએ. ભુતકાળમાં પણ અનેક વખત એવું બન્યું છે કે, શ્રેણીમાં પ્રથમ મેચ હાર્યા બાદ અમે ફતેહ હાંસલ કરી હોય. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે દરેક મેચમાં બેટસમેનોની નજર સમક્ષ રાખી બોલીંગ કરવામાં આવતી હોય છે. મેચની સ્થિતિને પારખીને બોલીંગ કોમ્બીનેશનમાં ફેરફાર કરવામાં આવતો હોય છે. ભારતીય ટીમમાં મારી સાથે પણ અન્ય ઘણા સારા બોલરો છે. ટીમની મીટીંગ દરમિયાન અમે સ્પીન એટેક અંગે ચોકકસ પ્રકારની રણનીતી ઘડીશું. દિલ્હીમાં પ્રથમ ટેસ્ટ હાર્યા બાદ અમારા પર શ્રેણી સરભર કરવાનું દબાણ ચોકકસ છે પરંતુ અમે આ દબાણ વશ થયા વિના જ બીજી મેચમાં અમારી નેચરલ ગેમ રમવાનો પ્રયાસ કરીશું.

ભુતકાળમાં પણ અનેક વખત એવું બન્યું છે કે, શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ બાકીની તમામ મેચો જીત્યા હોય અને શ્રેણીમાં ફતેહ હાંસલ કરી હોય. દિલ્હી ખાતે રવિવારે રમાયેલી પ્રથમ ૨૦-૨૦ મેચમાં બાંગ્લાદેશની ટીમે વિકેટ જાળવી રાખી સતત રન બનાવ્યા જેનો તેને પુરો લાભ મળ્યો.

મેચમાં ડીઆરએસનો ખોટો ઉપયોગ, કેચ છુટવા સહિતની અનેક ભુલો અમને મોંઘી પડી છે. ગુરુવારે રમાનારી શ્રેણીની બીજી મેચમાં અમે આ ભુલોને દોહરાવીશું નહીં અને પુરી તાકાત સાથે મેદાનમાં ઉતરી શ્રેણી સરભર કરવાનો પ્રયાસ કરીશું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.