તમામ જીવોને અભયદાન એ રાજ્ય સરકારની ફરજ: મુખ્યમંત્રી રૂપાણી

નમ્રમુનિ મહારાજના ૫૦માં જન્મદિનના ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની ૫૦ પાંજરાપોળને કુલ રૂા.૫૦ લાખના ચેક અર્પણ કરતા મુખ્યમંત્રી

રાષ્ટ્રસંઘ ગુરુદેવ નમ્રમુનિ મહારાજના ૫૦માં જન્મદિનના ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની ૫૦ પાંજરાપોળને રૂા.૫૦ લાખના ચેક મેડિકલ વેટરનીટી-દવાઓ માટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વિજયભાઈ રૂપાણીએ અર્પણ કર્યા હતા.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ગાંધી-સરદાર સાહેબનું ગુજરાત અહિંસાને વરેલું રાજ્ય છે, સાથોસાથ અબોલ પશુજીવો સહિત જીવમાત્રનો વિચાર અને સંવેદનાથી ઇઝ ઓફ લીવીંગ, કરૂણા, પ્રેમ, દયા અને અનુકંપાનું વાતાવરણ રાખવું છે. તમામ જીવોને અભયદાન રાજ્યની ફરજ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્ર રાષ્ટ્રસંત ગુરૂદેવ પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના પ૦મા જન્મદિન ઉપલક્ષ્યમાં રાજ્યની નાની-નાની પ૦ પાંજરાપોળોને મેડીકલ વેટરનીટી, દવાઓ માટે પ્રત્યેકને રૂ.૧ લાખના ચેક અર્પણ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી સંબોધન કરી રહ્યા હતા.

સમસ્ત મહારાજનના મેનેજિંગ ટ્રસ્ટી ગિરીશભાઇ શાહ સહિત રાજ્યની વિવિધ પાંજરાપોળના ૯ જેટલા અગ્રણીઓ-પ્રતિનિધિઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

મુખ્યમંત્રીએ પ્રતિકરૂપે વિરમગામ અને ભાણવડ પાંજરાપોળના સંચાલકોને રૂ. ૧-૧ લાખના ચેક અર્પણ કર્યા હતા.

વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, રાજ્ય સરકારે જીવદયા અને અબોલ પશુઓની સારવાર-કલ્યાણના અનેક પ્રકલ્પો વેગવાન બનાવ્યા છે. ઘાયલ પશુઓની સારવાર માટે કરૂણા એમ્બ્યુલન્સ અને એનીમલ હેલ્પલાઇન કાર્યરત કરી છે.

એટલું જ નહિ, રાજ્યના અંતરિયાળ વિસ્તારોના તાલુકા-ગામોમાં પશુઓને સ્થળ પર સારવાર સુશ્રુષા આપવા રપ૦ એમ્બ્યુલન્સ ફરતા પશુદવાખાના તરીકે શરૂ કરી છે. આ મોબાઇલ એનિમલ ડિસ્પેન્સરીનું સંચાલન પણ આપાતકાલ માનવ સેવામાં શ્રેષ્ઠ પૂરવાર થયેલ ૧૦૮ એમ્બ્યુલન્સના સંચાલક જીવીકેને આપ્યું છે.

મુખ્યમંત્રએ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણના આ કપરાકાળમાં પશુધનને ઘાસચારો મળી રહે તે માટે પશુદીઠ રૂ. રપની સહાય સરકારે મંજૂર કરી છે અને ચૂકવી છે.

રાજ્યની પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડી પશુઓને આપી શકે અને અછતના સમયે ઘાસની તંગી ન પડે તે માટે ઘાસચારો ઉગાડવા ૧૦૦ કરોડ રૂપિયાની કુલ સહાય ટયૂબવેલ, સોલાર ઇલેકટ્રીક પેનલ વગેરે માટે આપીને પશુઓની સેવા-ચિંતાનો ભાવ દર્શાવ્યો છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રીએ આ અવસરે એવો ઉલ્લેખ પણ કર્યો કે, ખાસ કરીને કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાનો ઊભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન છે.

વિજયભાઇ રૂપાણીએ અબોલ પશુજીવો પ્રત્યે કરૂણા-દયા અને જીવદયાના સંસ્કાર સંતશકિતના આશીર્વાદ અને મહાજનો-સેવા સંગઠનોના સહયોગથી વધુ ઊજાગર કરવાની નેમ પણ દર્શાવી હતી.

રાષ્ટ્ર સંત પરમ ગુરૂદેવ નમ્રમૂનિ મહારાજ સાહેબે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રાણીમાત્રને શાતા, વેદના, પીડામાં રાહત અને અબોલજીવોના જતનની ચિંતા કરનારા સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે જીવદયા ભાવ ઊજાળ્યો છે તે માટે અભિનંદન આપ્યા હતા.

નમ્રમૂનિ મહારાજ સાહેબે મૂંગા પશુઓના દર્દ, પીડા, વેદનાને ટ્રીટમેન્ટ સારવાર દ્વારા દૂર કરી અનેક અબોલ જીવોના આશીર્વાદ મળે તેવું પૂણ્ય કાર્ય ગુજરાતની ધરતી પર પ્રારંભ થયું છે તેને શ્રેષ્ઠ આશીર્વાદ અને ઉત્તમ મંત્રથી પણ અધિક સેવારૂપ ગણાવ્યા હતા.

સમસ્ત મહાજનના ટ્રસ્ટી ગિરીશભાઇ શાહે આ સેવાકાર્યની પ્રેરણા પૂજ્ય નમ્રમૂનિ મહારાજ સાહેબના કૃપા આશિષથી મળી છે તેનો ઉલ્લેખ કરતાં નાની પાંજરાપોળોના પશુજીવો માટે આ સારવાર-સેવા મૂંગા પશુજીવો માટે ઉપકારક બનશે તેવી અપેક્ષા દર્શાવી હતી.

Loading...