Abtak Media Google News

ખાણી-પીણીના શોખીન ગુજરાતી પુરુષો મોટી ફાંદથી પરેશાન

લગ્ન બાદ પેટનો આકાર બદલાઈ જવો એ કદાચ પુરુષોમાં સૌથી કૉમન પરિવર્તન છે. આપણી આસપાસ નજર કરીશું તો મોટા ભાગના પુરુષોનું પેટ બહાર નીકળેલું દેખાશે, જેને આપણે જેઠાલાલ કહીને ચીડવીએ પણ ખરા. એવું નથી કે તેઓ પેટ ઘટાડવા નથી માગતા, પરંતુ ખાણી-પીણીના શોખીન ગુજરાતી પુરુષો માટે આ કામ બહુ અઘરું છે. પરિણામે તેઓ લેટેસ્ટ ફૅશન ટ્રેન્ડને ફૉલો કરવામાં સંકોચ અનુભવે છે. વધેલા પેટ પર ટી-શર્ટ પહેરે તો ટાઇટમટાઇટ લાગે, શર્ટનાં બે બટન વચ્ચેથી ફાંદ ડોકાયા કરે, પૅન્ટને વારેઘડીએ ઉપર ચડાવતા રહેવું પડે વગેરે જાહેરમાં હાસ્યાસ્પદ લાગે છે. ખાસ કરીને ચાલીસની ઉપરના પુરુષોમાં આ બાબત સામાન્ય છે. જોકે ફાંદને કારણે કંઈ જોકરની જેમ જૂના જમાનાના લેંઘા-ઝભ્ભા તો ન જ પહેરાયને. ફાંદ હોવા છતાં તમે ફૅશનેબલ રહી શકો છો. ચાલો ત્યારે મોટું પેટ ધરાવતા પુરુષોએ ડ્રેસિંગમાં કેવી ચીવટ રાખવી જોઈએ એ જાણીએ.

પેટનો ઘેરાવો વધુ હોય એવા પુરુષો માટે શેરવાની અને નવાબી સૌથી બેસ્ટ આઉટફિટ છે ‘ટ્રેડિશનલ વસ્ત્રોની લેન્થ ઘૂંટણથી નીચે સુધી હોય છે એથી પેટનો ઘેરાવો ઢંકાઈ જાય છે. લગ્ન કે અન્ય પ્રસંગોમાં તેમણે આવાં જ આઉટફિટ્સ પહેરવાં જોઈએ. જોકે ડે ટુ ડે લાઇફમાં કુર્તા ન ચાલે. અહીં તમારે બેઝિક ટિપ્સને ધ્યાનમાં રાખવી જોઈએ. તમે જોજો જેઠાલાલ હંમેશાં શર્ટને આઉટ જ રાખે છે. કોઈક એપિસોડમાં સૂટ પહેરે છે ત્યારે જ શર્ટ ઇન કરે છે. એ વખતે તેમનું પેટ હોય એના કરતાં વધુ દેખાય છે. બીજું તેમના શર્ટની પૅટર્ન સ્ટ્રેઇટ હોય છે. મોટું પેટ ધરાવતા પુરુષોએ ઍપલ શેપના શર્ટ અવૉઇડ કરવાં જોઈએ. સૂટ પહેરતી વખતે ઑપ્શન નથી, પણ રેગ્યુલર વેરમાં ઇન કરવાનું ટાળવું જોઈએ. વેસ્ટલાઇન ઓછી દેખાય એ માટેની આ બેઝિક ટિપ્સ છે. જોકે ટી-શર્ટમાં તમે ગમે એટલું ધ્યાન રાખશો થોડું પેટ તો દેખાશે જ. પેટ વધુ હોય એવા પુરુષો પૅન્ટને વારેઘડીએ ચડાવ્યા કરતા હોય છે જે શોભતું નથી. બેલ્ટ કરતાં સસ્પેન્ડર પૅન્ટને વધુ સારી રીતે સપોર્ટ કરે છે. સસ્પેન્ડર શર્ટની અંદર પહેરશો તો દેખાશે નહીં અને પેટ પર પૅન્ટને ટકાવી રાખવામાં હેલ્પ કરશે.’

ફૅશન ટ્રેન્ડને ફૉલો કરતાં પહેલાં બૉડીશેપ પર વર્કઆઉટ કરવું જોઈએ ‘વધુ પેટ ધરાવતા પુરુષોના બૉડીશેપમાં ડાયમન્ડ, ટ્રાયેન્ગ્યુલર, રેક્ટેન્ગલ એમ ઘણા પ્રકાર હોય છે. ટ્રિકી ડ્રેસિંગ સેન્સ સાથે તેઓ લેટેસ્ટ ટ્રેન્ડને ફૉલો કરી શકે છે. આઉટફિટ્સ એવાં પસંદ કરવાં જોઈએ જેમાં ફોકલ પૉઇન્ટ એટલે કે પેટ પર લોકોની નજર ઓછી જાય. અહીં સાઇઝ વધુ મહત્ત્વની છે અને એમાં જ તેઓ થાપ ખાઈ જાય છે. પેટ ન દેખાય એ માટે કાં તો સ્લીમ સાઇઝ લે કાં તો બલૂન સાઇઝ લઈ આવે. મારી સલાહ છે કે જે સાઇઝ હોય એમાં જ રેગ્યુલર પસંદ કરો. દાખલા તરીકે ૪૪ની સાઇઝ પહેરતાં હો તો એમાં રેગ્યુલર ફિટમાં જાઓ. કેટલાક પુરુષોના શરીરનો આકાર વિચિત્ર હોય છે.

હાથ-પગ પાતળા અને પેટ ગાગર જેવું હોય છે. તેમણે ડ્રેસિંગ પર ખાસ ધ્યાન આપવું. ઑપન શોલ્ડર ધરાવતા પુરુષોને ફુલ સ્લીવ્ઝના શર્ટ કમ્પ્લીટ લુક આપે છે. હાથ-પગ પાતળા હોય એવા પુરુષો હાફ સ્લીવ્ઝના શર્ટ પહેરે તો વાંધો નથી. કૉર્પોરેટ મીટિંગ્સમાં જવાનું હોય ત્યારે થર્ડ લેયર ડ્રેસિંગ પર ફોકસ રાખવું જોઈએ. સૂટની લેન્થ થોડી વધુ હોય તો પેટ ઓછું દેખાય છે. એ જ રીતે ટી-શર્ટનો શોખ હોય તો કોલરવાળા પ્રિફર કરવા.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.