Abtak Media Google News

લગ્ન પહેલાંના વાયદા, પ્રેમ સંબંધમાં વિવાદ થતા અને પરિવાર દ્વારા અસ્વીકૃતિના કારણે બળાત્કારની ફરિયાદ નોંધાતી હોવાનું અવલોકન

નિર્ભયાકાંડ બાદ દુષ્કર્મના આરોપીને આકરી સજા થાય તે માટે સરકારે કાયદામાં સુધારા કર્યા પણ લોભી માનસિકતાના બારોબાર સેટીંગ કરી કાયદાને અર્થહીન બનાવવામાં આવ્યો!

દિલ્હીમાં નિર્ભયાકાંડ થયા બાદ દેશભરમાં ભારે હોબાળો મચી ગયો હતો અને દુષ્કર્મના અપરાધીને કડક સજા થાય તેવા અસરકારક કાયદો બનાવવા ઉઠેલી માગના પગલે સરકાર દ્વારા બળાત્કારના કાયદામાં ઘણા સુધારા કરી કડક બનાવવામાં આવ્યો છે. દુષ્કર્મની ઘટના અંગે થયેલા એક સર્વેમાં કાયદાનો ખોટો ઉપયોગ કરવામાં આવતો હોવાનું અને લોભી માનસિકતાના કારણે બારોબાર સમાધાન કરી કાયદાને અર્થહીન અને બુઠ્ઠો કરવામાં આવી રહ્યાનું બહાર આવ્યું છે.

બળાત્કારની ઘટનામાં લગ્ન પહેલાંના વાયદા, પ્રેમ સંબંધ અને પરિવારની અસ્વીકૃતિના કારણે નોંધાતી હોય છે. લગ્ન કરવાની લાલચ દઇ પ્રેમી દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છે, પ્રેમ સંબંધ દરમિયાન શરીર સંબંધ બાધ્યાનું અને લગ્ન માટે પરિવાર દ્વારા ન સ્વીકારવાની વાત સામે આવે ત્યારે યુવતી દ્વારા બળાત્કારની ફરિયાદ નોંધાતી હોય છે.

બળાત્કારનો ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા તપાસ હાથધરી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવે ત્યારે આરોપી દ્વારા પિડીતા સાથે સમાધાન કરી આબાદ છુટી જવાની ઘટનાનું પ્રમાણ વધુ હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે.

લોભી માનસિકતા અને વ્યક્તિ સ્વતંત્રતાના કારણે કેસની સુનાવણી પૂર્વે સેટીંગ થતાં કડક બનાવેલા કાયદાનો કોઇ અર્થ ન રહેતા આરોપીનો છુટકારો થતો હોય છે.

કચ્છ ભાજપના હાઇપ્રોફાઇલ નેતા જંયતી ભાનુશાળી સામે સુરતની ૨૨ વર્ષની યુવતીએ બળાત્કારનો કેસ કર્યા બાદ યુવતીએ જ ગેરસમજ થયાનું નિવેદન આપ્યુ હતું. આ રીતે જ રાજકોટની એક મહિલાએ ડોકટર સાથેના પ્રેમ સંબંધના કારણે શરીર સંબંધ બાંધતા ગર્ભવતી બન્યાનો કેસ કર્યા બાદ ડોકટરે તેની સારવારના ખર્ચની જવાબદારી સ્વીકારતા મહિલાએ સમાધાન કરી આગળની કાર્યવાહી પડતી મુકી હોવાનું સામે આવ્યું છે.

આ રીતે જામનગરના લેકચરર જયેશ સુરેજા અને આણંદના પ્રિતેશ પંચાલ તેમજ સ્વામીનારાયણના સંત કરન સ્વરૂપદાસ સામે થયેલી બળાત્કારની નોંધાયેલી ફરિયાદમાં સેટીંગ થયાનું બહાર આવ્યું છે.

દુષ્કર્મની આવી અનેક ફરિયાદો નોંધાયા બાદ સુનાવણીની કાર્યવાહી પુર્વે જ બારોબાર પુરી કરી નાખવાના કારણે કડક કાયદાનો કોઇ અર્થ રહેતો ન હોવાનું તારણ બહાર આવ્યું છે.

બળાત્કારની કેટલીક ફરિયાદ તો આઠ કે દસ વર્ષ બાદ નોંધાવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે બંને પક્ષે સંબંધમાં વાંધો પડવાના કારણે મોડી ફરિયાદ નોંધાવવી ફસાવવામાં આવતા હોય છે. ગુનો નોંધાયા બાદ સેટીંગ કરવામાં આવતું હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.