Abtak Media Google News

કુમારી લતીફાને દુબઈ પરત મોકલવાના આઠ મહિના બાદ મીશેલનું પ્રત્યાર્પણ ભારતમાં કરાવાયું

ડિસેમ્બર ૨૦૧૮માં દુબઈની રાજકુમારી શેખ લતીફા અને ઓગષ્ટા વેસ્ટલેન્ડ કરારના વચેટીયા મીશેલ ક્રિશ્ચેન વચ્ચે કયાંકને કયાંક લીંક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. વાત એવી પણ સામે આવે છે કે, દુબઈની રાજકુમારી શેખ લતીફા જયારે દુબઈથી ભાગી ભારત આવી પહોંચી હતી ત્યારે એક શરતના આધારે ભારત સરકારે રાજકુમારી લતીફાને દુબઈ પરત મોકલી હતી. જેમાં તેમને પરત મોકલ્યાની સાથે ઓગષ્ટા વેસ્ટલેન્ડનો વચેટીયો મીશેલ ક્રિશ્ચેનને ભારત પ્રત્યાર્પણ કરાવવાની શરત મુકવામાં આવી હતી. એટલે કયાંકને કયાંક એવી વાત સામે આવે છે કે, શું મોદીએ મીશેલના પ્રત્યાર્પણમાં સોદાબાજી કરી છે કે કેમ ?

મીશેલ ક્રિશ્ચેનના પરિવારના વકીલે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓ આ કેસને યુનાઈટેડ નેશનમાં મોકલવાના છે તો કયાંક નવી દિલ્હીમાં એશિયા તથા યુરોપીયન ડિપ્લોમેટના સુત્રો દ્વારા બન્ને વચ્ચે થયેલા એકસચેન્જ વિશે પણ માહિતી આપી હતી. લંડનના આંતરરાષ્ટ્રીય હ્યુમન રાઈટસના વકીલ ટોબી કેડમેને લતીફાના કેસને યુનાઈટેડ નેશનમાં મોકલ્યો છે અને તેઓએ આજ સલાહ મીશેલના પરિવારને આપી છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આ એક એવો મામલો છે જેની તપાસ પૂર્ણ સચ્ચોટાઈથી કરવી જોઈએ જેને લઈ આ મુદ્દાને યુએનમાં લાવવા માટે પ્રેરીત કરવામાં આવ્યું છે.

કેડમેને જણાવ્યું હતું કે, આ એવો સમય છે જયારે અન્ય કોઈ સબુતો પર પર્દાફાશ કરવામાં નહીં આવે ત્યારે પ્રત્યાર્પણની પ્રક્રિયા એક ખુબજ ગંભીર મુદ્દો હોય છે ત્યારે ભારતની ન્યાય પ્રણાલી અને ભારતનું ન્યાયતંત્ર પણ સમજી જશે કે, કોઈ ન્યાયીક આધાર વગર મીશેલ કિશ્ચેનને બાંધી ન શકાય અને વહેલાસર તેને ભારતમાંથી છોડી પણ દેવો પડે.

૫૭ વર્ષીય મીશેલ એક કરોડપતિ બ્રિટીશ હથિયાર ડિલર છે જેનો વ્યાપાર તે દુબઈથી કરી રહ્યો છે. જયારે ગયા માસમાં તેને દુબઈ થી દિલ્હી પ્રત્યાર્પણ પણ કરાવવામાં આવ્યું હતું જેની હાલ ઈડી અને સીબીઆઈ પુછપરછ કરી રહી છે ત્યારે દુબઈની રાજકુમારી શેખ લતીફા દુબઈના શાસક અને યુએઈના પ્રધાનમંત્રી શેખ મોહમદ બીન રસીદ અલ મખતુમની પુત્રી છે. જેને ભારતથી પાછી દુબઈ મોકલ્યા બાદ ૮ મહિના પછી બ્રિટીશ નાગરિક મીશેલને ભારત પ્રત્યાર્પણ કરાવવામાં આવ્યું હતું.

કુમારી લતીફાની શીપ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા ગોવાના કિનારે પકડી પાડી હતી જે યુએઈથી ભાગી ભારત આવી પહોંચી હતી. એટલે કયાંકને કયાંક મીશેલના પ્રત્યાર્પણમાં મોદી સરકારની સોદાબાજી છે કે કેમ તે એક પ્રશ્ન ઉદ્ભવીત થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.