જામનગરના ખોજા બેરાજામાં અઠવાડિયામાં ૨૬ પક્ષીઓના મોતથી દોડધામ

રાજ્યમાં બર્ડફલુની દહેશત વચ્ચે છ મોર, બાર ટીટોડી સહિતના ૨૬ પક્ષીઓના મોત

ટીટોડી સહિતના નમુના લઈ ભોપાલ મોકલાયા: રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત

જામનગરના ખોજા બેરાજા ગામે ૨૬ પક્ષીઓના મોત થતા પશુપાલન વન વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. મૃત ટીટોડીના નમુના ભોપાલ લેબમાં મોકલાયા હતા. જ્યાંથી બર્ડફલુના રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને હાશકારો થયો છે. રાજ્યમાં બર્ડ ફલૂના હાઉ વચ્ચે જુનાગઢ જિલ્લામાં ટીટોડી નામના પક્ષીના ટપોટપ મોત થયાંની ઘટના હજુ તાજી જ છે ત્યાં જામનગર નજીક આવેલાં ખોજા બેરાજા ગામ અને સસોઈ ડેમ વિસ્તારમાં છ રાષ્ટ્રીય પક્ષી મોરના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે સાત સિસોટી બતક, એક તૂતવારી પક્ષી અને ૧૨ જેટલી ટીટોડીના મોત નીપજતાં પશુ પાલન વિભાગને દોડધામ થઈ હતી.

ફોરેસ્ટ વિભાગની ટૂકડી તેમજ પશુપાલન વિભાગના ડોક્ટર ભગીરથ પટેલની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તમામ મૃત પક્ષીઓ નો કબજો સંભાળ્યો હતો. વર્તમાન સમયમાં બર્ડફલૂણની નવી ગાઇડલાઇનના અનુસંધાને પક્ષીઓના પોસ્ટમોર્ટમ કરવાની મનાઈ છે ત્યારે મૃત્યુ પામેલા પક્ષીઓ પૈકી એક મોર, એક ટીટોડી, એક તુતવારી પક્ષી અને એક સિસોટી બતક વગેરેના ચાર સેમ્પલો એકત્ર કરીને ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જેથી તમામ તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.

ગત ૧૪મી જાન્યુઆરીના દિવસે ખોજાબેરાજા નજીક સસોઈડેમ પાછળના ભાગમાં મૃત પક્ષિઓ પડ્યા હોવાની માહિતીના આધારે ફોરેસ્ટ શાખાની ટુકડી તથા પશુપાલન વિભાગની ટીમ પહોંચી ગઈ હતી. જ્યાંથી એકીસાથે ૬ મોર મૃત હાલતમાં મળ્યા હતા જ્યારે ૧૨ ટીટોડી અને સાત સિસોટી બતક અને એક તુતવારી પક્ષી સહિતના ૨૬ મૃત પક્ષીઓ મળી આવ્યા હતા. જેનો કબજો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બાકીના ૨૨ પક્ષીઓને સરકારની બર્ડફ્લુની ગાઈડલાઈનને અનુસરીને અંતિમવિધિ કરી નાખવામાં આવી હતી. જો કે, આ ગંભીર ઘટનામાં પશુ પાલન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી ભોપાલ સેમ્પલ મોકલ્યાં હતાં જે પૈકી ચારેય સેમ્પલ નેગેટિવ આવ્યાં હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

અત્યંત સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં કોરોનાના હાહાકાર વચ્ચે બર્ડ ફલૂનો ખતરો સર્જાતાં રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લામાં વન વિભાગ તેમજ પશુ પાલન વિભાગને એલર્ટ કરવામાં આવ્યો છે. આ સંજોગોમાં જામનગર નજીક આવેલાં ખોજા બેરાજા અને સસોઈ ડેમ સાઈટ વિસ્તારમાં છેલ્લા એકાદ અઠવાડિયામાં ૨૫થી ૩૦ જેટલી ટીટોડી પક્ષીના મોત નીપજ્યાં હોવાનું બહાર આવતાં પશુ પાલન વિભાગને દોડધામ થઈ પડી હતી અને તાકિદે આ મૃત ટીટોડી પક્ષીના સેમ્પલ મેળવી ભોપાલ ખાતે પૃથ્થક્કરણ માટે મોકલી આપવામાં આવ્યાં હતાં.દરમિયાન ભોપાલ મોકલાવવામાં આવેલાં ટીટોડી સહીત પક્ષીના ચાર સેમ્પલ નેગેટિવ આવ્યાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યાં છે. બીજી તરફ જામનગર જિલ્લો યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન હોય વિદેશી પક્ષીઓમાં બર્ડ ફલૂ છે કે કેમ? તેની ચકાસણી માટે પશુ પાલન વિભાગ દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી, અને ખીજડીયા પક્ષી અભ્યારણ્ય ઉપરાંત જુદા પોલ્ટ્રી ફાર્મ સહિત અત્યાર સુધીમાં કુલ ૨૧૦ સેમ્પલો લેવામાં આવ્યા હતા અને તમામ સેમ્પલને ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જોકે એક પણ બર્ડ ફ્લુનો કેસ જોવા મળ્યો ન હતો જેથી તંત્રએ હાશકારો અનુભવ્યો છે.

Loading...