Abtak Media Google News

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ દ્વારા ફાયર એન.ઓ.સી અંગે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલને રજૂઆત

ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફેરબદલ શક્ય નથી તેનો વ્યવહારૂ ઉકેલ લાવવા અને એનઓસી માટે ૧ વર્ષનો સમય આપવા મુખ્ય માગણી

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં બનેલી અગ્નિ કાંડની ઘટના બાદ ગુજરાત હાઇકોર્ટની ટકોર પછી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં તમામ હોસ્પિટલ, નર્સિંગહોમ લેબોરેટરી અને ક્લિનિકને ફાયર સેફ્ટીના સાધનો વસાવી એનઓસી મેળવી લેવા  જાહેર નોટિસ આપવામાં આવી છે. જેની મુદત આગામી સપ્તાહે પૂર્ણ થઇ રહી છે. દરમિયાન ઈન્ડીયન મેડીકલ એસોસિએશન રાજકોટ દ્વારા આજે ફાયર સેફટી મામલે વ્યવહારૂ ઉકેલ લાવવા મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલને રજૂઆત કરવામાં આવી હતી.એનઓસી મેળવવા માટે  એક વર્ષનો સમય આપવા સહિતની માગણી કરાઇ હતી.

આ અંગે ’અબતક’ સાથેની વાતચીત દરમિયાન ઈન્ડીયન મેડીકલ એસોસિએશન રાજકોટના પ્રેસિડેન્ટ ડો.જય ધીરવાણી જણાવ્યું હતું કે હોસ્પિટલને ફાયર સેફટી અંગેનું એન.ઓ.સી મેળવવા માટે મહાપાલિકા દ્વારા જાહેર નોટિસ આપવામાં આવી છે.આ માટે ૧૫ દિવસની મુદત આપવામાં આવી છે. આ અંગે આજે આઇઆઇએમ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.

શહેરમાં આશરે ૫૦૦ હોસ્પિટલ અને નર્સિંગ હોમ આવેલા છે. જ્યારે ૭૦૦ જેટલી કલીનીક,લેબોરેટરી આવેલી છે. અમારી મુખ્ય બે માગણી છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં  જડમૂળથી ફેરફાર કરવાનું શક્ય નથી તેનો વ્યવહારૂ ઉકેલ લાવવો જોઈએ અને મહાપાલિકા દ્વારા ફાયર એન.ઓ.સી માટે હાલ જે મુદત આપવામાં આવી છે તે ખૂબ જ ઓછી છે. એન ઓ સી મેળવવામાં માટેની મુદ્દત એક વર્ષ કરવાની માગણી પણ કરવામાં આવી છે.ફાયર એન.ઓ.સી માટે તબીબી જગત બધું કરવા તૈયાર છે. પરંતુ તેના માટે વ્યવહારુ ઉકેલ લાવવો ખૂબ જ જરૂરી છે. જો કે મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલે પણ યોગ્ય કરવાની ખાતરી આપી છે.

ફાયર એનઓસી મેળવી લેવા અંગે પંદર દિવસની મુદત મહાપાલિકા દ્વારા આપવામાં આવી છે તેની અવધિ આગામી સપ્તાહે પૂર્ણ થઇ રહી છે. મુદતમાં વધારો નહીં કરાય તો આઈએમએ દ્વારા શું કરવામાં આવશે ? તેવા સવાલના જવાબમાં ડો.જય ધીરવાણીએ જણાવ્યું હતું કે ફાયર એન.ઓ.સી મામલે કોઈ વ્યવહારૂ ઉકેલ નહીં આવે તો રાજકોટના તમામ તબીબો માત્ર ઓપીડી ચાલુ રાખશે.ઇન્ડોર સેવા બંધ કરી દેવામાં આવશે.

આઈએમએ રાજકોટ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે હાલ કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોને ફાયરસેફ્ટીના પુરતા સાધનો વસાવી માળખાથીય તોડફોડ કરી એન.ઓ.સી મેળવવા નોટિસ ફટકારવામાં આવી રહી છે અને હોસ્પિટલ પણ સીલ પણ કરવામાં આવી રહી છે તે બંધ કરવું જોઈએ.તમામ ડોક્ટરોને એક સરખા નિયમ લાગુ કરવા જોઈએ નહીં અને નર્સિંગ હોમનું પણ વર્ગીકરણ કરવું જોઈએ  ફાયર સેફટીના એન.ઓ.સી માટે એક વર્ષ અને સમય આપવો જોઈએ એટલું જ નહીં.સ્થાનિક કક્ષાએ ફાયર સેફ્ટી કે ટાઉન પ્લાનિંગ અંગે કોઈપણ ઉતાવળ ભર્યો  કે આકરા નિર્ણય લેતા પહેલા સમાજના હિત માટે ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના મુખ્ય હોદ્દેદારો સાથે બેઠા કરી નિર્ણય લેવામાં આવે તે યોગ્ય છે.

મુદ્દત નહીં જ વધારાય, માર્ગદર્શન ચોક્કસ આપીશું :ઉદિત અગ્રવાલ

Udit1 C

ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટેનો વર્ક ઓર્ડર આપ્યાની નકલ રજુ કરનાર હોસ્પિટલ સીલ નહીં કરાય

કોર્પોરેશન દ્વારા શહેરની તમામ હોસ્પિટલ અને ૧૫ દિવસમાં ફાયર સેફ્ટી અંગેનું એન.ઓ.સી મેળવી લેવા માટેની નોટિસ ફટકારવામાં આવી છે. જે હોસ્પિટલ પાસે ફાયરનું એન.ઓ.સી નહીં હોય તેને સીલ કરવામાં આવશે અને નવા દર્દીઓને પણ સારવાર માટે આવી હોસ્પિટલ દાખલ કરી શકશે નહીં. આ સંદર્ભે આજે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન દ્વારા  સમય મર્યાદામાં વધારો કરવા સહિતની માગણી સાથે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.દરમિયાન ઉદ્દેશ અગ્રવાલે આજે સ્પષ્ટ જણાવ્યું  છે કે ફાયર સેફ્ટીના એન.ઓ.સી મેળવવા માટેની મુદતમાં એક પણ દિવસનો વધારો કરવામાં આવશે નહીં.હોસ્પિટલો કે ડોક્ટરને જ્યાં માર્ગદર્શનની જરૂર પડશે ત્યાં કોર્પોરેશન ચોક્કસ માર્ગદર્શન આપશે આટલું જ નહીં જે હોસ્પિટલ એ ફાયરના સાધનો વસાવવા માટે કામ આપી દીધું છે. તે વર્ક ઓર્ડરની નકલ રજૂ કરી દેશે તો પણ તેની સામે સીલીંગની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આઇએમએ દ્વારા એવી પણ રજૂઆત કરાઈ હતી કે ફાયર સેફ્ટીના સાધનો સપ્લાય કરતી એજન્સીઓએ ભાવમાં વધારો કરી દીધો છે.આવી ફરિયાદના અનુસંધાને આગામી દિવસોમાં એજન્સીઓ ના વેપારીઓ સાથે મિટીંગ કરવામાં આવશે અને વધુ ભાવ લેતાં વેપારીઓ સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે.ફાયર એન.ઓ.સી.અંગે કોર્પોરેશન ડોક્ટર અને હોસ્પિટલો અને માર્ગદર્શન ચોક્કસ આપશે પરંતુ મુદતમાં વધારો કરવામાં આવશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.