Abtak Media Google News

તબીબો કોરોના દર્દીઓને પ્લાઝમા દાન કરી  દેવદૂત બની રહ્યા છે: ૩૯૦ને સાજા કર્યા

કોરોનામાંથી સાજા થયા બાદ ૨૧ થી ૨૮ દિવસ પછી પ્લાઝમા દાન કરી શકાય છે

દેવદૂત સમા ડોકટર જ પ્લાઝમા દાતા બની દર્દીઓની જીંદગી બચાવી અન્યોને પણ પ્રેરણા આપી રહ્યા છે. છેલ્લા ૧૦ માસમાં મેડિસીન વિભાગના તબીબોએ ૩૯૦ દર્દીઓને પ્લાઝમા દાન કરી સાજા કર્યા છે.

જી.જી.હોસ્પિટલની જિલ્લા કક્ષાની કોવિડ હોસ્પિટલમાં મેડિસિન વિભાગ દ્વારા પ્લાઝમાં થેરાપીથી ૩૯૦ દર્દીઓને સારવાર અપાઈ હતી. પ્લાઝમાં થેરાપીથી દર્દીઓની તબિયતમાં ઝડપથી સુધારો  થતો હોય છે. પ્લાઝ્મા થેરાપીથી કોરોનાગ્રસ્ત દર્દીની સારવારની મુખ્ય જવાબદારી જે વિભાગ ઉપર હોય છે તેવા મેડિસિન વિભાગના વડા ડો.મનિષ મહેતા કહે છે કે રકત દાનની જેમ જ પ્લાઝમાંનું દાન કોરોના જેમને મટી ગયો હોય તેવી વ્યકિત કરી શકે છે. તંદુરસ્ત માનવ શરીરમાં આશરે ૪૫ ટકા રકતમાં કણો અને આશરે ૫૫ ટકા પ્રવાહી(પ્લાઝમા)ના રહેલા છે. પ્લાઝમામાં ૯૨ ટકા પાણી હોય છે, ૮ ટકા મીનરલ્સ-એન્ટીબોડી હોય છે. કોઇપણ વ્યકિત કે જેને કોરોનાનો ચેપ લાગ્યો હોઇ અને સાજા થયા બાદ આઇજીજી પ્રકારના એન્ટીબોડી ઉત્પન્ન થઇ હોઇ એ વ્યકિત પ્લાઝમાંનુ દાન ૨૧ થી ૨૮ દિવસ પછી કરી શકે છે.

પ્લાઝમાનું દાન કોણ કરી શકે એ વિશે કોવિડના રિજિઓનલ નોડલ ઓફિસર ડો. એસ.એસ.ચેટર્જી કહે છે કે, ૧૮થી ૬૫ વર્ષની વ્યકિત કે જેમને તાવ-ખાંસીના લક્ષણો સંક્રમણ દરમિયાન હતા અને વજન ૫૦ કિલોથી વધુ હોઇ, હિમોગ્લોબીન ૧૨.૫ ગ્રામ થી વધુ, પ્રોટીનનું પ્રમાણ ૬ ગ્રામ હોવુ જોઇએ. તેમજ લોહીથી ફેલાતા રોગો ભૂતકાળમાં ન હોવા જોઇએ. દર પંદર દિવસે પ્લાઝમાં ડોનેટ કરી શકાય છે. પ્લાઝમાં ડોનર પાસેથી એકવારમાં ૫૦૦ મિલી પ્લાઝમાં લેવામાં આવે છે. જે કોરોનાગ્રસ્ત દર્દીનું ઓકિસજન લેવલ ૯૩ ટકાથી ઓછું રહેતું હોઇ, વેન્ટિલેટર ઉપર હોઇ તેમને પ્લાઝમાં થેરાપીથી સારવાર કરવામાં આવે છે. કોન્વોલેસન્ટ પ્લાઝમામાં રહેલ એન્ટીબોડી હાલ કોરોનાગ્રસ્ત દર્દીના શરીરમાં દાખલ કરતાં દર્દીની રોગ પ્રતિકારક શકિતમાં વધારો થાય છે.

જિલ્લાકક્ષાની કોવિડ હોસ્પિટલના નોડલ અધિકારી ડો.ભુપેન્દ્ર ગોસ્વામી કહે છે કે જે દર્દીઓને કોરોના થાય કે તરત જ જો પ્લાઝ્મા થેરાપીથી સારવાર આપીએ તો તેને આ સારવાર ખૂબ લાભકારક રહે છે. તેવુ અમે આ થેરાપીથી સારવાર  દરમિયાન અનુભવ્યું હતું.મેડીસીનના સિનિયર ડો.મહેજબિન હિરાની કહે છે કે, ૩૯૦ દર્દીઓને પ્લાઝ્મા થેરાપી આપી હતી. એટલે સરેરાશ સમજો કે એક દિવસની એક દર્દીની જો પ્લાઝ્માની સારવાર ગણીએ તો  ૩૯૦ દિવસ સુધી એટલે કે એક વર્ષથી પણ વધુ સમય થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.