Abtak Media Google News

એક સપ્તાહ પૂર્વે થયેલા અકસ્માત દરમિયાન બોલાચાલીનો બદલો લેવા કાર નંબરના આધારે વેપારીનું એડ્રેસ શોધી ઘરે લુખ્ખાગીરી કરી

મોટી ટાંકી ચોકમાં બોલાવી છરી અને પાઇપથી ખૂની હુમલો કરતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી ગુંડા જેવી છાપ ધરાવતા ડો.લક્કીરાજની કરી ધરપકડ

શહેરના મવડી રોડ પર આવેલા આનંદ બંગલા ચોકમાં હોસ્પિટલ ધરાવતા અને ભાજપ અગ્રણીના પુત્રએ કાર અથડાવવા જેવી સામાન્ય બાબતે ગુંડાગીરી કર્યાનું બહાર આવતા સનસનાટી મચી ગઇ છે. ફર્નિચરના વેપારીના ઘરે જઇ લુખ્ખાગીરી કર્યા બાદ વેપારીને મોટી ટાંકી ચોકમાં બોલાવી તબીબે હિન્દી ફિલ્મના વિલનની જેમ આઠ જેટલા શખ્સો સાથે છરી અને પાઇપથી હુમલો કરવાની શરમજનક ઘટનામાં પોલીસે તબીબ સહિત આઠ શખ્સોની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વૈશાલીનગરમાં રહેતા અને લક્ષ્મીનગર નજીક ફર્નિચરનો વ્યવસાય કરતા હિરેનભાઇ ઉદયભાઇ નથવાણી નામના યુવાન પર છરી અને પાઇપથી હુમલો કરવાના ગુનામાં ભાજપ અગ્રણીના તબીબ પુત્ર લક્કીરાજ ભગવાનજી પટેલ, નવલનગરના મીત હરેશ વ્યાસ, મવડી પ્લોટના આકાશ વિનુદાસ મેસવાણીયા, અલ્કા સોસાયટીના રાજ દિલીપ ગૌસ્વામી, નવલનરના અર્જુનસિંહ ઉર્ફે અજુભા રણજીતસિંહ ચૌહાણ, વિશ્ર્વકર્મા સોસાયટીના યશ ઉર્ફે ઠોંડી રસિક વ્યાસ અને રેલનગરના ધર્મેશ હરેશ યાદવની પ્ર.નગર પોલીસે ધરપકડ કરી છે.

હિરેન નથવાણી ગત તા.૨૮મીએ પત્ની ચાંદની અને પુત્ર કુશ સાથે કારમાં કાલાવડ રોડ પર ફરવા ગયા હતા ત્યારે પ્રેમ મંદિર પાસે પાછળ આવતી કાર સાથે અથડાતા બંને વચ્ચે થયેલી બોલાચાલી દરમિયાન એક શખ્સે હિરેન નથવાણીની કારના ફોટા પાડી લીધી હતા.

કાર નંબરના ફોટાના આધારે તે વૈશાલીનગરમાં રહેતા હોવાની માહિતી મેળવી બે દિવસ પહેલાં તેના ઘરે બે અજાણ્યા શખ્સો ગયા હતા અને તેના માતા-પિતા પાસેથી મોબાઇલ નંબર મેળવી જયદીપસિંહના નામે ફોન કરી હિરેન નથવાણીને મોટી ટાંકી ચોકમાં અકસ્માતની ઘટના અંગે થયેલી બોલાચાલીનું સમાધાન કરવાનું કહી મળવા બોલાવ્યા હતા.

7537D2F3 5

હિરેન નથવાણીએ પોતાના મોટા ભાઇ ભાવીન અને મિત્ર સાજીદને ઘટના અંગે વાત કરી મોટી ટાંકી ચોકમાં જયદીપસિંહને મળવા ગયા ત્યારે માથે પાઘડી બાંધેલા શખ્સે ગાળો દઇ છરીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા હિરેન નથવાણીને સારવાર માટે બાઇક પર સાજીદ લઇ ગયો હતો.

પોલીસે મોબાઇલ નંબર અને સીસીટીવી ફુટેજ મેળવી તપાસ કરતા જયદીપસિંહ નહી પણ ભાજપ અગ્રણી તબીબના પુત્ર ડો.લક્કીરાજ પટેલ હોવાનું બહાર આવતા પ્ર.નગર પી.આઇ. વી.એસ.વણઝારા અને એ.એસ.આઇ. કે.વી.માલવીયા સહિતના સ્ટાફે ધરપકડ કરી પૂછપરછ કરતા તેની સાથે ટપોરી ટાઇપ મીત વ્યા, આકાશ મેસવાણીયા, રાજ ગૌસ્વામી, અર્જુન ઉર્ફે અજુભા ચૌહાણ, યશ ઉર્ફે ઠોંડી વ્યાસ અને ધર્મેશ યાદવ હુમલો કરવામાં સંડોવાયા હોવાની કબુલાત આપતા તમામની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે તમામને એક દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

ડો.લક્કીરાજ પટેલના પિતા ભગવાનજી પટેલ પણ તબીબી વ્યસાય સાથે જોડાયા છે અને ભાજપમાં મોખરાનું સ્થાન ધરાવે છે. ભગવાનજી પટેલ આ પહેલાં દારૂના ગુનામાં વિવાદમાં સપડાયા હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.