Abtak Media Google News

૩૦ વર્ષ જુની મિલકતોના કાર્પેટ એરિયાના દરમાં વધારો કરવાની બજેટમાં ભેદી દરખાસ્ત સ્ટેન્ડિંગે પકડી પાડી

રાજકોટની જનતાને ઉંધા ચશ્મા પહેરાવવાની મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીની કારીગરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડે પકડી પાડી છે. જેના કારણે શહેરમાં ૩૦ વર્ષથી જુની મિલકતો પર રૂ.૨૦ કરોડથી પણ વધુનો બોજો આવતા સહેજ અટકી ગયો છે.

ગત ૩૦મી જાન્યુઆરીએ જયારે અગાઉ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ પ્રસ્તુત કર્યું અને ત્યારબાદ પત્રકાર પરીષદમાં એવી ઘોષણા કરી હતી કે, કાર્પેટ એરિયાના દર યથાવત રાખવામાં આવ્યા છે અને રાજકોટવાસીઓ પર ૧૬.૫૦ કરોડનો બોજો લાદવામાં આવ્યો છે. વાસ્તવમાં કાર્પેટ એરિયાના નિયમમાં ફેરફાર કરવાના નામે દરમાં પણ તોતીંગ વધારો કરવાની પેરવી હતી જોકે સ્ટેન્ડિંગ કમિટીએ બજેટના અભ્યાસ અને સમીક્ષા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની આ પેરવી પર પાણી ફેરવી દીધું છે. મિલકત વેરા માટેના કાર્પેટ એરિયા ફેકટરમાં ૩૦ વર્ષ કરતા વધુ ઉંમર ધરાવતી મિલકતના પરીબળમાં ૧૦૦ ટકા જેવો વધારો સુચવવામાં આવ્યો હતો જેના કારણે શહેરના ગામતળના અને જુના કોમર્શીયલ વિસ્તારો જેવા કે કેનાલ રોડ, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, રોડ, સોની બજાર, લાખાજીરાજ રોડ, ગરેડીયાકુવા રોડ, જયુબીલી શાકમાર્કેટ, મોચી બજાર, દાણાપીઠ, ભુપેન્દ્ર રોડ, કરણસિંહજી, કોઠારીયાનાકા, કડીયા નવલાઈન, પેલેસ રોડ તેમજ કરણપરા, પ્રહલાદ પ્લોટ, મીલપરા, ગુંદાવાડી, લક્ષ્મીવાડી, કેવડાવાડી, હાથીખાના જેવા રહેણાંક વિસ્તારોમાં ૧.૪૦ લાખ મિલકતોના વેરામાં અસહય વધારો થતો હતો.

ભાજપના શાસકોએ બજેટની ઉંડી સમીક્ષા કરી એવો નિર્ણય હતો કે જુના વિસ્તારના રહેવાસી તથા ધંધાર્થીઓ માટે વિશેષ કોઈ લાભ કે યોજના આપી શકાય તેમ નથી જેથી મ્યુનિસિપલ કમિશનરે મિલકત વેરાનો જે બોજ સુચવ્યો છે તેને નામંજુર કર્યો હતો. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનરે બજેટમાં મિલકત વેરામાં આશરે ૨૦ કરોડનો બોજ સુચવ્યો હતો જે ફગાવી દેવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.