Abtak Media Google News

તંદુરસ્ત અને નાજુક ત્વચા તમારી હેબિટ અને લાઇફ-સ્ટાઇલને ઇન્ડિકેટ કરે છે

તમારા સ્વાસ્થ્યની કાળજી લેવી જરૂરી છે. એવી જ રીતે તમારી ત્વચાની કાળજી પણ અત્યંત મહત્વની છે. તંદુરસ્ત અને નાજુક ત્વચા તમારી હેબિટ અને લાઇફ-સ્ટાઇલને ઇન્ડિકેટ કરે છે. ત્વચાની સંભાળમાં બેદરકારીનાં ગંભીર પરિણામો પણ ભોગવવાં પડે છે. ત્વચાની સુંદરતા એ સ્ત્રીની કમજોરી છે.

વાસ્તવમાં સ્ત્રીના સૌંદર્ય અને વ્યક્તિત્વમાં શરીરનાં તમામ અંગોની ખૂબસૂરતીનું આગવું મહત્વ છે, પરંતુ તેઓ ચહેરાની સુંદરતાને જ પ્રાધાન્ય આપે છે, પરિણામે શરીરનાં અન્ય અંગોની સુંદરતા નષ્ટ થઈ જાય છે. શું તમે ક્યારેય અરીસામાં જોતી વખતે તમારી ગરદન પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે? જો તમારો ચહેરો રૂપાળો હોય અને દાંત પીળા પડી ગયા હોય તો કેવું લાગે? વાળ લાંબા અને ચમકદાર હોય પણ ડેન્ડ્રફ હોય તો ચાલે? આવી જ રીતે ચહેરો ગોરો હોય અને ગરદન કાળી હોય તો એનો પ્રભાવ તમારા આખા વ્યક્તિત્વ પર પડે છે.

શારીરિક સુંદરતામાં ચહેરાના સૌંદર્યનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ નાજુક નમણી ગરદનનું છે. ચહેરાની સુંદરતા પ્રાપ્ત કરવાના અતિ ઉત્સાહમાં આપણે ગરદનની સુંદરતાને નજરઅંદાજ કરીએ છીએ. બ્યુટી-પાર્લરમાં જઈને સૌંદર્ય નિખારવાની વાત આવે ત્યારે પણ સ્ત્રીઓ એક સીમામાં બંધાઈને રહે છે, પરિણામે ગરદનનું સૌંદર્ય ખોઈ બેસે છે. ગરદન આપણા શરીરનું એક એવું નાજુક અંગ છે જેના પર ઉંમરની અસર સૌથી પહેલાં વર્તાય છે.

જો ગરદનની નિયમિતપણે કાળજી લેવામાં નહીં આવે તો એની સુંદરતા ચોક્કસ ગુમાવી દેશો. કવિઓએ સ્ત્રીની સુરાહીદાર અને હરણી જેવી નાજુક ડોક પર અનેક કવિતાઓ રચી છે પણ સ્ત્રીઓની બેદરકારી અને ઉપેક્ષાએ એના સૌંદર્યને નષ્ટ કરી નાખી છે. સ્ત્રીઓમાં ગરદનની ત્વચા કાળી પડી જવાની ફરિયાદ સામાન્ય થઈ ગઈ છે. કેટલીક વાર ગરદનની કાળાશને કારણે તેમને જાહેરમાં ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાવું પડે છે અથવા એને છુપાવવા બંધગળાનાં વસ્ત્રો પહેરવાની ફરજ પડે છે.

ગરદનની સ્વચ્છતામાં ઉપેક્ષા દાખવવામાં આવતા આ જગ્યાએ મેલ જમા થાય છે અને ધીમે-ધીમે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. લાંબા સમય સુધી આ બાબતમાં બેદરકારી રાખવામાં આવતાં ચહેરા અને ગરદનના રંગમાં મોટો તફાવત આવી જાય છે. એક સમય એવો આવે છે જ્યારે તમારી પાસે કોસ્મેટિક સારવાર સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી બચતો. કોસ્મેટિક સારવારથી બચવા અને ગરદનની સુંદરતાને બરકરાર રાખવા વહેલાસર જાગી જવામાં શાણપણ છે. આજે આપણે ચહેરાની ખૂબસૂરતીમાં વધારો કરતી ગરદનના સૌંદર્ય પર ધ્યાન કેન્દ્રિત કરીશું.

ગરદનની કાળાશ અને ડાઘ-ધબ્બાનાં અનેક કારણો હોઈ શકે છે. તડકામાં ફરવાથી તેમ જ અધિક માત્રામાં પરસેવાને કારણે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. પરસેવાને કારણે ગરદનની આસપાસ યુરિક ઍસિડ જમા થાય છે જેનાથી ત્વચા કાળી પડી જાય છે. ડાયાબિટીઝ અને થાઇરોઇડ જેવા કેટલાક ચોક્કસ રોગોની ગરદનની સુંદરતા પર વિપરીત અસર થાય છે. ગરદનની સુંદરતા નષ્ટ થવાનાં અનેક કારણો હોઈ શકે છે જેમાં સૌથી સામાન્ય છે વધતી વય એવો અભિપ્રાય આપતાં ડર્મેટોલોજિસ્ટ  કહે છે, જેમ-જેમ ઉમર વધતી જાય ગરદનની ત્વચા પર આડી લાઇન પર કરચલી પડવા લાગે છે.

વયને કારણે પડતી કરચલીઓને દૂર કરવા બોટોક્સનાં ઇન્જેક્શન લેવાં પડે. બોટોક્સ સૌથી સલામત, અસરકારક અને લોકપ્રિય કોસ્મેટિક સારવાર છે જે ત્વચાને યુવાન રાખે છે. આ પ્રકારનાં ઇન્જેક્શન લેવાથી વર્તમાન કરચલીઓ દૂર કરી શકાય છે તેમ જ નવી કરચલી થતી અટકાવી શકાય છે. બોટોક્સના ઇન્જેક્શનની સારવાર નિષ્ણાત અને અનુભવી ડોક્ટરની દેખરેખ હેઠળ કરાવવી જોઈએ.

બોટોક્સની સારવાર સામાન્ય રીતે ઉમરને કારણે પડતી કરચલીઓ માટે જ લેવામાં આવે છે, પરંતુ આજકાલ નાની વયના લોકોમાં પણ ગરદન પર દેખાતી કરચલી સામાન્ય બાબત થઈ ગઈ છે એનું કારણ જણાવતાં ડો. છે, યુવાનીમાં ગરદન પર જે કરચલી દેખાય છે એનું મુખ્ય કારણ છે જિમ. આજે જિમમાં જઈને બોડી બનાવવાનો જે ક્રેઝ વધી રહ્યો છે એની આડઅસર ગરદન પર જોવા મળે છે. યુવતીઓમાં ગરદન પર જોવા મળતી જે ઊભી કરચલીઓ દેખાય છે એ જિમને કારણે છે જેને તબીબી ભાષામાં ચિકન નેક કહેવાય છે.

કસરત કરતી વખતે ગરદનના મસલ્સ ખેંચાય છે  એથી કરચલીઓ પડે છે. જોકે કેટલીક તકેદારી રાખવાથી એને દૂર કરી શકાય છે અથવા તો ઓછી કરી શકાય છે. ચિકન નેકમાં પણ બોટોક્સની સારવાર અસરકારક સાબિત થાય છે. આમાં તરત જ રિઝલ્ટ દેખાય છે. આ ઉપરાંત રિન્કલ ફિલર પણ કરાવી શકાય. રિન્કલ ફિલરમાં જેલ લગાવવામાં આવે છે. આ એક પ્રકારની મોઇરાઇઝર ક્રીમ છે જેને સામાન્ય ક્રીમની જેમ જ વાપરી શકાય. ગરદનની કરચલીઓ દૂર કરવાના અનેક માર્ગ છે, દવા અને ક્રીમથી ફરક ન પડે ત્યારે છેલ્લે લેઝર ટીટમેન્ટ આવે છે. જ્યારે તકલીફ વધી જાય ત્યારે આ સારવાર લેવી જોઈએ.

ગરદન પર પિગમેન્ટેશનની સમસ્યાને છુપાવવી સૌથી અઘરી છે. પિગમેન્ટેશનને કારણે ત્વચાનો રંગ બદલાઈ જાય છે. શરીરના અન્ય અંગની તુલનામાં ગરદન કાળી પડી જાય છે. ત્વચાના રંગને જાળવી રાખતા રંગસૂત્રોની સંખ્યા ઝડપથી વધી જાય ત્યારે આ પ્રકારની સમસ્યા ઉદ્ભવી શકે છે. આ સમસ્યા દરેક ઉંમરની વ્યક્તિમાં જોવા મળે છે. ગરદનની ખૂબસૂરતી ખોવાઈ જવાનાં કારણોમાં સૌથી જોખમી કારણ છે ઓબેસિટી. સ્થૂળ કાયા ધરાવતી વ્યક્તિને ઍકેન્થોસિસ નાઇગ્રિક્ધસનો સામનો કરવો પડે છે.

ઍકેન્થોસિસની અસર ગરદન, બગલ અને નિતમ્બના ભાગ પર વધારે જોવા મળે છે. આ પ્રકારની સમસ્યામાં ગરદનની ત્વચા જાડી થતી જાય છે, પરિણામે ગરદન પર ફોલ્ડ પડે છે. ઓબેસિટી તેમ જ ડાયાબિટીઝના દરદીમાં પણ એકેન્થોસિસની સમસ્યા જોવા મળે છે. સ્થૂળ અને ડાયાબિટીઝના દરદીઓ ત્વચાનો રંગ બદલાઈ ગયો હોય એવો અણસાર આવે કે તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. વહેલી તકે સારવાર કરવામાં ન આવે તો સમસ્યા વકરે છે અને સારવાર મુશ્કેલ બને છે. કેટલીક વાર ઇલાજ શક્ય નથી બનતો. થાઇરોઇડ અને અન્ય કેટલીક બીમારીમાં ડમાં ટ્રીટમેન્ટની પણ ખાસ અસર વર્તાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.