Abtak Media Google News

વર્લ્ડકપ માટે ભારતીય ટીમનું ચયન પૂર્ણ: કેપ્ટન કોહલી અને ધોની વચ્ચેનો તાલમેલ ભારતીય ટીમ માટે ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે શ્રેણીમાં ભારતનો પરાજય થયો છે ત્યારે આગામી વર્લ્ડકપ માટે ક્રિકેટ પ્રશંસકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હોય તેવું લાગી રહ્યું હતું. કારણકે પહેલા બે વન-ડે જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા ટીમે જે રીતે પોતાની ઉચ્ચકક્ષાની રમતનું પ્રદર્શન કર્યું તે જોતા ભારતીય ટીમ બેકફુટ ઉપર આવી ગઈ હતી ત્યારે આવનારા વર્લ્ડકપમાં એક વિનીંગ કોમ્બીનેશન ટીમ કઈ રહેશે તે માટે ભારતીય ટીમ દ્વારા અનેક નવતર પ્રયોગો કરવામાં આવ્યા હતા જેમાં રીષભ પંથ, લોકેશ રાહુલ, વિજય શંકર જેવા ખેલાડીઓને પણ સ્થાન આપવામાં આવ્યું હતું.

ભારતીય ટીમ દ્વારા જે ખેલાડીઓનું ચયન ઓસ્ટ્રેલિયાની વન-ડે શ્રેણી માટે કરવામાં આવ્યું હતું તેનું મુખ્ય કારણ એ હતું કે, જે ટીમ ઓસ્ટ્રેલિયા સામે રમશે અને વિનીંગ કોમ્બીનેશન તરીકે સામે આવશે તો તેને વર્લ્ડકપમાં રમાડવી પરંતુ ટીમ મેનેજમેન્ટનો નિર્ણય ઘણી ખરી રીતે ખોટો સાબિત થયો હોય તેવું લાગી રહ્યું હતું. અંતિમ મેચ પૂર્ણ થયા બાદ વિરાટ કોહલીએ ક્રિકેટ પ્રશંસકોને ધરપત દેતા જણાવ્યું હતું કે, ભારતીય ટીમનું વર્લ્ડકપ માટેનું ચયન થઈ ગયું છે અને આ સીરીઝમાં કયાં ખેલાડી ઉપર કયાં પ્રકારનો મદાર રાખવો અને પ્રેશરની પરિસ્થિતિમાં તે પોતાના પર કઈ રીતે કાબુ રાખી રમત રમે છે તે મુખ્ય બાબત હતી એટલે કે ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પરાજયથી ગભરાવવાની જરૂરીયાત નથી. આ શ્રેણી હારથી ભારતીય ટીમે કયાં પ્રકારની રમત રમવી તેનો પણ ખ્યાલ આવી ગયો છે.

વર્લ્ડકપ કે જે ઈંગ્લેન્ડ અને વેલસમાં રમાવવા જઈ રહ્યો છે ત્યાંની વિકેટ સ્લો હોવાથી હાર્દિક પંડયા અથવા તો ભારતીય ટીમના જે મિડીયમ પેશરો છે તેનાથી બોલીંગની શરૂઆત કરાવવામાં આવે તો પણ નવાઈ નહીં ત્યારે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીનો પણ તાલમેલ બખુબી વર્લ્ડકપમાં જોવા મળશે તેવી પણ આશા હાલ સેવાઈ રહી છે.

સૌથી ઝડપી ૮૦૦૦ રન વનડેમાં કરનાર રોહિત ગાંગુલીની સાથે ત્રીજા ક્રમે પહોંચ્યો

Rohit

ભારતીય ટીમના ઓપનર અને વિસ્ફોટક બેટસમેન રોહિત શર્મા વન-ડે ક્રિકેટમાં ૮૦૦૦ રન કરનાર ફાસ્ટેટ ક્રિકેટર બન્યો છે અને તે સૌરવ ગાંગુલીની સાથે ત્રીજા ક્રમે પણ પહોંચી ગયો છે. આ શિખર તેને પાંચમાં અને અંતિમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયા સામે ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ ખાતે રેકોર્ડ નોંધાવ્યો હતો. આ પહેલા રોહિતે મોહાલી ખાતે ૯૨ બોલ રમી ૯૫ રન નોંધાવ્યા હતા ત્યારે ઈલાઈટ કલબમાં પહોંચવા માટે માત્ર તેને ૪૬ રનની જ જરૂર હતી. ૮૦૦૦ રનના માઈલ સ્ટોન સુધી પહોંચવામાં નાથન લીયોન કે જે ઓસ્ટ્રેલિયાનો અપ સ્પીનર છે તેને મદદ કરી હતી ત્યારે છેલ્લા વન-ડેમાં ૮૯ દડા રમી રોહિત દ્વારા ૫૬ રન નોંધાવવામાં આવ્યા હતા. હાલ વન-ડે ઈન્ટરનેશનલમાં રોહિત શર્માના ૮૦૧૦ રન નોંધાયા છે કે જેને ૨૦૬ વન-ડેમાં નોંધાવવામાં આવ્યા છે જેમાં રોહિત શર્મા દ્વારા ૨૨ સેન્ચ્યુરી અને ૪૧ હાફ સેન્ચ્યુરી નોંધાવાઈ છે. ટોપ-૩ની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી પ્રથમ ક્રમે એબીડી વિલિયર્સ બીજા ક્રમે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. ઈનીંગની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી દ્વારા પોતાના ૮૦૦૦ રન ૧૭૫ ઈનીંગમાં જયારે એબીડી વિલિયર્સે ૧૮૨ ઈનીંગમાં અને રોહિત તથા સૌરવ ગાંગુલીએ પોતાના નીજી ૮૦૦૦ રન ૨૦૦ ઈનીંગમાં કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.