Abtak Media Google News

નવરાત્રી વેકેશનને કારણે દિવાળીની રજા પર 7 દિવસનો કાપ મુકાયો

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજમાં કાલથી અને શાળાઓમાં સોમવારથી દિવાળી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે વિદ્યાથીઓ અને કોલેજીયનો અત્યારથી જ રજાઓના મૂડમાં આવી ગયા છે. જોકે રાજ્ય સરકારે ચાલુ વર્ષે નવરાત્રીનાં સાત દિવસનું વધારાનું વેકેશન જાહેર થતાં દિવાળી વેકેશનની રજાના દિવસો 21 થી ઘટીને 14 થઈ ગયા છે. જેને લીધે વિદ્યાર્થીઓ – કોલેજીયનોની સાથે વાલીઓએ પણ દિવાળીમાં ફરવા જવાના દિવસો પર કાપ મૂકવો પડશે. જોકે દિવાળી માહોલ હોય સ્કૂલ અને કોલેજોમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ પાંખી જોવા મળી રહી છે.

યુનિવર્સિટીનાં નોન ટીચિંગ સ્ટાફ માટે તા.3 થી 11 નવેમ્બરનું દિવાળી વેકેશન જાહેર થયું છે. કાર્યકારી કુલપતિ ડો.નીલાંબરી દવેએ કર્મચારીઓની માંગણીને ગ્રાહ્ય રાખી પોતાના હોદ્દાની રૂએ વધારાની એક દિવસની રજા આપી કર્મચારીઓને ખુશ કરી દીધા છે. યુનિવર્સિટીનાં ભવનમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 3 થી 18 નવેમ્બર સુધી વેકેશન રાખવામાં આવ્યું છે. જ્યારે કોલેજોમાં 1 થી 15 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રાખવામાં આવ્યું છે.

રાજકોટ જીલ્લાની સરકારી – ગ્રાન્ટેડ 1400 થી વધુ શાળાઓમાં 5 થી 17 નવેમ્બર સુધી છાત્રો દિવાળી વેકેશન માણી શકશે. તે પ્રમાણે જ શહેરની 400 સ્વનિર્ભર શાળાઓમાં દિવાળી વેકેશન જાહેર થયું છે. સરકારે ચાલુ વર્ષે જાહેર કરેલી નવરાત્રીની રજાઓની મજા માણ્યા બાદ દિવાળીનાં 21 દિવસનું વેકેશન ઘટીને 14 દિવસ કરવામાં આવતા અનેક વિદ્યાર્થીઓની સાથે વાલીઓમાં પણ કચવાટ ફેલાયો છે. મોટાભાગની શાળા – કોલેજોમાં તો અત્યારથી જ રજાનો માહોલ છવાઇ ગયો છે. મોટાભાગનાં બાળકો – યુવાનો અત્યારથી જ સ્કૂલ – કોલેજમાં રજા પાડી પરિવાર સાથે દિવાળીની રજાની મજા માણવા માટે નીકળી પડયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.