Abtak Media Google News

દીવાળી પ્રકાશનું પર્વ છે.

પ્રકાશની ગેરહાજરી તે અંધકાર અને અંધકારને હટાવી દે તે પ્રકાશ…

અજ્ઞાન અંધકાર છે અને જ્ઞાન પ્રકાશ છે.

જ્ઞાન ત્યાં જતું નથી જયાં અસ્વચ્છતા હોય.

જયાં અસ્વચ્છતા હોય ત્યાં લક્ષ્મીજીનો નિવાસ અસંભવ…

હરિમંદિરનાં ગર્ભગૃહમાં જેમ પવિત્રતા અનિવાર્ય તેમ સ્વચ્છતા પણ અનિવાર્ય…

અંગ્રેજીમાં એક કહેવત છે કે, “કલીન્લીનેસ ઈઝ ગોડલીનેસજયાં સ્વચ્છતા ત્યાં પરમેશ્ર્વરનો અને પ્રભુતાનો નિવાસ ગંદુ ગોબરૂ ગામ ગોકુળનું સ્વરૂપ લઈ શકે નહિ.

આ દીવાળીએ આપણે આપણા ઘર, આપણી નિશાળ, અને આપણી આસપાસનું બધું જ સ્વચ્છ બનાવવાનો સંકલ્પ કરીએ.

આપણા દેશનાં શહેરો કચરાના ઢગલાઓનો સામનો કરી રહ્યા છે. એના કારણે ગમે ત્યારે ચેપી રોગો ફેલાઈ જાય છે. અને તે આખા શહેર પર કબજો જમાવી દે છે. આજે ડેંગ્યુ, ચિકનગુનિયા, બર્ડ ફલ્યું, ટાઈફોઈડ, સ્વાઈન ફલુ જેવા કેટલાક રોગો આપણા દેશમા ફેલાઈ ગયા છે. તે ગમે ત્યારે ગંભીર સ્થિતિ પેદા કરી દે છે. સપ્ટેમ્બર ૧૯૯૪માં સુરતના કેટલાય વિસ્તારોમાં પ્લેગ ફેલાઈ જવાના સમાચાર આવ્યા હતા. ત્યાં દવાખાનાઓમાં દર્દીઓની ભીડને સાચવવાનું મુશ્કેલ થઈ ગયું હતુ ફકત એક જ અઠવાડિયામાં રોગીઓની સંખ્યા હજારોમાં પહોચી ગઈ હતી.

અમુક અમુક સમયે પેદા થતા અને ફેલાતા આ રોગોનું એક મોટુ કારણ સ્વચ્છતાનો અભાવ છે. લોકો સ્વચ્છતા તરફ ધ્યાન આપતા નથી. આઝાદી મળ્યે આટલા બધા વર્ષ થયા હોવા છતાં સ્વચ્છતાની બાબતમાં આપણે બહુ પાછળ છીએ. ભારતમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતી ન હોવી તે ખૂબ ચિંતાનો વિષય છે. દેશમાં ૯૦% ઘન કચરો ખૂલ્લામાં ફેંકવામાં આવે છે.

અહીં એ વાત પણ જાણવી પડે તેમ છે કે, સ્વચ્છતા અને ચોખ્ખાઈનું ક્ષેત્ર રસ્તાઓ, શેરીગલીઓ પૂરતું મર્યાદિત નથી.

મનુષ્યજાતની તમામ પ્રવૃત્તિઓ અને ક્રિયા-પ્રક્રિયાઓ સાથે એ સંલગ્ન છે.

કોઈએ સાચુ દર્શાવ્યું છે કે, ‘ચોખ્ખો મારો ઓટલો’, ઘરનો ચોક, ચોખ્ખી મારી ઓસરી, દેખે સઘળા લોક; ‘ચોખ્ખું મારૂં આંગણું ચોખ્ખી મારી જાત; ચોખ્ખા મારા હૃદયમાં, રહે જગતનો નાથ…

સર્વાંગી ચોખ્ખાઈ આપણને બધાને જગતના નાથનો રૂડો સંગાથ આપે છે !

આપણે જયાં જયાં હરીએ ફરીએ છીએ, તે બધું જ ચોખ્ખું અને સ્વચ્છ હોવું જોઈએ. નિર્મળ અને વિશુધ્ધ હોવાં જોઈએ. આપણા રેલવે સ્ટેશન, ટ્રેનો, બસો અને બસ-સ્ટેશનો, એરપોર્ટસ, શાળા-કોલેજો, યુનિવર્સિટીઓ, વોશરૂમ, ટોઈલેટ, બાગ-બગીચાઓ ઉપવનો, ખૂલ્લી જગ્યાઓ મેદાનો બધું જ સ્વચ્છ અને ચોખ્ખાં હોવા જોઈએ.

અરે, હરિમંદિરો, તિર્થસ્થાનો, ગંગા-યમુના સહિતની લોકમાતાઓ -સરિતાઓ નિર્મળ અને સંશુધ્ધ હોવા જોઈએ.

આપણા ગ્રામ્ય પ્રદેશો તથા પર્યાવરણ વિશુધ્ધ હોવા જોઈએ.

અને સૌથી મહત્વની વાત તો એ છે કે, મનુષ્યમાત્રના મન અને હૃદય આરિસા જેવા શુધ્ધ હોવા જોઈએ… દેહ પણ ચોખ્ખો રાખવો જોઈએ. બાલમંદિરો પ્રત્યે તો સૌથી વધુ લક્ષ્ય આપવું જોઈએ.

જો આપણે માનવીઓ, આપણો સમાજ, આપણી પ્રવૃત્તિઓ, આપણી ક્રિયા-પ્રક્રિયાઓ ચોખ્ખા હશે તો આપણો દેશ વિશ્ર્વમા સ્વચ્છમાં સ્વચ્છ રાષ્ટ્રોની હરોળમાં, કે તેથીયે ઉપરની કક્ષામાં પહોચશે અને નામના પામશે…

આપણા આચારવિચારને, વ્યાપાર-વર્તનને અને વાચા-વાણીને આપણે શુધ્ધ રાખતાં શીખી જશું તો આપણી આવરદા પણ વધી શકે !

આપણા દેશની સ્થિતિ અત્યારે બેહાલ છે. વિનિપાતને માર્ગે છે. અને પતનનાં કલંક હેઠળ છે.તેનું કારણ આપણા તમામ ક્ષેત્રોમાં મતિભ્રષ્ટતાની રાક્ષસી અશુધ્ધિ ઘર કરી ગઈ છે. રાજકારણમાં અને નેતાગણમાં પણ જયાં સુધી વિશુધ્ધિ નહિ આવે ત્યાં સુધી આખું સ્વચ્છતા -અભિયાન નિષ્ફળ રહેશે એ ભૂલવા જેવું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.