જિલ્લા સહકારી સંઘ કચેરીએ બિયારણ વિતરણમાં મામકાવાદથી ખેડૂતોનો હોબાળો

ખેડૂતોએ ગાડી અટકાવી: પોલીસે દોડી જઈ મામલો થાળે પાડયો

કૃષિમંત્રીના શહેર જામનગરમાં ખેડૂતોને બિયારણ મળતું ન હોવાની ખેડૂતોની ફરિયાદો બાદ ગુરૂવારે જામનગરમાં આવેલી જિલ્લા સહકારી સંઘની કચેરીએ બિયારણ વિતરણમાં લાગવગશાહીના આક્ષેપ સાથે ખેડૂતોએ હોબાળો મચાવતા વધુ એક પોલંમપોલ બહાર આવી છે. લાગતા વળગતાઓને આડેથી બિયારણ આપતા સવારથી સંધની કચેરીએ કલાકોથી લાઇનમાં ઉભેલા ખેડૂતોએ ગાડી અટકાવી દેકારો બોલાવતા પોલીસ દોડી ગઇ હતી. જયાં હાજર ખેડૂતોએ મામકાવાદ ચલાવી બારોબાર બિયારણના બીલ બની બનાવી લાગતા-વળગતા ખેડૂતોને આડેથી બિયારણ વિતરણ કરવામાં આવી રહ્યાની ફરિયાદો કરી હતી. જો કે, પોલીસ આવ્યા બાદ ખેડૂતોને નામ નોંધણી કરાવી બિયારણ આપવાની ખાતરી બાદ મામલો થાળે પડયો હતો.

જિલ્લા સહકારી સંઘની કચેરીએ બિયારણ વિતરણમાં લાગવગશાહીના આક્ષેપ સાથે ખેડૂતોએ હોબાળો મચાવતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. બાદમાં સમજાવટથી મામલો થાળે પડયો હતો.

લાઈનમાં ઉભેલાને મગફળીના જી.૨૨ બિયારણની ના પડાઈ

બિયારણ માટે મારી સાથે અન્ય ખેડૂતો સવારથી જિલ્લા સહકારી સંધની કચેરીએ લાઇનમાં ઉભા છીએ. પરંતુ બપોર સુધી અમારો વારો આવ્યો ન હતો. આટલું નહીં આ લાઇનમાં ઉભા રહ્યા ન હોય તેવા ખેડૂતોને બે ગાડી ભરીને બિયારણ આપવામાં આવ્યું છે. અમોને મગફળીના જી-૨૨ બિયારણની ના પાડતા હતાં, જયારે લાઇનમાં ન ઉભા હોય ખેડૂતોને આ બિયારણ આપવામાં આવ્યું હતું. જયારે લાઇનમાં ઉભેલા ખેડૂતોને જી-૨૦ બિયારણ આપવામાં આવ્યું હતું. – હીતેન્દ્રસિંહ જાડેજા, ખેડૂત, નાની ખાવડી

લાઈનમાં ન ઉભેલાને બિયારણ અપાયું

મગફળીનું બિયારણ લેવા માટે સવારથી જામનગર જિલ્લા સહકારી સંઘની કચેરીએ લાગેલી લાઇનમાં ગોઠવાયો છું. જોકે, બપોરનો સમય થવા છતાં હજુ સુધી હેકટર દીઠ ૫ ગુણી બિયારણની મળી નથી. અન્ય લાઇનમાં ઉભા ન રહેલા ખેડૂતોને બિયારણ આપવામાં આવ્યું છે. – ભરતભાઇ રાઠોડ, ખેડૂત, સીંગચ

સહકારી સંઘના મેનેજર શું કહે છે ?

સહકારી સંધે આવેલા બધા ખેડૂતને ૧ હેકટર દીઠ ૫ ગુણી બિયારણની ડીલેવરી આપી છે.આમ છતાં દરેક ખેડૂતને ડબલ બિયારણ લેવું છે. આજે ૬૦૦ ગુણી આવી છે. ગુજરાત રાજય બીજ નીગમ દ્વારા માલની ફાળવણી કરવામાં આવશે તેમ બિયારણ આપવામાં આવશે. બીજ નીગમ દ્વારા ડીલરોને જથ્થો ફાળવામાં આવ્યો છે. ધીરજલાલ સાકરિયા, ઇન્ચાર્જ મેનેજર, જામનગર જિલ્લા સહકારી સંઘ

બીજ નિગમ શું કહે છે?

જામનગર અને દ્રારકા જિલ્લામાં અત્યાર સુધી ૧૬૫ ગાડી ડોડવાની આવી છે. જેમાંથી બંને જિલ્લામાં ૧૩૨ ગાડીનું વિતરણ થઇ ચૂકયું છે. ૧૨ ગાડી દાણાની ફાળવવામાં આવી છે, તેમજ અન્ય દાણાની ખરીદી થઇ રહી છે. ખેડૂતોને સબસીડી સાથે રૂ.૧૬૦૦ માં ડીલર પાસેથી વિતરણ થઇ રહ્યું છે. હાલ ૪૦ જેટલા ડીલરો વેંચાણના કામમાં લાગ્યા છે. રજા હોવાથી વેંચાણ બંધ હતું જે હવે રાબેતા મુજબ ચાલુ છે. માંગ વધુ છે પરંતુ અમે પ્રમાણીત માલમાં પહોંચી વળશું. એચ.પી.વિરાણી, જામનગર જિલ્લા બીજ અધિકારી.

Loading...