Abtak Media Google News

રાજકોટ આવતા પ્રૌઢના અંતરીયાળ મોતથી પરિવારમાં માતમ

રાજકોટ જામનગર ધોરીમાર્ગ જારે ગોજારો બન્યો હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માતો સર્જાયા હોવાના બનાવો પ્રકાશમાં આવ્યા છે. ત્યારે વધુ એક બનાવમાં ખંઢેરી નજીક આવેલી ગ્રાન્ડ મુરલીધર હોટલ નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા રાજકોટ આવતા પડધરીના બાઈક ચાલકનું મોત નિપજયું છે. જયારે મિત્રને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ બનાવ અંગે પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પડધરીના ગીતાનગરમાં રહેતા ઓસમાણભાઈ ઉર્ફે હકાભાઈ ઈસ્માઈલભાઈ હાલા નામના ૪૫ વર્ષના પ્રૌઢ મેમણ શેરીમાં રહેતા પોતાના મિત્ર મનસુખભાઈ કલાભાઈ વડેચા ઉ.૫૪ ને બાઈક પાછળ બેસાડી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે ખંઢેરી નજીક જી.જે.૩ એ ડબલ્યુ ૨૨૩૩ નંબરનાં ડમ્પર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક સવાર બંને પ્રૌઢ ફંગોળાયા હતા ગંભીર રીતે ઘવાયેલા ઓસમાણભાઈ ઉર્ફે હકાભાઈ હાલાનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ જયારે મિત્રમનસુખભાઈ વડેચાને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે અહીની સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

પ્રાથમિક પૂછતાછમાં મૃતક ઓસમાણભાઈ ઉર્ફે હકાભાઈ હાલા ત્રણ ભાઈ અને ચાર બહેનમાં વચ્ચેટ અને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું તેમજ રાજકોટમાં મૃતકનું મકાન હોવાથી મકાને ચકકર મારવા આવતા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે અકસ્માત સર્જનાર ડમ્પર ચાલક સામે ગૂનો નોંધી તપાસહાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.